કુવૈતના કેન્વાસ પર છવાયો છે ભારતીયતાનો રંગ: વડાપ્રધાન મોદી

Thursday 02nd January 2025 01:50 EST
 
 

કુવૈત સિટીઃ ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના ભવિષ્યમાં દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે અને તેમાં દુનિયાનું સ્કીલ કેપિટલ બનવાની ક્ષમતા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કુવૈત સિટીમાં ભારતીય પ્રવાસીઓને સંબોધતા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમે કુવૈતના કેન્વાસ પર ભારતીયતાનો રંગ ભર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કુવૈતના અમીર શેખ મેશલ અલ-અહમદ અલ-જબર અલ-સબાહના આમંત્રણ પર બે દિવસના પ્રવાસે કુવૈત પહોંચ્યા હતા. છેલ્લા 43 વર્ષમાં કુવૈતનો પ્રવાસ કરનારા પીએમ નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે. કુવૈતમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ભારતીય સ્ટાર્ટઅપ કુવૈતની જરૂરત સંતોષવા સક્ષમ
તેમણે ઉમેર્યું કે, ફિનટેકથી લઈને હેલ્થકેર સુધી, સમાર્ટ સિટીથી ગ્રીન ટેક્નોલોજી સુધી ભારતના સ્ટાર્ટઅપ કુવૈતની દરેક જરૂરિયાત પૂરી કરી શકે તેમ છે. ભારતના સ્કીલ્ડ યુથ કુવૈતના ભાવિ પ્રવાસને નવી તાકાત આપી શકે તેમ છે. ભારત આજે દુનિયાનું સ્કિલ કેપિટલ બનવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી ભારત દુનિયાની સ્કિલ ડીમાન્ડ પૂરું કરવા પણ સમર્થ છે. પ્રવાસી ભારતીયોને સંબોધતા કહ્યું હતું કે તમને જોઈને એવું લાગે છે, જાણે મારી સામે મિની હિંદુસ્તાન ઊમટી આવ્યું છે. દરેક ક્ષેત્રના લોકો મારી સામે છે, પરંતુ બધાંનાં દિલમાં ગુંજ એક જ છે - ભારત માતાની જય....
4 કલાકનું અંતર કાપતાં 43 વર્ષ લાગ્યાં
વડાપ્રધાને કહ્યું કે આજની આ પળ વ્યક્તિગત રીતે મારા માટે ખાસ છે, કેમ કે 43 વર્ષ પછી એટલે કે ચાર દાયકા કરતાં વધારે સમય પછી ભારતના કોઈ વડાપ્રધાન કુવૈત આવ્યા છે. તમારે ભારતથી અહીં આવવું હોય તો માત્ર ચાર કલાક થાય છે, પરંતુ કોઈ પીએમને અહીં આવવામાં ચાર દાયકા થઈ ગયા. મોદીએ કહ્યું કે તમારામાંથી કેટલાય લોકો પેઢીઓથી કુવૈતમાં રહે છે, કેટલાકનો તો જન્મ પણ અહીં થયો છે. તમે કુવૈતના સમાજમાં ભારતીયતાનો ‘તડકો’ લગાવ્યો છે. તમે કુવૈતના કેન્વાસ પર ભારતીયતાનો રંગ ભર્યો છે. વડાપ્રધાને કહ્યું, તમારામાંથી જે ટીચર્સ છે. તેઓ કુવૈતની આગામી પેઢીને મજબૂત કરે છે, જે આર્કિટેક્ટ છે તેઓ કુવૈતના ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરે છે. જ્યારે પણ હું કુવૈતની લીડરશિપ સાથે વાત કરું છું ત્યારે તેઓ તમારાં ખૂબ વખાણ કરે છે.
ભારત-કુવૈતનો સંબંધ સભ્યતા-સાગર-કારોબારનો
કુવૈત સિટીમાં શેખ સાદ અલ-અબ્દુલ્લાહ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય કોમ્યુનિટીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત દુનિયાના એ પહેલા દેશોમાંથી એક છે, જેમણે કુવૈતની સ્વતંત્રતા બાદ તેને માન્યતા આપી હતી. હું કુવૈતના લોકો અને અહીંની સરકારનો ખૂબ જ આભારી છું. ભારત અને કુવૈતનો સંબંધ સભ્યતાઓ, સાગર અને વેપાર-કારોબારનો છે. ભારત અને કુવૈત અરબ સાગરના બે કિનારા પર વસેલા છે. તેમણે ઉમેર્યું કે, ભારતને સૌથી વધુ જરૂર પડી ત્યારે કુવૈતે હિન્દુસ્તાનને લિક્વિડ ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડયો. હિઝ હાઈનેસ ધ ક્રાઉન પ્રિન્સે પોતે આગળ આવીને બધાને ઝડપથી કામ કરવા પ્રેરિત કર્યા. મને સંતોષ છે કે ભારતે પણ કુવૈતને રસી અને મેડિકલ ટીમ મોકલી આ સમસ્યા સામે લડવામાં મદદ કરી હતી.
ગુજરાત સાથે કુવૈતના વેપારીઓના સંબંધ
પીએમ મોદીએ કહ્યું કે, મુંબઈના બજારોમાં કુવૈતની આગવી ઓળખ છે. ગુજરાત સાથે કુવૈતના વેપારીઓના સંબંધ છે. પહેલાં ભારતીય કરન્સી કુવૈતમાં ચાલતી હતી. ભારત અને કુવૈતના નાગરિકોએ સંકટસમયે એકબીજાની હંમેશા મદદ કરી છે. કોરોના દરમિયાન બંને દેશોએ દરેક સ્તરે એકબીજાની મદદ કરી છે.
ભારત બની રહ્યું છે ડિજિટલી સ્માર્ટ
વડાપ્રધાને કહ્યું, આજે નાનાં નાનાં ગામોમાં પણ ડિજિટલના પ્રયોગ થઈ રહ્યો છે. આજે ડિજિટલ લક્ઝરી નથી. જીવનમાં સામેલ થઈ ગયું છે. ડોક્યુમેન્ટ્સ રાખવા માટે ડિજિલોકર છે. ટોલ પર સમય બચાવવા માટે ફાસ્ટેગ છે. ભારત ડિજિટલી સ્માર્ટ બની રહ્યું છે. અને હજુ તો આ શરૂઆત છે. ભવિષ્યનું ભારત દુનિયાને દિશા આપશે, દુનિયાના વિકાસનું હબ, દુનિયાનું ગ્રોથ એન્જિન હશે.
ગલ્ફ સ્પાઈક લેબર કેમ્પની મુલાકાત લીધી
કુવૈત પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગલ્ફ સ્પાઇક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી. આ કેમ્પમાં 90 ટકાથી વધારે ભારતીય સમુદાયના લોકો છે. વડાપ્રધાને અહીં ભારતીયો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાન મોદી આ પહેલા પણ ખાડી દેશોના પ્રવાસ દરમિયાન વિવિધ દેશોમાં આવેલા લેબર કેમ્પની મુલાકાત લઇને અહીં કામ કરતા ભારતીય લોકો સાથે સંવાદ કરતા રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter