કુંતલે સુનાવણી દરમિયાન કબૂલાત કરી હતી કે માતાની હત્યા કરવાનો વિચાર તેને આવ્યો હતો, પરંતુ તેનો આવો કોઈ ઈરાદો ન હતો. ખરેખર તો તે આત્મહત્યા કરવા ઈચ્છતી હતી. ત્રણ કલાકની ચર્ચાવિચારણા પછી સધર્ક ક્રાઉન કોર્ટની જ્યુરિએ હત્યાના પ્રયાસના અપરાધમાંથી કુંતલને મુક્ત કરી હતી. જોકે, જીવલેણ ઝેર મેળવવાના આરોપમાં તેને દોષી ઠરાવી હતી. હાલ કસ્ટડીમાં જ રહેલી કુંતલને સાત નવેમ્બરે સજા ફરમાવાશે.
પ્રોસિક્યુશને રજૂઆત કરી હતી કે માતા મીના પટેલ કાવાદાવા કરતી હતી, સ્વાર્થી અને કડક અંકુશ રાખનારી હોવાં છતાં તેની હત્યાનો પ્રયાસ યોગ્ય નહોતો. મીના પટેલ ઈસ્ટ લંડનની થેમ્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ન્યૂહામ કાઉન્સિલ ફોર રેસિયલ ઈક્વાલિટી બેન્ચ પર કોમ્યુનિટી રિલેશન્સ ઓફિસર તરીકે કાર્યરત છે. તેણે ધમકી આપી હતી કે જો કુંતલ તેનાં પ્રેમી નિરજ સાથે લગ્ન કરવા યુએસ જશે તો પોતે આપઘાત કરશે. યુકેમાં જન્મેલા અને યુએસસ્થિત આઈટી વર્કર નિરજ સાથે કુંતલની મુલાકાત ઓનલાઈન મેરેજ વેબસાઈટના માધ્યમથી થઈ હતી અને કુંતલ તેને મળવા બે વખત યુએસ પણ ગઈ હતી. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે માતાના ડાયેટ કોકમાં એબ્રિન ઝેર ભેળવાયું હતું, પરંતુ સોફ્ટ ડ્રિન્કના કારણે તેની અસર મંદ પડી ગઈ હતી. કુંતલ પટેલે ટોક્સિન ખરીદવા અમેરિકન પોઈઝન ડીલરનો સંપર્ક વેબસાઈટ મારફત કર્યાનું સ્વીકાર્યું હતું.
યુએસથી ટોક્સિન ખરીદયું
કુંતલ પટેલને જીવલેણ એબ્રિન ઝેર પૂરું પાડનાર ટીનેજર જેસી કોર્ફ એફબીઆઈના સ્ટિંગ ઓપરેશનમાં ૧૮ જાન્યુઆરીએ ઝડપાઈ ગયો હતો. પહેલી વખત અપાયેલાં ઝેરની અસર ન થતાં બીજો ડોઝ કુંતલને મોકલાય તે પહેલા જ તેને ઝડપી લેવાયો હતો. કોર્ફે કામના સ્થળેથી ચોરી કરેલા સાધનોનો ઉપયોગ કરીને તેના ફ્લોરિડાસ્થિત ઘરની લેબોરેટરીમાં જ આ રસાયણ બનાવતો હતો. તેણે કુંતલ સાથેની વાતચીતમાં એવી બડાશ પણ મારી હતી કે અન્ય લોકોને મોકલેલાં એબ્રિનની યોગ્ય અસર થઈ હતી. કોર્ફ ડાર્ક વેબસાઈટ પર સ્નોમેન 840ના બનાવટી નામથી ઓપરેટ કરતો હતો. તે ઝેરી પદાર્થને મીણબત્તીઓમાં છુપાવીને ફાસ્ટ ફૂડ બેગ્સમાં રાખતો હતો. એફબીઆઈના અન્ડરકવર એજન્ટ્સ ગયા વર્ષના એપ્રિલથી તેની ગતિવિધિ પર નજર રાખતા હતા.
અને જેમ્સ નવાણિયો કૂટાયો
કુંતલ પટેલ પોઈઝન કેસના પરિણામે મોટું ત્રાસવાદવિરોધી ઓપરેશન હાથ ધરાયું હતુ, જેમાં બ્રિટિશ રાજદ્વારીનો ૧૯ વર્ષનો પુત્ર જેમ્સ સટક્લિફ વિના કારણ ફસાઈ ગયો હતો. તેનો દોષ એટલો જ હતો કે તેણે પડોશી માટે આવેલું પેકેટ સહી કરીને સ્વીકાર્યું હતું. આ પેકેટમાં કુંતલે ખરીદેલું જીવલેણ એબ્રિન ટોક્સિન હતું. કુંતલે તેની મિત્ર જૂલી વોન્ગને આ પેકેટ મળે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. જોકે પેકેટમાં શું હતું તેની જાણ જૂલી વોન્ગને પણ નહોતી. યુએસમાં કોર્ફની ધરપકડ પછી એફબીઆઈએ મેટ્રોપોલિટન પોલીસને આ વિશે માહિતી આપી હતી. કોર્ફની ધરપકડ જાન્યુઆરીમાં થઈ હતી, પરંતુ પેકેટ ડિસેમ્બરમાં રવાના કરી દેવાયું હતું.