નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પેટાળમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિશાળ ભંડાર મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે. આ શોધથી ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે ભારતની ચીન તથા અન્ય દેશો પરની નિર્ભરતામાં ઘટાડો થશે.
ઉલ્લેખનીય છે કે ભારત લિથિયમ અને લિથિયમ આયન બેટરીનો વિશ્વનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. 2020-21માં ભારતે પોતાની જરૂરિયાતના 72.73 ટકા લિથિયમ આયન ચીનથી આયાત કર્યું હતું. આ પહેલા કર્ણાટકના મંડ્યા જિલ્લામાં પણ અંદાજે 16000 ટન લિથિયમનો ભંડાર મળ્યો હતો. ભારતનો જિયોલોજિકલ સર્વે વિભાગ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા વિવિધ રાજ્યમાં લિથિયમનો ભંડાર શોધવા માટે સરવે કરી રહ્યો છે.
અહેવાલ અનુસાર દેશના 11 રાજ્યોમાં લિથિયમ, સોનું સહિતના વિવિધ ખજાનાના 51 બ્લોક શોધી કાઢીને એની સોંપણી કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. કાશ્મીરમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિપુલ જથ્થો મળી આવ્યો છે, જેની કિંમત અંદાજે 33 લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે. એ ઉપરાંત કાશ્મીરમાંથી જ સોનાના પાંચ બ્લોક મળી આવ્યા છે. જમ્મુ - કાશ્મીરના રિયાસી નામના નાનકડા ટાઉન નજીકથી આ જથ્થો શોધી કાઢ્યો છે. લિથિયમ અને સોના ઉપરાંત દેશમાં 7897 લાખ ટનનો કોલસો અને લિગ્નાઈટનો જથ્થો પણ મળી આવ્યો છે. વિવિધ કુદરતી ભંડારના 17 અહેવાલો કેન્દ્ર સરકારને મળ્યા છે.
ભારત આત્મનિર્ભર બનશે
માઈન્સ સેક્રેટરી વિવેક ભારદ્વાજના કહેવા પ્રમાણે પહેલી વખત જમ્મુ - કાશ્મીરના રિયાસીમાંથી લિથિયમનો જથ્થો મળ્યો હતો. તેનાથી ભારત ઈલેક્ટ્રિક ઉપકરણોમાં વધારે આત્મનિર્ભર બનશે. વળી, સોનાના ભંડારના કારણે સોનાની આયાત પણ ઘટાડી શકાશે. કેન્દ્ર સરકારના ખાણ – ખનીજ વિભાગના કહેવા પ્રમાણે ખનીજના 51 બ્લોક મળી આવ્યા છે, એમાંથી પાંચ બ્લોક સોનાના છે. તે ઉપરાંત પોટાશ, મોલિબ્ડેનમ, બેઝ મેટલ, કોલસો વગેરેનો જથ્થો પણ મળી આવ્યો છે. આ રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગણાનો સમાવેશ થાય છે.
લિથિયમનો જથ્થો દેશના ગ્રીન પ્રોજેક્ટ માટે જેકપોટ
કાશ્મીરનો લિથિયમનો જથ્થો ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં જે પ્રયાસો થઈ રહ્યાં છે તેમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. ભારત રિન્યુએબલ એનર્જી આધારિત પરિવહન સિસ્ટમ બનાવવા માંગે છે. એ માટે ભારતમાં ઈલેક્ટ્રિક હાઈવેનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ભારતનો પ્રથમ ઈલેક્ટ્રિક હાઈવે દિલ્હી-મુંબઈના રાજમાર્ગમાં બનવા જઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોના માધ્યમથી ભારતે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો નિર્ધાર કર્યો છે. એ વાહનો માટે લિથિયમની બેટરીની જરૂર પડશે. વળી, ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે 250 સ્ટાર્ટઅપ કંપનીઓ મેદાને પડી છે. આ કંપનીઓને સ્વદેશી લિથિયમનો જથ્થો મળતો થાય તો ભારતમાં ઈલેક્ટ્રિક પરિવહનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનું વધારે સરળ બનશે. 2030 સુધીમાં ભારતમાં કુલ વાહનોમાંથી 35 ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય એવો લક્ષ્યાંક છે. આગામી ત્રણ વર્ષમાં ભારતના માર્ગો પર ત્રણ કરોડ ઈલેક્ટ્રિક વાહનો દોડતા હશે એવી શક્યતા છે. આવી સ્થિતિમાં જમ્મુ- કાશ્મીરમાંથી મળેલો લિથિયમનો આ વિપુલ જથ્થો જેકપોટ સાબિત થશે.
લિથિયમ ભંડાર મળવાથી ભારતને થશે આ ફાયદા
• બેટરી માટે વિદેશો પર નિર્ભરતા ઘટશે • લાખો ડોલરનું વિદેશી હૂંડિયામણ બચશે • બેટરી મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. લિથિયમ રિફાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થશે • મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે • સામાન્ય ગ્રાહકો માટે બેટરીના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો થશે • ઇલેક્ટ્રીક વાહનોના ભાવમાં ઘટાડો થશે
દેશના આ પ્રદેશોમાં લિથિયમનો ભંડાર
છત્તીગઢ: કોરબા જિલ્લાના કાટઘોડા, ગઢહાટરા
હિમાચલ: કિન્નૌરના નાકો ગ્રેનાઇટ વિસ્તાર
બિહાર: નવાદા, જમુઈ, પરમનિયા- તેતરિયા
રાજસ્થાન: સિરોહીના સિબાગાંવ વિસ્તાર
ઇવી માર્કેટ વિસ્તરતા લિથિયમની માગ વધી
લિથિયમ આયન બેટરીની ડિમાન્ડ વધી રહી છે. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ફર્મ આર્થર ડી લિટલના જણાવ્યા પ્રમાણે ભારતની વર્તમાન બેટરી ડિમાન્ડ ત્રણ ગીગાવોટ છે. જે 2026 સુધી 20 ગીગાવોટ અને 2030 સુધી 70 ગીગાવોટ સુધી પહોંચી જશે. આગામી 2-3 વર્ષમાં ભારતમાં લિથિયમ બેટરીની જરૂરિયાત 1 લાખથી 1.5 લાખ ટન સુધી આંબી જશે.
ગુણવત્તા સારી તો ઇ-વાહનોના બજારને વેગ મળશે
ક્લાઇમેટ ટ્રેન્ડ્સ કંપનીના ડાયરેક્ટર આરતી ખોસલા કહે છે કે લિથિયમના જથ્થાની આ શોધ નોંધપાત્ર ઘટના છે, પણ મળી આવેલો જથ્થો ‘ઇન્ફેરેડ કેટેગેરી’નો છે. મતલબ કે તેની ગુણવત્તા અંગે વધુ ચકાસણી કરવાની જરૂર છે. જો મળી આવેલો જથ્થો હાઇડિગ્રી કોન્ફિડન્સનો હશે તો દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના બજારને વેગ મળશે.
દેશના એનર્જી સેક્ટરને મોટો ફાયદો થવાની સંભાવના
ઈવી ઊર્જાના સીઇઓ સંયોગ તિવારીએ કહ્યું હતું કે ભારતમાં લિથિયમનો ભંડાર મળતા એનર્જી સેક્ટરને મોટો લાભ થશે. ઓટોમોબાઇલ સેક્ટર, રિચાર્જેબલ બેટરીથી લઈને સ્પેસક્રાફ્ટ, ન્યૂક્લિયર રિએક્ટર્સ, પેસમેકર સહિત વિવિધ ઇન્ડન્સ્ટ્રીઝમાં તેનો ઉપયોગ થાય છે. ઇવીની બેટરીના ભાવમાં ઘટાડો આવશે જેનો ફાયદો ગ્રાહકોને મળશે.
મૂલ્યવાન ખનીજની લાલચે લદ્દાખ પર ચીનનો ડોળો
ચીન લદાખ પર ડોળો રાખીને બેઠું છે અને વારંવાર લદાખ સરહદે અશાંતિ સર્જવા મથામણ કરે છે. ચીન વર્ષોથી લદાખ પર દાવો કરે છે અને અને એનો કેટલોક હિસ્સો પોતાનો હોવાનું કહે છે. ચીનનો લદાખ પર ડોળો હોવાનું એક મહત્ત્વનું કારણ મૂલ્યવાન ખનીજોનો ખજાનો પણ છે.
લદાખના પેટાળમાં કિંમતી મિનરલ્સનો જથ્થો છે. લદાખમાં 94 પ્રકારના ખનીજ હોવાની શક્યતા છે, જેમાં લિથિયમ, યુરેનિયમ, કોપર, ઝિંક વગેરેનો સમાવેશ થાય છે. એ વિસ્તારમાં લિથિયમનો મોટો જથ્થો હોવાની પૂરી શક્યતા છે. ઈલેક્ટ્રિક વ્હિકલ અને સ્માર્ટ ગેજેટ્સની ડિમાન્ડ જેમ જેવધતી જાય છે તેમ તેમ લિથિયમની જરૂરિયાત પણ વધતી જાય છે. એ જ રીતે યુરેનિયમનો જથ્થો પરમાણુ બોમ્બ બનાવવા અનિવાર્ય છે. આ બંને ખનીજોનો જથ્થો આંચકી લેવા ચીન બેતાબ થયું છે, તેથી ડ્રેગને લદાખના કેટલાક વિસ્તારો પર એનો ઝેરીલો ડોળો માંડી રાખ્યો છે.