નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી વિવાદાસ્પદ કલમ 370 રદ કરતા ઐતિહાસિક નિર્ણય બાદ રાજ્યનો માહોલ બદલાઇ રહ્યો છે. આતંકવાદના કારણે દસકાઓ પૂર્વે સ્થળાંતર કરી ગયેલા કાશ્મીરી પંડિતો હવે વતનમાં પરત ફરવા તત્પર છે. કેન્દ્ર સરકારના સહયોગ સાથે પુનર્વસનની આશા રાખતા કાશ્મીરી પંડિતો આ વખતે જાતે આગળ આવ્યા છે. તેમણે ખીણમાં સમુદાયના લોકોને કાયમી ધોરણે વસાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે પહેલીવાર કાશ્મીરી પંડિતો માટે હાઉસિંગ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. આ નોંધણી થયાના માત્ર ચાર જ દિવસમાં દેશભરમાં જઇ વસેલાં 500 પંડિત પરિવારે ખીણમાં ફરી સ્થાયી થવા માટે સમાજનો સંપર્ક કર્યો છે. તેઓ કાશ્મીર પરત ફરીને નવેસરથી જીવન શરૂ કરવા માગે છે. સોસાયટીનું કહેવું છે કે જે પરિવારો જોડાશે તેમને જમીન અને વાજબી દરે લોન મેળવવામાં મદદ કરવામાં આવશે.
સોસાયટીમાં નવ વિદેશી કાશ્મીરી પંડિત, બે બિનનિવાસી પંડિત અને એક શીખ સભ્ય છે. આમાંથી ત્રણ સભ્યો તાજેતરમાં નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયને મળ્યા હતા અને તેમને હાઉસિંગ સોસાયટી બનાવવા વિશે જાણ કરી હતી. સાથે સાથે જ પંડિત પરિવારોને સ્થાયી કરવા માટે સબસિડીવાળા દરે જમીન માગી હતી. સોસાયટીના સેક્રેટરી સતીશ મહાલદારે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સોસાયટીની ‘ડિસ્પ્લેસ્ડ કાશ્મીરી પંડિત હાઉસિંગ કો-ઓપરેટિવ’ નામે નોંધણી કરાવવામાં આવી છે.
5700 પ્રવાસી પંડિતોનો ટ્રાન્ઝિટ કોલોનીમાં વસવાટ...
ઓમપોરામાં કાશ્મીરી પંડિતોની ટ્રાન્ઝિટ કોલોની છે. કેન્દ્ર સરકારે 2008 અને 2015માં પંડિતો માટે પેકેજની જાહેરાત કરી હતી. તેમાં 6000 નોકરીઓ અને નાના મકાનો આપવામાં આવ્યા હતા. આમાંથી 5700 પ્રવાસી પંડિતોને નોકરી મળી છે, અને તેઓ આ ટ્રાન્ઝિટ આવાસમાં રહે છે. આ કાયમી રહેઠાણ નથી. મતલબ કે પ્રોજેક્ટ પૂરો થશે અથવા તો તેઓ નિવૃત્ત થશે ત્યારે તેમણે આ મકાન ખાલી કરવું પડશે.
પ્રથમ ચરણમાં શ્રીનગરમાં વસવાની મહેચ્છા...
મહાલદારના જણાવ્યા અનુસાર, પુનર્વસનના પ્રથમ તબક્કામાં સરકાર પાસેથી શ્રીનગરમાં જમીન માંગવામાં આવી છે. 35 વર્ષ પહેલા જ્યારે અમને શ્રીનગરમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા ત્યારે અમે બધું છોડી દીધું હતું. અમારાં તૂટેલાં મકાનો હજુ પણ છે એટલે અમે પહેલાં અહીં સેટલ થવા માગીએ છીએ. પીએમ પેકેજ હેઠળ કાશ્મીરમાં કામ કરતા પંડિત દંપતી કાયમ માટે ટ્રાન્ઝિટ હાઉસમાં રહી શકતા નથી. હવે આવા પરિવારો અમારી સાથે જોડાઈ રહ્યા છે.
સરકાર પાસે પુનર્વસન નીતિ નથી
સોસાયટીના સભ્ય સંજય ટીકુ કહે છે કે કે રાજકીય પક્ષો 35 વર્ષથી તેમનાં સૂત્રો અને ચૂંટણી ઢંઢેરામાં અમને સ્થાન તો આપે છે, પણ તેમની પાસે અમને કાયમી ધોરણે આ પ્રદેશમાં વસાવવાની કોઈ નીતિ નથી. અમે કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદને મળીને પુનર્વસન નીતિ વિશે જાણવા માગ્યું તો તેમણે કહ્યું કે અમારી પાસે આવી કોઈ નીતિ નથી. આ સાંભળીને અમને બહુ જ નવાઈ લાગી હતી એટલે હવે અમે જાતે જ કાશ્મીરી પંડિતોને વસાવવા માટે આગળ આવ્યા છીએ. સમાજ ટૂંક સમયમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળશે. અમારા પંડિત પરિવારોના વસવાટ માટે નક્કર પગલાં લેવા અનુરોધ કરશે.
1990માં 65 હજાર પંડિત પરિવારે ખીણ છોડી હતી, હવે 775 રહ્યા :
ગૃહ મંત્રાલયના આંકડા પ્રમાણે કાશ્મીરમાં આજે માત્ર 775 કાશ્મીરી પંડિત પરિવાર વસે છે. 1990માં 64,827 પરિવારોએ ખીણ પ્રદેશ છોડ્યો હતો, જેમાંથી 43,618 પંડિત પરિવારો જમ્મુમાં જ્યારે 19,338 પરિવારો નવી દિલ્હી-એનસીઆરમાં જઇ વસ્યા હતા. બાકીના પંડિત પરિવારો દેશના અન્ય રાજ્યોમાં રહે છે.