નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાથી હિંસક વિરોધ પ્રદર્શન અને આતંકવાદી હુમલાઓની ઘટનાઓથી અશાંત કાશ્મીર ખીણ પ્રદેશમાં સુરક્ષા દળોએ છેલ્લા ૨૫ વર્ષનું સૌથી મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ-કાશ્મીર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ૩૦ ગામો અને આસપાસના જંગલ વિસ્તારોને ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોએ અલગતાવાદીઓનો ગઢ ગણાતા શોપિયાં અને પુલવામા જિલ્લામાં બુધવારે મધરાતથી જડતીની કાર્યવાહી હાથ ધરી છે. જવાનો ઘરે ઘરે જઇને તપાસ કરી રહ્યા છે.
૧૯૯૦ પછીના આ સૌથી મોટા કોમ્બિંગ ઓપરેશનમાં ૩,૦૦૦ સૈનિકો ઉપરાંત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત ૪,૦૦૦ સુરક્ષાકર્મી સામેલ છે. રેપિડ એક્શન ફોર્સ, હેલિકોપ્ટર્સ તેમજ ડ્રોનનો પણ કોમ્બિંગ ઓપરેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે. શોપિયાંને ત્રાસવાદીઓનો ગઢ માનવામાં આવે છે. દક્ષિણ કાશ્મીરમાં બે દિવસમાં ત્રણ બેન્ક લૂંટાતાં સુરક્ષા દળો સાવધ થઈ ગયા છે.
બેન્ક લૂંટ દરમિયાન ત્રાસવાદીઓ હથિયાર પણ લૂંટી ગયા હતા. અનેક પોલીસમથકને નિશાન બનાવીને ત્રાસવાદીઓ ભૂતકાળમાં પણ હથિયાર લૂંટતા રહ્યાં છે. તે સંજોગોમાં સુરક્ષા દળો હરકતમાં આવી ગયાં છે અને રેપિડ એક્શન ફોર્સ પણ કાર્યવાહીમાં સામેલ થયો છે. અસામાજિક તત્ત્વોને અટકમાં લઈને પૂછપરછ થઈ રહી છે. ક્યાંક ક્યાંક પથ્થરમારો થતાં કોમ્બિંગ ઓપરેશન અવરોધાયું પણ હતું. ત્રાસવાદી કમાન્ડર બુરહાન વાની અથડામણમાં માર્યા ગયા પછી વિરોધ પ્રદર્શન અને પથ્થરબાજીની ઘટનાઓમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. મોડી સાંજે કુલગામમાં સૈન્ય અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.
સૈન્યની બે ટુકડી પર આતંકી હુમલો
શોપિયાં જિલ્લામાં સર્ચ ઓપરેશન કરીને પાછી ફરી રહેલી સૈન્યની બે ટુકડીઓ પર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. ચોથી મેના રોજ સાંજે બાસકુચાયન ગામ નજીક સુરક્ષા જવાનોને નિશાન બનાવીને ત્રાસવાદીઓએ કરેલા ગોળીબારમાં ત્રણ સૈનિકો અને તેમનું વાહન હંકારી રહેલા નાગરિક ડ્રાયવરને ઈજા પહોંચી હતી. ડ્રાઇવરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ઘરે ઘરે જઈને જડતી
૧૯૯૦ના દાયકામાં ઘેર ઘર જઈને જડતી લેવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જોકે આ વખતે સુરક્ષા દળના જવાનોએ ૩૦ જેટલા ગામની નાકાબંધી કરીને ઘર-ઘરની જડતી લેવાની કામગીરી આરંભી હતી. ગામલોકોને એક જગ્યાએ એકત્ર કરીને જવાનોએ દરેક ઘરની તપાસ કરી હતી. અથડામણ ન સર્જાય તેમજ કોઈ નાગરિક ઘવાય નહીં તે હેતુસર ગામલોકોને એક સ્થાને લાવી દઈને પછી તેમના ઘરની જડતી લેવાતી હતી.
ત્રાસવાદી ખુલ્લેઆમ ફરતા હતા
શોપિયાં અને પુલવામા વિસ્તારમાં ૧૬ ત્રાસવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો વીડિયો સામે આવતાં સુરક્ષા દળો ત્રાટક્યાં છે. તેમનાં ધ્યાને આવ્યું હતું કે ગામલોકો પણ ત્રાસવાદીઓને મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત હિંસક વિરોધ પ્રદર્શન અને પથ્થરમારાની ઘટનાઓ પણ આ જ વિસ્તારમાં સૌતી વધુ બને છે. કાયદો અને વ્યવસ્થા યથાવત્ છે તેવો વિશ્વાસ લોકોમાં ટકી રહે અને ત્રાસવાદીઓને ઝડપી શકાય તે હેતુસર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બુધવારે મધરાતથી જ ૩૦ ગામને ઘેરીને આસપાસનાં જંગલ વિસ્તારની નાકાબંધી શરૂ થઈ હતી. દિવસભર આ વિસ્તારમાં જડતી ચાલી હતી.
શસ્ત્ર અને બેન્ક લૂંટનો સિલસિલો
ત્રીજી મેના રોજ મોડી રાતે શંકાસ્પદ ત્રાસવાદીઓએ કોર્ટ સંકુલમાં તૈનાત સુરક્ષાકર્મીઓ હુમલો કરીને પાંચ રાઈફલ આંચકી લીધી હતી. આ ઉપરાંત વિસ્તારમાં એકે-૪૭ અને ચાર ઇન્સાસ રાઇફલ લૂંટાઈ હતી. ત્રાસવાદીઓએ બેન્ક કેશવાનમાંથી રૂ. ૫૦ લાખની લૂંટ ચલાવીને પાંચ પોલીસકર્મી અને બે બેન્ક કર્મચારીઓને પણ મારી નાંખ્યા હતા. તેમાં હુમલાખોરો હથિયાર પણ લૂંટી ગયા હતા. ત્રીજી મેના રોજ પુલવામામાં બે કલાકમાં બે બેન્ક લૂંટાઈ હતી. આ ઘટનાઓ પાછળ લશ્કર-એ-તોઈબાનો હાથ હોવાનું ચર્ચામાં છે.