શ્રીનગરઃ શ્રીનગરના ડલ સરોવર ગેટથી મુઘલ ગાર્ડન સુધીનો માર્ગ સહેલાણીઓની કારથી હકડેઠઠ ભરાયેલો છે. અહીંનો નજારો ૨૦૧૧ની યાદ અપાવી રહ્યો છે, જ્યારે કાશ્મીરની રેકોર્ડ ૧૩ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. અચાનક પ્લાનિંગ કરીને પરિવાર સાથે દિલ્હીથી શ્રીનગર આવી પહોંચેલા આશુતોષને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેઓ કહે છે કે, ‘અમે ત્રણ દિવસથી શ્રીનગરમાં છીએ. અહીં આવતા પહેલાં અમે હોટેલ બુક નહોતી કરાવી. એટલે પહેલા દિવસે અનેક હોટલમાં ફર્યા પછી એક રાત્રે અમને એક રૂમ મળ્યો કારણ કે, ત્યાં બધા રૂમ બુક હતા.’
40 હજાર રૂમ, 90 ટકા બુક
કાશ્મીર ખીણમાં આશરે ૪૦ હજાર હોટેલ રૂમ છે, જેની ઓક્યુપન્સી 90 ટકાએ પહોંચી છે, જ્યારે ગુલમર્ગ, પહલગામ અને સોનમર્ગમાં તો 100 ટકા બુકિંગ છે. છેલ્લા ત્રણ મહિનામાં અહીં 3.26 લાખ પ્રવાસી આવ્યા છે. માર્ચમાં જ અહીં 1.80 લાખ લોકો ફરવા આવ્યા. ગયા આખા વર્ષે અહીં માંડ 6.6 લાખ પ્રવાસી આવ્યા હતા અને શરૂના ત્રણ મહિનામાં તો આ આંકડો ફક્ત 45 હજાર હતો.
દરરોજની 90 ફ્લાઇટ
શ્રીનગર એરપોર્ટ પર એક દિવસમાં આશરે 90 ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે, જે એક રેકોર્ડ છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના મતે, કલમ ૩૭૦ નાબુદી પછી સર્જાયેલી સ્થિત અને કોરોનાના કારણે પ્રવાસન ક્ષેત્રે 65 હજાર રોજગાર ખતમ થયા હતા, પરંતુ હવે બધી ખોટ ભરપાઈ થઈ જશે. માર્ચ સુધી સહેલાણી ઘાટીમાં ફરી શકે છે. આ ઉપરાંત 73 દિવસના રેકોર્ડ સમયમાં શ્રીનગર-લેહ હાઈવે ખુલી ગયો, જેથી લોકો અહીંથી સીધા લદાખ જઈ રહ્યા છે.
ઋતુના તમામ રંગ
શ્રીનગરના મુઘલ ગાર્ડનમાં ફરવા આવેલા ડો. એડવર્ડ મસીહ કહે છે કે, કાશ્મીરમાં ઋતુના તમામ રંગો દેખાય છે. અહીંની મહેમાનનવાજી પણ શાનદાર છે. કેનેડાના શિક્ષક વંદના કહે છે કે, અહીં પહેલીવાર આવવાનું થયું છે. કેનેડા સરકાર તો ભારત જઈએ ત્યારે કાશ્મીર નહીં જવાની સલાહ આપે છે, પરંતુ અહીં ખતરા જેવું કંઈ નથી. ગુલમર્ગ અને સોનમર્ગમાં એટલી ભીડ છે કે, પગ મૂકવાની જગ્યા નથી.
હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ ચેતનવંતો
પ્રવાસીઓ વધવાથી ઈન્ડસ્ટ્રી પણ સજીવન થઈ ગઈ છે. હસ્તકળા કારીગર ગુલામ મોહિઉદ્દીન કહે છે કે, પ્રવાસન અને વેપાર સાથે જોડાયેલો એક પણ વ્યક્તિ હવે કામ વગર નથી. કાશ્મીરમાં હસ્ત અને મશીન નિર્મિત શિલ્પો મળે છે, જે સસ્તા હોવાથી વેચાણ 100 ટકા છે, જ્યારે હસ્તશિલ્પની માંગ 20 ટકા વધી છે.
45 નવા આકર્ષણ
પર્યટન વિભાગના નિર્દેશક જીએન ઈટુ કહે છે કે અમે પ્રવાસીઓને વધુ આકર્ષણ આપવા કાશ્મીરમાં 45 અને જમ્મુમાં 30 નવા પર્યટન સ્થળ ખોલી રહ્યા છીએ. સ્થિતિ સામાન્ય રહેશે તો પર્યટક એલઓસી નજીક ગુરેજ, ઉરી અને તંગધાર પણ જઈ શકશે. પંપોરમાં વાઈલ્ડ ટ્યૂલિપ ગાર્ડન બની રહ્યો છે, એક લાખથી વધુ ટ્યુલિપ ઉગશે.
વર્ષમાં 5000 રૂમ ઉમેરાશે
ઈન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ (જેએન્ડકે ચેપ્ટર)ના અધ્યક્ષ નાસિર શાહ કહે છે કે અહીં પ્રવાસીઓનો એટલો ધસારો છે કે વધુ 2000 ટેક્સીની જરૂર છે પણ પરમિટ ન મળતા તકલીફ પડી રહી છે. આગામી વર્ષ સુધી ખીણમાં વધુ ૫૦૦૦ રૂમ બની જશે તેવી અમારી ધારણા છે.
હોટેલનો રેટ બમણો થયો
એક ટૂર ઓપરેટરે કહ્યું કે મે મહિના સુધી એડવાન્સ બુકિંગ છે. તેનાથી રેટ વધી ગયો છે. ગુલમર્ગમાં એક રાત માટે સ્યુટ 70 હજાર રૂપિયામાં મળી રહ્યો છે, જે પહેલા 20 હજારમાં મળતો હતો. હોટેલ રૂમના ભાવમાં બમણો વધારો છે, રૂમ એક સમયે રૂ. 2000માં મળતો તે રૂમ 4000માં બુક થાય છે.