નવી દિલ્હીઃ રાજધાનીમાં એક તરફ દેશની આન-બાન-શાનની ઝલક દર્શાવતી રિપબ્લિક ડે પરેડ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ આંદોલનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં જોડાયેલા કેટલાક તત્વોએ અરાજક્તાનો માહોલ સર્જતા રંગમાં ભંગ પડ્યો હતો. અલબત્ત, બન્ને વિસ્તારો અલગ હતા, પરંતુ અશાંતિ - અફડાતફડીના કારણે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો માહોલ અવશ્ય ખરડાયો હતો.
આંદોલનકારી ખેડૂતોના સંગઠનોએ પાટનગરના આઉટર રિંગ રોડ સાથે જોડાયેલા ત્રણ રૂટ પર ટ્રેક્ટર રેલી યોજવાની દિલ્હી પોલીસ તંત્ર પાસેથી મંજૂરી મેળવી હતી. જોકે ટ્રેક્ટર, ક્રેન અને ઘોડા પર સવાર આંદોલનકારી ખેડૂતો ઠેર ઠેર પોલીસ બેરિકેડ તોડીને શહેરમાં ઘૂસી ગયા હતા અને ઐતિહાસિક લાલ કિલ્લા પર કબ્જો જમાવીને ભારે અરાજક્તા સર્જી હતી. તોફાની તત્વોને નાથવા માટે પોલીસ તંત્રને ઠેર ઠેર લાઠીચાર્જ કરવાની તેમજ ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. જોકે તોફાનીઓ અંકુશમાં આવ્યા નહોતા. આખરે મોડી સાંજે મામલો થાળે પડ્યો હતો અને પોલીસે લાલ કિલ્લા પરિસરમાંથી તોફાનીઓને બહાર ખદેડ્યા હતા. જોકે શહેરના વાતાવરણમાં હજુ તણાવ વર્તાય છે.
કિસાન સંગઠનના નેતાઓએ ટ્રેક્ટર રેલી દરમિયાન યોજાયેલી અશાંતિ માટે અસામાજિક તત્વો પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું હતું કે રેલીમાં ઘૂસી ગયેલા કેટલાક તોફાની તત્વોએ રેલીમાં જોડાયેલા લોકોને ઉશ્કેર્યા હતા.
વિવાદિત કૃષિ કાયદાઓ અંગે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે મંગળવારે ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું. ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો સાથે દિલ્હીની વિવિધ સરહદો પરથી પાટનગરમાં પ્રવેશ કર્યો હતો. વહેલી સવારે દિલ્હીની કેટલીક સરહદો પર પોલીસનું બેરિકેડિંગ તોડીને આંદોલનકારી ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે સમયાંતરે દિલ્હીના વિવિધ વિસ્તારો સુધી પહોંચ્યા હતા. ઘણી જગ્યાઓએ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેને પગલે પ્રદર્શનકારીઓ પર અમુક સ્થળે લાઠીચાર્જ કરવામાં આવ્યો તો અમુક સ્થળે ટિયરગેસ શેલ છોડવામાં આવ્યા હતા.
૮૩ પોલીસને ઇજા, ૧ ખેડૂતનું મૃત્યુ
મંગળવારે બપોરે આંદોલનકારીઓ પૈકી એક મોટું જૂથ લાલા કિલ્લા સુધી પહોંચી ગયું હતું. જ્યાં તેમણે કેસરિયો અને ખેડૂત આંદોલનનો ધ્વજ પણ ફરકાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક ખેડૂતોનો ઈજા થઈ હતી.
પોલીસના કહેવા મુજબ આજના દિવસમાં ૮૩ પોલીસકર્મીઓને ઈજા થઈ છે અને ઘર્ષણમાં એક ખેડૂતનું દુ:ખદ મૃત્યુ નીપજ્યું છે.
ખેડૂત આગેવાનોએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને કેટલાંક અસામાજિક તત્ત્વોની કરતૂત ગણાવી આંદોલન સાથે તેમનો કોઈ પણ સંબંધ ન હોવાની વાત કરી હતી. જ્યારે પોલીસ પ્રશાસને એવો દાવો કર્યો હતો કે ખેડૂતો દ્વારા નક્કી કર્યા પ્રમાણેના રૂટ પર રેલી ન આયોજિત કરાતાં ઘર્ષણ થયું હતું.
રેલી સમાપનની જાહેરાત
દિવસભર ધાંધલધમાલ બાદ મંગળવારે મોડી સાંજે સંયુક્ત કિસાન મોરચા દ્વારા પરેડ સમાપનનું એલાન કરાયું હતું. સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક નિવેદન જારી કરીને ગણતંત્ર દિવસના અવસરે આયોજિત પરેડને તાત્કાલિક પ્રભાવથી ખતમ કરવાનું એલાન કર્યું હતું. મોરચાએ પરેડમાં સામેલ થનારા તમામ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ બધા પરત ફરે. સંયુક્ત મોરચાએ એ પણ જણાવ્યું કે આંદોલન જારી રહેશે.
બીજી તરફ દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર આલોક કુમારે ખેડૂતોની રેલી દરમિયાન પોલીસકર્મી સાથે હિંસા આચરનાર લોકો પર કડકર કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દિલ્હીના પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવે પણ રેલી દરમિયાન થયેલી હિંસા માટે ખેડૂતોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ તેમણે માહિતી આપી હતી કે આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
સંયુક્ત કિસાન મોરચાનો બચાવ
ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં અનેક સ્થળે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસાની ઘટનાની નિંદા કરી છે. મોરચાએ કહ્યું કે, ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારી તમામ કોશિશો છતાં અમુક સંગઠનો અને અસામાજિક તત્ત્વોએ અમારા અત્યાર સુધી શાંતિપૂર્વક ચાલેલા આંદોલનમાં દખલગીરી કરી, તેમણે રૂટ અને અનુશાસનનું ઉલ્લંઘન કરીને નિંદનીય કાર્ય કર્યું છે. અમારું હંમેશાંથી એવું માનવું રહ્યું છે કે શાંતિ અમારી સૌથી મોટી શક્તિ છે. આવી પ્રવૃત્તિઓથી આંદોલનને નુકસાન પહોંચે છે.’
સંયુક્ત કિસાન મોરચાએ મંગળવારના સમગ્ર ઘટનાક્રમ પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકોએ નક્કી કરેલા રસ્તાથી બહાર જવાનું કામ કર્યું છે તેમનાથી સંયુક્ત કિસાન મોરચો પોતાની જાતને અલગ કરે છે.
છબિ ખરાબ કરવાની કોશિશ: ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન થયેલી હિંસાને ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાનો પ્રયત્નો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘અમે એ લોકોને ઓળખીએ છીએ જેઓ મુશ્કેલી ખડી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની ઓળખ થઈ ચૂકી છે. આ લોકો રાજકીય પક્ષોના લોકો છે, જેઓ ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવા માંગે છે.’
ઇન્ટરનેટ સેવા બંધ
દિલ્હીના અમુક વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિને જોતાં સરકારે અસ્થાયી સ્વરૂપે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી. ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને સિંધુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક, નાંગલોઈ અને તેની આસપાસના વિસ્તારોની ઇન્ટરનેટ સેવા અસ્થાયી સ્વરૂપે બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે આ આદેશના અમુક કલાકો પહેલાં જ ખેડૂતોની ટ્રેક્ટર રેલી અહીંથી પસાર થઈ હતી. જેને પગલે ઘણાં સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. દિલ્હી પોલીસનાં જોઇન્ટ પોલીસ કમિશનર શાલિની સિંહે ખેડૂતોને નક્કી કરેલા રૂટ પરથી જ રેલી કાઢવાની અપીલ કરી હતી.
સાથે જ તેમણે પોલીસ સાથે થયેલા વ્યવહારની માહિતી આપતાં કહ્યું હતું કે, ‘અમે સવારથી લોકોને અપીલ કરી રહ્યા હતા કે જે રસ્તા પર રેલી કાઢવાની પરવાનગી આપવામાં આવી છે એ જ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે. ઘણા લોકો એ રસ્તા પર જતા રહ્યા પરંતુ ઘણા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, ટ્રૅક્ટર ચઢાવવાની કોશિશ કરી, બૅરિકેડ તોડી નાખ્યા. અમારા અમુક લોક ઘાયલ આ ઘટનાક્રમમાં ઘાયલ થયા છે.’
ખેડૂતો પહોંચ્યા લાલ કિલ્લા સુધી
આંદોલનકારી ખેડૂતો બપોરના ૧.૩૦ વાગ્યાની આસપાસ લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. આઇટીઓ વિસ્તાર પર ખેડૂતોએ કબજો કરી લીધેલો જોવા મળ્યું હતું. અહીં પોલીસ ખેડૂતો સામે બેકફૂટ પર જોવા મળી રહી હતી. ખેડૂતોના પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા સતત ટિયરગેસ શેલ છોડવામાં આવી રહ્યા હતા. દરમિયાન લાલ કિલ્લા સુધી પહોંચેલા ખેડૂતોએ લાલ કિલ્લા પર ધ્વજ દંડ પર પીળા રંગનો ધ્વજ ફરકાવ્યો હતો.
આમ, ખેડૂતોની શરૂઆતમાં શાંતિપૂર્ણ જણાતી ટ્રેક્ટર રેલીએ ઘણાં સ્થળોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જે કારણે પોલીસ અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
આઇટીઓમાં હિંસા
દિલ્હીની વિવિધ બોર્ડરો પરથી ટ્રેક્ટરો સાથે ઘણા પ્રદર્શનકારીઓ દિલ્હીના આઇટીઓ વિસ્તારમાં પહોંચી ગયા હતા. જ્યાં સિટી બસોની તોડફોડ કરાઈ હતી. આ ઉપરાંત પ્રદર્શનકારીઓ પોલીસનાં વાહનો પર ચઢી ગયા હતા. જેને પગલે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, આ દરમિયાન કેટલાક વડીલ ખેડૂતો સ્થિતિને કાબૂમાં લેવા માટે અને પ્રદર્શનકારીઓને શાંત પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
રાજકીય પ્રતિક્રિયા
૨૬ જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાઓ અંગે રાજકીય પ્રતિક્રિયાઓ આવવાનું પણ શરૂ થઈ ગયું હતું. દિલ્હી સરકારમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટીએ પણ રેલી દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી હતી. પાર્ટીએ સ્થિતિ આટલી હદ સુધી વણસવા દેવા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. સાથે જ પાર્ટીએ હિંસામાં સામેલ લોકોનો આંદોલન સાથે કોઈ સંબંધ ન હોવાની વાત પણ કરી હતી. બીજી તરફ, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પણ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની નિંદા કરી હતી.
માનેસર સુધી શાંતિપૂર્ણ પરેડ
બીજી તરફ તમામ સ્થળો ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં હિંસાનાં દૃશ્યો જ નહોતાં જોવા મળ્યાં. રાજસ્થાન-હરિયાણા સીમાના શાહજહાંપુર પર કૃષિ કાયદાઓના વિરોધમાં ટ્રેક્ટરો સહિત ખાનગી ગાડીઓ સાથે ૪૭ કિલોમીટરના નક્કી કરેલા રૂટ પર માનેસર માટે ખેડૂતો રવાના થયા હતા. દિલ્હીમાં અનેક સ્થળે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા હતા. જ્યારે દિલ્હી-જયપુર હાઇવે પર ટ્રેક્ટર પરેડ શાંતિપૂર્ણ રીતે જારી હતી.