વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવજીના પ્રિય સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરીને ઇતિહાસ રચ્યો છે. સન ૧૬૬૯માં અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ મંદિરનો પુનરોદ્ધાર કર્યો હતો, જેનાં લગભગ ૩૫૦ વર્ષ બાદ આ નવનિર્માણ થયું છે. મંદિરના વિસ્તરણ-પુનરોદ્ધાર માટે નરેન્દ્ર મોદીએ આઠમી માર્ચ ૨૦૧૯ના રોજ વિશ્વનાથ મંદિર કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. જેના લગભગ બે વર્ષ અને આઠ મહિના બાદ આ ડ્રીમ પ્રોજેક્ટનું ૯૫ ટકા કાર્ય પૂર્ણ કરી દેવાયું છે. અગાઉ મંદિર પરિસર માત્ર ૩ હજાર ચોરસ ફૂટમાં હતું, જે હવે પાંચ લાખ ચોરસ ફૂટમાં ફેલાઇ ગયું છે.
કાશી વિશ્વનાથ મંદિરને સીધા જ ગંગા નદી સાથે જોડતાં અને આશરે ૩૫૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા આ ભવ્ય કોરિડોરનું લોકાર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે કાશીમાં નવો ઇતિહાસ રચાયો છે. કાફિરોએ વારાણસીનો નાશ કરવા અનેક પ્રયાસો કર્યા હતા આમ છતાં આજે તે અડીખમ ઊભું છું કેમ કે કાશી અવિનાશી છે. સલ્તનતો આવી અને ગઈ પણ તેના ગઢની એક કાંગરી પણ ખરી નથી. કાશીમાં જો ઔરંગઝેબ આવે છે તો શિવાજીઓ પણ પ્રગટ થાય છે.
કાશી શબ્દનો વિષય નથી, સંવેદનાઓની સૃષ્ટિ છે. કાશી એ છે જ્યાં જાગૃતિ જ જીવન છે. મૃત્યુ પણ મંગળ છે. સત્ય જ સંસ્કાર છે, પ્રેમ જ પરંપરા છે. કોઇ કાશીમાં પ્રવેશ કરે છે તો તમામ બંધનોથી મુક્ત થઇ જાય છે. કાશી તો આપણા ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે, તેવા વિચારો વ્યક્ત કરતા વડા પ્રધાને ઉમેર્યું હતું કે ન્યૂ ઇન્ડિયાને તેની સંસ્કૃતિ પર ગૌરવ છે. તેની ક્ષમતા પર વિશ્વાસ છે. ન્યૂ ઇન્ડિયામાં વિરાસત અને વિકાસનું સામર્થ્ય છે. વિશ્વનાથ ધામ માત્ર ભવન નથી પણ ભારતની સનાતન સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે.
મોદીએ નિર્માણકાર્યમાં સામેલ શ્રમિકો પર પુષ્પવર્ષા કરીને તેમની સાથે બેસી ભોજન લીધું હતું. તેમણે કહ્યું હતું કે આજનું ભારત મંદિર જીર્ણોદ્ધારની સાથે જરૂરિયાતમંદો માટે પાકા ઘર પણ બનાવી રહ્યું છે. એટલે કે વારસો પણ છે અને વિકાસ પણ છે. આ પૂર્વે મોદીએ ગંગામાં ડુબકી મારીને પૂજાઅર્ચના કરી હતી.
કાશીએ જ્યારે કરવટ બદલી છે ત્યારે...
વડા પ્રધાને કહ્યું કે જ્યારે જ્યારે કાશીએ કરવટ બદલી છે ત્યારે દેશમાં કંઈક નવું થયું છે. દેશનું ભાગ્ય બદલાયું છે. છેલ્લા ૭ વર્ષથી કાશીમાં ચાલી રહેલો મહાયજ્ઞ હવે પૂરો થયો છે. વિનાશ કરનારાઓની શક્તિ ભારતની ભક્તિ કરતાં ક્યારેય ઊંચી હોઈ શકે નહીં. કાશીમાં એક જ સરકાર છે જેમના હાથમાં ડમરુ છે. અહીં જે પણ થાય છે એ મહાદેવની ઈચ્છાથી થાય છે. જે કંઇ પણ બન્યું છે એ મહાદેવે જ કરાવ્યું છે.
કાશી અનંત છે, તેનું યોગદાન પણ અનંત
મોદીએ કહ્યું હતું કે કાશી અનંત છે તેવી જ રીતે તેનું યોગદાન પણ અનંત છે. ઔરંગઝેબ અહીં મંદિર તોડયા તો માતા અહિલ્યાબાઇએ મંદિરનું નિર્માણ કરાવ્યું, તેમની જન્મભૂમિ મહારાષ્ટ્ર હતી અને ઇંદોર કર્મભૂમિ હતી. પૂજ્ય નાનકદેવ પણ કાશી આવ્યા હતા. મહારાજા રણજીતસિંહે ઘણું સોનું દાન કર્યું છે. કબીરદાસથી લઇને રવિદાસની ધરતી કાશી બન્યું, છત્રપતિ શિવાજી મહારાજે અહીં પ્રેરણા લીધી હતી. અહીં જગદગુરૂ શંકરાચાર્યને ડોમરાજાની પવિત્રતાથી પ્રેરણા મળી હતી. અહીં જ તુલસીદાસે રામચરિત માનસની રચના કરી હતી. આ જ ભારતની એક્તાનું સુત્ર છે.
નૂતન ભારતમાં વિરાસત અને વિકાસ બંને શક્ય
આજનું ભારત માત્ર સોમનાથ મંદિરનું જ સૌંદર્યીકરણ નથી કરતું સાથે ઓપ્ટિકલ ફાઇબર પણ નાખી રહ્યું છે. એક તરફ કેદારનાથ મંદિરનો પુનરોદ્ધાર થઇ રહ્યો છે તો બીજી તરફ ઇસરોનું મિશન પણ લોંચ થઇ રહ્યું છે. આજનું ભારત માત્ર બાબા વિશ્વાસનાથને નવું સ્વરૂપ જ નથી આપી રહ્યું સાથે સાથે તે કરોડો ગરીબો માટે ઘર પણ બનાવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળોને જોડાઇ રહ્યા છે. કરતારપુર કોરિડોર તૈયાર કરાયો તો હેમકુંડ સાહિબના દર્શન માટે રોપવે પણ બનાવવાની તૈયારી ચાલી
રહી છે.
ત્રણ સંકલ્પની માગણી
મોદીએ આ પ્રસંગે દેશવાસીઓ પાસેથી ત્રણ સંકલ્પની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશ માટે તમામ નાગરિકો ત્રણ સંકલ્પોનું પાલન કરે. સ્વચ્છતા, સર્જન અને નાવીન્ય તેમજ સંશોધન. ભારતને દરેક બાબતમાં આત્મનિર્ભર બનાવવા સૌ સામૂહિક પ્રયાસો કરે. કાશી વિશ્વનાથ ધામ ભારતને નિર્ણાયક દિશાનિર્દેશો કરે છે. ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરે છે.
૩૦૦૦ હસ્તી વીડિયો કોન્ફરન્સથી જોડાઇ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશી વિશ્વનાથ કોરિડોરને સમર્પિત કર્યો તે કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકર, મોરારી બાપૂ, જગદગુરૂ શંકરાચાર્ય સહિત ૩૦૦૦થી વધુ હસ્તીઓ વીડિયોના માધ્યમથી જોડવામાં આવ્યા હતા. એટલું જ નહી દેશમાં ૫૧૦૦૦ સ્થળોએ તેનું જીવંત પ્રસારણ કરાયું હતું. આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે કાશી વિશ્વનાથ કોરિડોરની પ્રશંસા કરતા કહ્યું હતું કે, લોકો યુગો સુધી અહીં આવતા રહેશે.
કોરિડોરનો પ્રથમ
તબક્કો પૂર્ણ
કાશી વિશ્વનાથ કોરિડોરનો પ્રથમ તબક્કો આશરે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. તેમાં ૨૩ ઈમારતો અને ૨૭ મંદિરો છે. વારાણસીના કલેકટર કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે, દિવ્ય કાશી, ભવ્ય કાશી ઉજવણીમાં ૩૦૦૦થી વધુ હસ્તીઓએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, વડા પ્રધાન દેશના ઘણા ટોચના સંતોની હાજરીમાં તે સમર્પિત કરાયું હતું.
ઉડતી નજરે...
• ૩૫૨ વર્ષ બાદ પહેલી વખત થયો મંદિરનો જિર્ણોદ્ધાર
• ૨૦૧૯માં પ્રોજેક્ટનો શિલાન્યાસ વડા પ્રધાન મોદીએ કર્યો હતો • ૯૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ બન્યો
• ૨૭ મંદિરો અને ૨૩ ભવ્ય ઈમારતો કોરિડોરમાં સામેલ
• ૮ લાખ પરિવારોમાં આ પ્રસંગે થયું પ્રસાદનું વિતરણ
• ૫૦ હજાર ચો.મી.ના વિશાળ સંકુલમાં ફેલાયેલો છે કોરિડોર