વારાણસીઃ સિવિલ કોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર - જ્ઞાનવાપી (જ્ઞાનનો ભંડાર) મસ્જિદ પરિસરનું પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઈ)ને પણ આદેશ જારી કર્યો છે. કોર્ટના આઠમી એપ્રિલના આ આદેશ પ્રમાણે, એએસઆઇ અહીં તપાસ કરશે કે, આ વિવાદિત સ્થળના માળખામાં કોઈ પ્રકારનો ફેરફાર થયો છે કે નહીં. કોઈ જોડતોડ કરાઈ છે કે નહીં. વિવાદિત સ્થળ પર પહેલા મંદિર હતું કે નહીં. નિષ્ણાતો કોર્ટના આ આદેશને અયોધ્યા વિવાદ વખતે થયેલી એએસઆઇની તપાસ જેવો જ ગણાવે છે.
સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર તરફથી એડવોકેટ વિજય શંકર રસ્તોગીએ આ સર્વેક્ષણની માંગ કરતી અરજી કરી છે. રસ્તોગીનું કહેવું છે કે, ‘આ મસ્જિદ હિંદુઓની જમીન પર બની છે. કોર્ટે હિંદુઓને ત્યાં પૂજા કરવાનો અને મંદિર પુનઃ નિર્માણનો અધિકાર આપે. કાશી વિશ્વનાથ મંદિરના એક હિસ્સાને નષ્ટ કરીને મસ્જિદ બનાવાઈ હતી.’
જોકે, જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટી અંજુમન ઈન્તિમિયા મસ્જિદ અને વક્ફ બોર્ડે આ અરજીનો વિરોધ કરતા કહ્યું છે કે, અમે આદેશ વિરુદ્ધ રિવિઝન અરજી કરીશું. ત્યાર પછી હાઈ કોર્ટમાં અપીલ કરવાનો પણ વિકલ્પ છે.
હવે પાંચ સભ્યની સમિતિ રચાશે
કોર્ટે એએસઆઇના ડિરેક્ટર જનરલને પાંચ સભ્યની સમિતિ રચવા આદેશ કર્યો છે. આ સભ્યો પુરાતત્ત્વ વિજ્ઞાનના નિષ્ણાતો હશે. આ સિવાય પુરાતત્ત્વ વિજ્ઞાનના જાણકાર હોય એવા એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરાશે. આ માટે કોઈ યુનિવર્સિટીના શિક્ષણવિદની પસંદગી થઈ શકે છે. સમિતિને વિવાદિત સ્થળે ગમેત્યાં જવાનો હક હશે. આ સમિતિ વિવાદિત ક્ષેત્ર પ્લાન્ટ નંબર-૧૯૮૦ના ઉત્તરી હિસ્સાનું જિયો પેનિટ્રેશન રડાર કે જિયો રેડિયોલોજી સિસ્ટમથી કે બંને વડે સુનિશ્ચિત કરશે કે ક્યાં ખોદકામ કરવું છે. પહેલા ચાર ફૂટ પહોળો ટ્રાયલ ટ્રાંચ ખોદશે. તપાસમાં બંને પક્ષના વકીલ સ્થળ પર હાજર રહેશે.