શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમય સુધી ધરણાં-દેખાવો બાદ હવે તમામ 4500 કાશ્મીરી પંડિત કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે. આ સાથે જ ખીણમાં જુદી જુદી ઓફિસો પણ સામાન્ય રીતે ફરી ખૂલી જતાં રાહત થઇ છે. શાળાઓ પણ ફરી ખૂલી ચૂકી છે. કામ પર પરત ફરતાંની સાથે જ થોડાક દિવસમાં જ કર્મચારીઓનો રોકી દેવામાં આવેલો છ મહિનાનો પગાર પણ છૂટો કરી દેવાયો છે. હાલમાં શ્રીનગરના જે કર્મચારીઓની પાસે આવાસ નથી તેમને સુરક્ષિત હોટલોમાં રાખવામાં આવ્યા છે. આ રહેણાંક સરકારે ગ્રાન્ટ પર ઉપલબ્ધ કરાવ્યા છે. આ આવાસના ભાડાનો એક હિસ્સો કર્મચારીઓ આપશે.
સહયોગ અને સુરક્ષામાં સુધારો
બારામુલ્લાના રહેવાસી સરકારી કર્મચારી અવતાર કૃષ્ણનું કહેવું છે કે, વહીવટી તંત્ર હવે વધારે સહયોગ સાથે સુરક્ષાની સ્થિતિને સુધારવામાં વ્યસ્ત છે. મોટા ભાગના વિવાદોનો ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. જે વિવાદો હજુ છે એને ઉકેલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંકમાં આ વિવાદોને પણ ઉકેલી લેવાશે.
અવતારે કહ્યું હતું, કેટલીક જગ્યાએ કર્મચારીઓ માટે આવાસ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. બારામુલ્લામાં 180 ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અવતાર એવા લોકો પૈકી એક છે, જેમની પાસે સત્તાવાર આવાસ નથી. અવતાર ભાડા પર રહે છે. તેમનું કહેવું છે કે અહીંની મુસ્લિમ વસતિની સાથે કોઇ પણ પ્રકારની સમસ્યા નથી. તેઓ પોતે એક મુસ્લિમ પરિવારના ઘરમાં ભાડા પર રહે છે.
ટાર્ગેટ કિલિંગને કારણે અહીંની મુસ્લિમ વસતિમાં ભય ફેલાયો હતો. હવે સ્થિતિ સારી છે. જોકે કેટલીક વખત હજુ મુસ્લિમ મકાનમાલિકોને ભય લાગે છે. ગયા વર્ષે મેમાં બડગામમાં તાલુકાની અંદર ઘૂસીને ક્લાર્ક રાહુલની ગોળી મારીને હત્યા કરાઇ હતી. ત્યાર બાદ ટિચર રજની બાલાની પણ હત્યા કરાઇ હતી. આ ઘટનાઓને કારણે ભયમાં મુકાયેલા 4500 કાશ્મીરી પંડિત કર્મચારીએ કાશ્મીરની બહાર બદલી કરવાની માગણી કરીને હડતાળ પર ઊતરી ગયા હતા.
દરેક સરકારી કર્મચારીને મકાન
કાશ્મીરમાં સાત જુદી જુદી જગ્યાએ કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે ફ્લેટ બની રહ્યા છે. સરકારનો દાવો છે કે દરેક કર્મચારીને મકાન અપાશે અને સુરક્ષાની ખાતરી પણ કરાશે. હાલ સરકાર વર્ષના અંત સુધી તમામ કર્મચારીઓ માટે ફ્લેટ નિર્માણનું કામ પૂર્ણ કરવા ઇચ્છે છે. વડા પ્રધાન પેકેજ હેઠળ કુલ 6000 પ્રવાસી કર્મચારીઓની પસંદગી કરાઇ છે, જે પૈકી 4500 કાશ્મીરી પંડિત છે, જેમાં શીખ, મુસ્લિમ પણ છે, તેમની સંખ્યા 1500 સુધીની છે. આ એ પ્રવાસી છે, જે 90ના દાયકામાં હિંસા બાદ કાશ્મીર છોડીને જતા રહ્યા હતા.