શ્રીનગરઃ એક તરફ એવી વાતો ચાલે છે કે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતો આર્ટિકલ ૩૫-એ અને આર્ટિકલ ૩૭૦ રદ કરી શકે છે. તો બીજી શક્યતા એવી દર્શાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી જમ્મુને અલગ કરીને તેને સ્વતંત્ર રાજ્ય બનાવાશે અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાશે. ત્રીજો મુદ્દો એવો છે કે આગામી સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે. તો ચોથી શક્યતા એવી દર્શાવાય છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટેનો તખતો તૈયાર થઇ રહ્યો છે.
લોકોમાં અફડાતફડી
કારણ કંઇ પણ હોય, પરંતુ સ્થાનિક પ્રજામાં અફડાતફડીનો માહોલ છે. શ્રીનગરના રસ્તાઓ પર અવ્યવસ્થા ફેલાઈ છે. લોકોએ બેન્કમાંથી કેશ લેવા માટે એટીએમ સામે લાઈનો લગાવી છે. તો પેટ્રોલ પંપ પર પણ વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. આ ઉપરાંત બંધના સંજોગો સર્જાય તો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે દુકાનોમાં લોકો ઉમટી રહ્યા છે.
યાત્રા શ્રાવણી પૂનમે પૂરી થવાની હતી
ખરાબ હવામાનના કારણે ૪ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા અટકાવી દેવાઇ હતી. પહેલી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ૧૫ ઓગસ્ટે શ્રાવણી પૂર્ણિમાના રોજ સમાપ્ત થવાની હતી, પણ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે-તૈયબાએ હુમલાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટના પગલે યાત્રાને ૧૩ દિવસ પહેલાં જ બંધ કરી દેવામાં આવી છે.
પાક. બનાવટની લેન્ડમાઇન મળી
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના ટોચના કમાંડર લેફ્ટનન્ટ જનરલ કે. જે. એસ. ધિલ્લોં અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે આતંકીઓ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા, પણ સેનાએ આ કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે. અમરનાથ યાત્રા પર એક મોટા આતંકી હુમલાનું ષડયંત્ર બીજી ઓગસ્ટ - શુક્રવારે સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું હતું. યાત્રાળુઓ પર અમેરિકી બનાવટની સ્નાઇપર દ્વારા હુમલાનું કાવતરું ઘડાયું હતું પણ સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવ્યું છે. તેઓ અનેક સ્થળે વિસ્ફોટ કરવા માગતા હતા, પણ એ ષડયંત્રને સુરક્ષા દળોએ સફળ થવા દીધું નથી. આ ષડયંત્રમાં પાકિસ્તાની સેના પણ સામેલ છે કેમ કે જપ્ત કરાયેલી સુરંગો પાકિસ્તાનની ઓર્ડીનન્સ ફેક્ટરીમાં બનેલી છે. હાલમાં સ્નાઈપર અને સુરંગને સેનાએ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
૧૦ સ્થળે ધડાકાની કોશિશ
જમ્મુ-કાશ્મીરના આઈજી એ. પી. પાનીએ જણાવ્યું હતું કે પુલવામા અને શોપિયાં જિલ્લામાં ૧૦ સ્થળે આઇઈડી બ્લાસ્ટ દ્વારા બ્લાસ્ટ કરવાની કોશિશને નિષ્ફળ કરાઇ છે. આ મુદ્દે બે આતંકીઓની ધરપકડ થઈ છે. સીઆરપીએફના ઇન્સપેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને કહ્યું હતું કે અમરનાથ યાત્રાને રોકવા અને એમાં ખલેલ પહોંચાડવા ગંભીર કોશિશ કરવામાં આવી છે.
... તો આતંકી બનશે
ડીજીપી દિલબાગ સિંહે કહ્યું હતું કે કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં સક્રિય આંતકીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સેનાએ કાશ્મીરમાં આતંકવાદી જૂથ હિઝબુલ મુઝાહદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે-તૈયબાની કમર તોડી નાખી છે. માતાઓ અને બહેનોને મારી અપીલ છે કે આજે ૫૦૦ રૂપિયા માટે સેનાના જવાનો પર પથ્થર ફેંકનારા યુવાનો આવતીકાલે તેઓ આતંકી બની શકે છે. પરિવારજનો યુવાનોને સાચો રસ્તો ચીંધે.
એરફોર્સ અને આર્મી હાઈ એલર્ટ પર
ભારત સરકારના ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સુરક્ષા દળોની ૧૦૦ કંપનીઓને કાશ્મીર મોકલવા માટે વાયુ સેનાના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનોની મદદ લેવામાં આવી રહી છે. એર ફોર્સ અને આર્મીને હાઈ ઓપરેશન એલર્ટ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આર્મી ચીફ બિપિન રાવત પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે શ્રીનગર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અનેક દરગાહો, મસ્જિદો અને કેટલીક અદાલતોની સુરક્ષા પણ હટાવાઇ છે. આ સ્થળે તહેનાત પોલીસોને જિલ્લા પોલીસ લાઇનમાં રિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે.