નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બિલ સામેનો વિરોધ દિન-પ્રતિદિન તીવ્ર બની રહ્યો છે. કેન્દ્ર સરકાર ભલે આ ખરડાને કિસાન વર્ગના હિતમાં ગણાવતી હોય, પરંતુ વિરોધીઓએ આ ખરડાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. એક તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ખરડા પર મંજૂરીની મહોર મારી દીધી છે તો બીજી તરફ, દેશભરમાં તેની સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો યથાવત્ છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (એસએડી), તૃણમૂલ કોંગ્રેસ સહિતનો વિપક્ષ તેમજ ખેડૂત સંગઠનો દ્વારા કર્ણાટક, તામિલનાડુ, દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઠેર ઠેર બિલના વિરોધમાં દેખાવો યોજાઇ રહ્યા છે.
કેરળના કોંગ્રેસ સાંસદ ટી. એન. પ્રથપન દ્વારા ત્રણ પૈકી બે કૃષિબિલને સૌ પહેલાં સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ તેમજ ફાર્મ સર્વિસિસ એક્ટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરાઈ છે. કાયદાનું સ્વરૂપ લઇ ચૂકેલા આ બિલ ગેરબંધારણીય અને ગેરકાનૂની હોવાની દલીલ કરીને તેને રદ કરવા માગણી કરાઈ છે.
સાથોસાથ ઔદ્યોગિક કામદારોની જેમ ખેડૂતો માટે પણ અલગ ટ્રિબ્યૂનલ રચવા માગણી કરાઈ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ સોમવારે ઇંડિયા ગેટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ટ્રેક્ટર સળગાવીને તેમના આક્રોશને વાચા આપતા સુરક્ષા દળો દોડતા થઇ ગયા હતા.
એનડીએ સાથે છેડો ફાડતું અકાલી દળ
એનડીએના વધુ એક સાથી પક્ષે છેડો ફાડયો છે. અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના અલગ થઇ હતી. હવે છેલ્લા ૨૨ વર્ષથી એનડીએના સાથી રહેલા શિરોમણી અકાલી દળે (એસએડી)એ કૃષિ બિલ મુદ્દે છેડો ફાડ્યો છે. નવ દિવસ અગાઉ હરસિમરત કૌરે મોદી સરકારમાંથી પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. અકાલી દળે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકનો વિરોધ કર્યો હતો. ભાજપ તથા અકાલી દળ છેલ્લા ૨૨ વર્ષથી સાથી હતા. પંજાબના કૃષિપ્રધાન ક્ષેત્ર માળવામાં અકાલી દળે ૨૦૨૨માં યોજનાર વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખી છે. આ સંજોગોમાં રાજીનામું આપવું તે મજબૂરી બની ગઇ હતી કારણ કે ચૂંટણીને આડે હવે માંડે દોઢ વર્ષનો સમય બાકી છે. આ સંજોગોની અકાલી દળ ખેડૂતોનો એક મોટો વર્ગ તેની વિરુદ્વ જાય તેવું ઇચ્છતો નથી.
કૃષિ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
પંજાબ અને હરિયાણા સહિત દેશમાં અનેક ઠેકાણે ખેડૂતોના દેખાવો રવિવારે પણ ચાલુ રહ્યા હતા. દરમિયાન નવા કૃષિ વિધેયકને કાયદામાં બદલવાની આખરી અડચણ પણ પાર થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ કોવિંદે સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ વિધેયકને મંજૂરી આપી દીધી છે. સંસદે રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે ૨૦ સપ્ટેમ્બરે આ વિધેયક પસાર કર્યા હતા. લોકસભા અગાઉ જ આ વિધેયક પસાર કરી ચૂકી છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ રવિવારે પણ દેખાવો ચાલુ રાખ્યા હતા. કિશાન મજૂર સંઘર્ષ કમિટી દ્વારા દેખાવો ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.
કયા બિલનો વિરોધ અને શું છે જોગવાઈ?
સૌથી પહેલા એ સમજીએ કે આ ત્રણ બિલોની મુખ્ય જોગવાઈ શું છે...
• કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક, ૨૦૨૦ઃ આ બિલમાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે કે જ્યાં ખેડૂતો અને વેપારીઓને માર્કેટ યાર્ડથી બહાર પાક વેચવાની આઝાદી હશે. જોગવાઈમાં રાજ્યની અંદર અને બે રાજ્ય વચ્ચે વેપારને વધારવા માટેની વાત કરાઈ છે. માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટશન પર ખર્ચ ઓછો કરવાની વાત કરાઈ છે.
• કૃષક (સશક્તીકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર વિધેયક, ૨૦૨૦ઃ આ બિલમાં કૃષિ કરારો પર રાષ્ટ્રીય ફ્રેમવર્કની જોગવાઈ છે. આ બિલ કૃષિ ઉત્પાદકોનું વેચાણ, ફાર્મસેવાઓ, કૃષિ બિઝનેસ ફાર્મો, પ્રોસેસર્સ, જથ્થાબંધ વિક્રેતાઓ, મોટા રિટેઇલ વેપારીઓ અને નિકાસકારોને ખેડૂતો સાથે જોડવા સશક્ત કરે છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજની આપૂર્તિ સુનિશ્ચિત કરવી, તકનીકી સહાય અને પાકરક્ષણનું આકલન, ઋણની સુવિધા અને પાકવીમાની સુવિધા અપાશે.
• આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક ૨૦૨૦ઃ આ બિલમાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુઓની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ છે. માનવામાં આવે છે કે વિધેયકની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે, કેમ કે બજારમાં સ્પર્ધા વધશે.
ખેડૂતો વિરોધ કેમ કરે છે?
સરકારે પાસ કરેલાં બિલના વિરોધમાં દેશભરના ખેડૂતો વત્તેઓછે અંશે વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમનું માનવું છે કે આ વિધેયક ધીમેધીમે એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) એટલે કે સાદી ભાષામાં કહીએ તો મંડીને ખતમ કરી દેશે અને પછી ખાનગી કંપનીઓનું જોર વધશે, જેથી ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ નહીં મળે. ખેડૂત સંગઠનોનો આરોપ છે કે નવા કાયદા લાગુ થતા જ કૃષિક્ષેત્ર પણ મૂડીપતિઓ કે કોર્પોરેટ્સના હાથમાં ચાલ્યું જશે અને તેનું ખેડૂતોને નુકસાન થશે. જોકે સરકારનું કહેવું છે કે તે એપીએમસી બંધ નથી કરી રહી, પરંતુ ખેડૂતો માટે એવી વ્યવસ્થા કરી રહી છે, જેમાં તેઓ ખાનગી ખરીદદારોને પોતાના પાકો સારા ભાવે વેચી શકશે.