મુંબઇઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકાનો ભવ્ય લગ્નપ્રસંગ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા, ભારતીય લોકકળા, શિલ્પ કૌશલ્ય, સંગીત, વ્યંજનની વિવિધતાના સમન્વય સમાન છે. ગુજરાતી પરંપરા મુજબ અનંતનાં માતા નીતા અંબાણી રામણદીવા સાથે જોવા મળ્યાં. દેશ-વિદેશના મહેમાનોને દેશના રંગ દર્શાવવા માટે સમગ્ર સમારોહ સ્થળને ભારતીયતાના રંગે સજાવવામાં આવ્યું છે. મહેમાનોનો ડ્રેસકોડ હોય, ડેકોરેશન માટે વાપરવામાં આવેલાં ફૂલો હોય, સંગીત હોય કે પછી વિવિધ પકવાન, બધું ભારતીય રાખવામાં આવ્યું. વિવાહ સમારોહ સ્થળ પર બનારસની થીમ પર ખાસ કાશીના ઘાટોને હુબહુ તૈયાર કરાયા હતા. મહેમાનોએ આ ઘાટો પર શહેરની ચાટ, કચોરી, અને પાનની મજા માણી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો સમારંભ મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયો હતો. જિયો વર્લ્ડ સેન્ટર ખાતે અનંતની જાનનું આગમન થયું ત્યારે બોલિવૂડ સેલિબ્રિટીઝે લોકપ્રિય ગીતો પર રંગ જમાવ્યો હતો. મુકેશભાઈ અને નીતાબેન અનંતની જાન લઈને આગળ વધી રહ્યા હતા ત્યારે રાધિકા અને મર્ચન્ટ પરિવાર જાનૈયાઓને આવકારવા થનગની રહ્યા હતા. શુક્રવારે મોડી રાત્રે લગ્નની વિધિ સંપન્ન થઈ હતી, જેમાં ઉદ્યોગ, ફિલ્મ અને રાજકીય ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ અંબાણી પરિવારના હરખમાં હોંશભેર જોડાયા હતા. શુભ વિવાહ સંપન્ન થયાં બાદ હવે મંગલ આશીર્વાદ સહિતના પ્રસંગોમાં પણ અંબાણી પરિવારે મોંઘેરા મહેમાનોને તેડાવ્યાં હતા.
શુભ આશીર્વાદ સમારોહમાં દેશ-વિદેશથી સેલિબ્રિટીસ સહિત સાધુ-સંતો, બિઝનેસમેન અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. જેમાં જગદગુરુ રામભદ્રાચાર્ય, ધીરેન્દ્ર શાસ્ત્રી, બાબા રામદેવ તેમજ રેસલર ધ ગ્રેટ ખલી, ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, મહિલા મુક્કેબાજ મેરી કોમ, ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની અંજલી ઉપરાંત શાહરુખ ખાન દંપતી, રણવીર-દીપિકા, રણબીર-આલિયા સહિત બોલિવૂડ હસ્તીઓએ હાજર રહી નવયુગલને આશિષ આપ્યા હતાં.