નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (‘આપ’)ના કન્વીનર અને સ્થાપક અરવિંદ કેજરીવાલ સામે તેમના જ એક ભૂતપૂર્વ સાથી પ્રધાને કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. દિલ્હી સરકારમાંથી પડતા મૂકાયા બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલ સામે જંગે ચઢેલા કપિલ મિશ્રાએ પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યો હતો કે કેજરીવાલના સાઢુ ભાઇ માટે (બીજા એક પ્રધાન) સત્યેન્દ્ર જૈન દ્વારા રૂ. ૫૦ કરોડનો જમીનનો સોદો પાર પાડવામાં આવ્યો હતો. આ સોદાના ભાગરૂપે અરવિંદ કેજરીવાલને રોકડા બે કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
મિશ્રા માત્ર આક્ષેપો કરીને જ નહોતા અટક્યા, પણ કથિત પુરાવાઓ સાથે મંગળવારે પાટનગરમાં સીબીઆઇ ઓફિસે પહોંચ્યા હતા અને કેજરીવાલ વિરુદ્ધ ભ્રષ્ટાચારવિરોધી ધારા અંતર્ગત ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે તે પ્રમાણે તેણે કેજરીવાલને ગયા શુક્રવારે તેમના નિવાસસ્થાને બીજા એક પ્રધાન સત્યેન્દ્ર જૈન પાસેથી બે કરોડ રૂપિયા સ્વીકારતા જોયા છે. મિશ્રાએ એક બંધ કવરમાં સીબીઆઇને ફરિયાદ સોંપી છે જેમાં ૧૦ મુદ્દાનો ઉલ્લેખ છે.
મિશ્રાએ આ પૂર્વે દાવો કર્યો હતો કે એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) ઇચ્છે તો આ મુદ્દે મારો, કેજરીવાલનો અને સત્યેન્દ્ર જૈનનો લાઈ ડિટેકટર ટેસ્ટ કરાવી શકે છે.
કેજરીવાલ સામે કટકી સ્વીકારવાના આક્ષેપો કરનાર મિશ્રાને પક્ષે ‘આપ’ના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. તો આ આક્ષેપો અંગે કેજરીવાલના પત્ની સુનિતાએ ટ્વિટ કરીને મિશ્રાની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, મારા જીજાજી આ દુનિયામાં છે જ નહીં, આ વ્યક્તિ મગજ ચલાવ્યા વિના કોઈના દ્વારા લખાયેલી પટકથા વાંચી રહી છે. જ્યારે સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે કપિલ મિશ્રા બકવાસ કરી રહ્યા છે. હું સાબિત કરી શકું તેમ છું કે જે દિવસ અંગે મિશ્રા વાતો કરી રહ્યા છે તે દિવસે હું સીએમ હાઉસમાં હાજર જ નહોતો. તેઓ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.
રૂ. ૫૦ કરોડમાં ફાર્મહાઉસ સોદો થયો છેઃ મિશ્રા
મિશ્રાએ જણાવ્યું કે, સોદો કરાવનાર વ્યક્તિ બીજી કોઈ નહીં પણ મુખ્ય પ્રધાન કેજરીવાલના સાઢુ છે. સત્યેન્દ્ર જૈને માટે તેણે છત્તરપુરમાં સાત એકર જમીન માટેનો રૂપિયા ૫૦ કરોડ રૂપિયાના ફાર્મહાઉસનો સોદો ગોઠવી આપ્યો હતો. મિશ્રાએ જણાવ્યું કે, પંજાબ ચૂંટણી અને દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ટિકિટ લેવા અને વહેંચવા દરમિયાન મોટા પાયે નાણાંની હેરફેર કરવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણી દરમિયાન શરાબ અને શબાબના મોટા ખેલ પાર પડાયા હતા.
દિલ્હી સરકારમાં જળસંસાધન મંત્રાલયનો કાર્યભાર સંભાળતા કપિલ મિશ્રાએ શનિવારે હોદ્દો છીનવી લેવાયાના બીજા દિવસે રવિવારે એક નાટકીય ઘટનાક્રમમાં કેજરીવાલ પર પ્રધાન સત્યેન્દ્ર જૈન પાસેથી રૂ. ૨ કરોડ લીધાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. મિશ્રાએ કહ્યું હતું કે મેં નજરોજર કેજરીવાલને રૂ. ૨ કરોડ લેતા જોયા હતા.
આવા ગંભીર આક્ષેપો અંગે કેજરીવાલે પ્રારંભે મૌન સેવ્યા બાદ બીજા દિવસે ટ્વીટ કર્યું હતું કે આખરે સત્યનો વિજય થશે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને કુમાર વિશ્વાસે પણ કેજરીવાલ સામેના આક્ષેપોને ફગાવતા કહ્યું હતું કે કેજરીવાલ લાંચ લઈ શકે નહીં. તેમના દુશ્મનો પણ કેજરીવાલ કરપ્ટ છે તેવું માનવા તૈયાર થાય નહીં. મિશ્રાના આક્ષેપો પછી ઘરે ફૂટે ઘર જાય જેવો ઘાટ સર્જાયો છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક કલહ ફરી એક વાર સપાટી પર આવ્યો છે. કેજરીવાલ પર પાર્ટીના સભ્યે જ આક્ષેપો કરતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેજરીવાલનાં રાજીનામાંની માગણી કરાઈ છે.
પૈસા ક્યાંથી આવ્યાં? રકમ રોકડમાં કેમ?
મિશ્રા રવિવારે રાજઘાટ પર ગયા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) અનિલ બૈજલની પણ મુલાકાત લીધી હતી. એલજીને મળ્યા પછી મિશ્રાએ ટ્વિટ કર્યું હતુ કે, ચુપ રહેવાનું અસંભવ હતું તેથી એલજીને તમામ વિગતો જણાવી છે.
મેં તેમને અયોગ્ય રીતે પૈસા લેતા જોયા છે. મિશ્રાએ કહ્યું કે એવું લાગતું હતું કે કેજરીવાલ છે એટલે પાર્ટીમાં કોઈ ભ્રષ્ટ રહેશે નહીં, પણ શુક્રવારે સત્યેન્દ્ર જૈન પાસેથી કેજરીવાલને રૂ. ૨ કરોડ લેતા નજરોજર જોયા એટલે ભ્રમ ભાંગી ગયો. મેં તેમને પૂછ્યું કે આ પૈસા ક્યાંથી આવ્યા? આ રકમ રોકડમાં કેમ છે? તેના કાગળો રજૂ કરો. જો કોઈ ભૂલ થઈ હોય તો માફી માગો. મેં તેમને કહ્યું કે મારે એસીબીને આ વાત કરવી પડશે. જૈને મને કહ્યું કે રાજકારણમાં કેટલીક વાત બાદમાં જાહેર થતી હોય છે. જૈને જ મને કહ્યું કે સીએમના સગાંની ૫૦ કરોડની જમીનની ડીલ કરાવી છે.
મિશ્રાએ કહ્યું કે મેં જ્યારે કેજરીવાલને પૈસા અંગે પૂછ્યું ત્યારે તેમણે પણ જવાબ આપવા ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં દરેક વાત જણાવી શકાય નહીં. મેં તેમને પૂછ્યું કે પૈસા ક્યાંથી આવ્યાં છે તો તેમણે જવાબ આપ્યો નહીં. આ પછી મેં કેજરીવાલને કહ્યું કે ભૂલ કોઈ પણની થઈ શકે છે. તમે પણ માફી માગો. પણ કેજરીવાલે મને જ પ્રધાનપદેથી કાઢી મૂક્યો.
‘સત્યેન્દ્ર જૈન હવાલા કૌભાંડી છે’
કપિલ મિશ્રાએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન સામે મની લોન્ડરિંગ અને બ્લેક મની તેમજ હવાલા કૌભાંડના અનેક કેસો થયા છે. જૈન અનેક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓના નાણાં હવાલા મારફતે વિદેશમાં મોકલવા માટે જાણીતા છે. સૌ કોઈ જૈનના આ કુકર્મોને જાણે છે. જૈને દિલ્હી સરકારમાં તેમની પુત્રી અને સગાંઓને જુદા જુદા હોદ્દા પર બેસાડ્યા છે.
વોટર ટેન્કર કૌભાંડ પણ કેજરીવાલે દબાવ્યું
કપિલ મિશ્રાએ કેજરીવાલ સામે બીજો આરોપ એવો લગાવ્યો કે મુખ્ય પ્રધાન અને તેમના ખાસ અધિકારીઓએ શીલા દીક્ષિતની સરકાર વિરુદ્ધ વોટર ટેંકર ગોટાળાનો રિપોર્ટ દબાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકાળમાં ૪૦૦ કરોડ રૂપિયાનું વોટર ટેંકર કૌભાંડ આચરાયાના આરોપો થયા હતા. શિલા દિક્ષીત તે સમયે મુખ્ય પ્રધાન હતા. જેમના પર આરોપો લગાવાયા કે તેઓએ પાણી સપ્લાય માટે પ્રાઇવેટ કંપની પાસેથી ટેંકર હાયર કર્યા હતા. જેમાં ૪૦૦ કરોડની હેરાફેરી કરી. બાદમાં ૨૦૧૫માં ‘આપ’ સરકારે કપિલ મિશ્રાની આગેવાનીમાં તપાસ પેનલ ગઠીત કરી. કપિલ મિશ્રાએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે કૌભાંડ આચરાયું છે અને તેની હવે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઇએ. શિલા દિક્ષીતે પોતાના માનીતાને વોટર ટેંકરના કોન્ટ્રાક્ટ આપવા દિલ્હી જલ બોર્ડને ભલામણ કરી હતી. તે સમયે શિલા દિક્ષીત જલ બોર્ડના ચેરપર્સન પણ હતા. આ કૌભાંડની તપાસ એસીબી પાસે છે.
કપિલ મિશ્રાએ વોટર ટેંકર કૌભાંડનો રિપોર્ટ કેજરીવાલ સરકારને સોપ્યો હતો, જે બાદ કેજરીવાલ સરકારે આ રિપોર્ટને તે સમયના રાજ્યપાલ નજીબ જંગને સોપ્યો હતો. સાથે ભલામણ કરી હતી કે આ સમગ્ર કૌભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) અથવા તો સીબીઆઇ દ્વારા થવી જોઇએ. બાદમાં નજીબ જંગે આ રિપોર્ટને એસીબીને સોપી તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા હતા. ૨૦૧૬માં એસીબીએ કેસ દાખલ કર્યો હતો.
હું ચૂપ નથી રહેવાનોઃ મિશ્રાનો પડકાર
મિશ્રાએ ગાંધીજીની સમાધિ રાજઘાટ ખાતે કહ્યું હતું કે મને અહીં ઊર્જા મળે છે. આમ આદમી પાર્ટી અમારી કાર્યકર્તાઓની પાર્ટી છે. અમે સંઘર્ષ કર્યો છે ત્યારે પાર્ટી બની છે. લાઠી-ડંડા ખાધા છે. હું કયારેય આ પાર્ટી છોડીને જઈશ નહીં. કેટલીક ગંદકી ભળી ગઈ છે તે બહાર કાઢીશું. કોઈ મને પાર્ટીમાંથી કાઢી શકશે નહીં. અને હું કયારેય પાર્ટી છોડીશ નહીં. જળપ્રધાન બન્યા પછી મેં એક જ મહિનામાં કોંગ્રેસના શીલા દીક્ષિત સામે રૂ. ૪૦૦ કરોડના ટેન્કર ગોટાળાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તે પછી શું થયું તે સૌ જાણે છે.
મિશ્રાએ વધુમાં કહ્યું હતું કે મને પ્રધાનપદેથી હટાવ્યા પછી આ બોલું છું તેવું નથી. કેબિનેટમાં એક માત્ર એવો પ્રધાન છું જેના પર કરપ્શનના કોઈ આક્ષેપો નથી. સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરીંગની કામગીરી અને બ્લેક મની સાથે શું લિન્ક છે તે સૌ જાણે છે. મારી નજર સમક્ષ કરોડોની રોકડમાં લેવડદેવડ થયાની મારા માટે ચૂપ રહેવાનું શક્ય નહોતું. ભલે પદ છિનવાઈ જાય કે મારા પ્રાણ ચાલ્યા જાય. હું ચૂપ રહીશ નહીં. નોકરી છોડીને પાર્ટીમાં આવ્યો છું. જોકે મિશ્રાના આ નિવેદનો વચ્ચે પક્ષે તેમને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી નાખ્યા હતા.
કેજરીવાલ સ્ટાઇલમાં ઊંબાડિયું ચાંપ્યું
કેજરીવાલ પર આક્ષેપો કરવામાં કપિલ મિશ્રાએ ‘કેજરીવાલ સ્ટાઇલ’ જ અપનાવી છે. કેજરીવાલ જેમ અગાઉ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોઈન કોઇ રાજકારણી પર કે અંબાણી જેવા ઉદ્યોગપતિઓ પર આક્ષેપો કરવાની પદ્ધતિ અપનાવી હતી તેમજ મિશ્રાએ કેજરીવાલ પર આક્ષેપો કર્યા છે.
કેજરીવાલ અન્ય લોકો પર આક્ષેપો કરીને ભાગી જતા હતા તેમ મિશ્રાએ કેજરીવાલ સામે ઊંબાડિયું ચાંપ્યું છે અને હવે તમાશો જોવા તત્પર બન્યાં છે.
કોણ છે કપિલ મિશ્રા?
કપિલ મિશ્રા કરાવલ નગર બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આ પહેલાં પહેલાં તેઓ દિલ્હીના કાયદા પ્રધાન પણ રહ્યા છે. ૩૬ વર્ષના કપિલ ઈસ્ટ એમસીડીથી ભાજપના મેયર રહી ચૂકેલા અન્નપૂર્ણા મિશ્રાના પુત્ર છે. કપિલ યૂથ ઓફ જસ્ટિસ નામના એક સંગઠનના સહસ્થાપક પણ છે. ઘરમાં ભાજપતરફી વિચારધારા હોવા છતાં કપિલ ક્યારેય ભાજપ સાથે જોડાયા નથી. કપિલે કોમનવેલ્થ ગેમ્સમાં ડેવલપમેન્ટના નામે થઈ રહેલા ગોટાળા ઉપર ‘ઇટ્સ કોમન વર્સિંઝ વેલ્થ’ નામનું પુસ્તક પણ લખ્યું છે. કપિલે એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને ગ્રીનપીસ જેવા આંતરરાષ્ટ્રીય એનજીઓમાં કામ કર્યું છે. કપિલે દિલ્હી સ્કૂલ ઓફ સોશિયલ વર્કમાં માસ્ટર્સ કર્યું છે. કપિલ મિશ્રાએ કેજરીવાલ સાથે તેમના એનજીઓ પરિવર્તન ઉપરાંત અણ્ણા આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૨૩ ફેબ્રુઆરી શપથગ્રહણ સમારોહમાં તે એકમાત્ર વિધાયક એવા હતા જેમણે પોતાના શપથ સંસ્કૃતમાં લીધા હતા. કપિલ મિશ્રાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લા સાથે જોડાયેલો છે.
તૂટ ચૂકા મેરા સપનાંઃ અણ્ણા હજારે
મિશ્રાએ કેજરીવાલ પર લાંચના આક્ષેપો કર્યા પછી સમાજસેવક અણ્ણા હજારેએ કહ્યું હતું કે કેજરીવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો જાણીને ઘણું દુઃખ થયું છે. મારાં સપનાં તૂટીને ચકનાચૂર થઈ ગયાં છે. ભ્રષ્ટાચાર સામે અમે ૪૦ વર્ષથી લડી રહ્યા છીએ. આ લડાઈને કારણે જ તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા છે તેમની સામેના આક્ષેપો જાણીને ઘણું દુઃખ થયું છે.
અરવિંદ ભ્રષ્ટાચાર કરી શકે નહીંઃ કુમાર વિશ્વાસ
‘આપ’ના અગ્રણી કુમાર વિશ્વાસે કેજરીવાલના બચાવમાં કહ્યું કે હું અરવિંદને ૧૨ વર્ષથી ઓળખું છું. તેની સાથે આટલાં વર્ષ કામ કર્યા પછી કહી શકાય કે તેઓ ભ્રષ્ટાચાર કરે તેવું વિચારી શકું પણ નહીં. સાથીઓ અને કાર્યકરોને મારી પ્રાર્થના છે કે તેઓ ધીરજ અને વિશ્વાસ રાખે તે દેશ અને કાર્યકરોનાં હિતમાં રહેશે. કેજરીવાલના દુશ્મનો પણ એ માનવા તૈયાર ન થાય કે તેમણે લાંચ લીધી છે.
આ આક્ષેપો ખોટા છેઃ મનીષ સિસોદિયા
મિશ્રાના આરોપો બાદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા કેજરીવાલના બચાવમાં ઉતરી પડ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે જેવી રીતે ખોટા આક્ષેપો કરાયા છે તે જવાબ દેવાને લાયક પણ નથી. કોઈ તેમના પર વિશ્વાસ કરશે નહીં.
કેજરીવાલ રાજીનામું નહીં આપેઃ સંજય
કેજરીવાલ ઉપર ‘આપ’ના જ નેતા દ્વારા થયેલા ગંભીર આરોપો આમ આદમી પાર્ટીએ ફગાવ્યા છે. વિરોધ પક્ષે કેજરીવાલના રાજીનામાની માગણી કરી છે તે અંગે પક્ષના પ્રવક્તા સંજય સિંહે જણાવ્યું હતું કે, કપિલ મિશ્રા ગૂંચવાઇ ગયા છે. તેઓ મનઘડંત આરોપો મૂકી રહ્યા છે. તેઓ હાલમાં પદ ગુમાવવાના આઘાતમાં બેફામ નવેદનો કરી રહ્યા છે. મિશ્રા અત્યારે ભાજપની ભાષા બોલી રહ્યા છે. કેજરીવાલ સામે મૂકવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે તેઓ રાજીનામુ નહીં આપે. સમગ્ર પક્ષ તેમની સાથે જ છે. ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નૈતિકતાના પાઠ ન ભણાવે તે જ સારું છે.