આફ્રિકાના પૂર્વી દરિયા કિનારા પર ભારતીયોની હાજરીના અગાઉના વર્ણનો પ્રથમ સદી ADમાં અજ્ઞાત લેખક દ્વારા લખાયેલા પુસ્તક ‘પેરીપ્લસ ઓફ ધ એરિથિયન સી’માં જોવા મળે છે. ભારતીય વેપારીઓ પ્રાચીન બેબીલોનના સમયથી આ ખંડની મુલાકાત લેતા હતા તે પુરવાર કરતા હસ્તલેખો પણ મળે છે.
તેમણે ઈસ્ટ આફ્રિકાના દરિયા કિનારે વ્યાપારી મથકો પણ ઉભા કર્યા. આફ્રિકાના પૂર્વી દરિયાકિનારાની વિષુવૃત્ત રેખા પર આવેલું કેન્યા ‘માનવતાના પારણા’ તરીકે ઓળખાય છે. વૈવિધ્યપૂર્ણ અને જુસ્સાવાળી સંસ્કૃતિ ધરાવતા દેશમાં કુલ વસતિના એક ટકા ભારતીયો છે. બ્રિટિશ કોલોનિયલ શાસન દરમિયાન ૧૮૯૬ અને ૧૯૦૧ વચ્ચે કેન્યા-યુગાન્ડા રેલવે નાંખવાનું કામ હાથ ધરાયું ત્યારે હાલના ડાયસ્પોરાના પૂર્વજો તેમાં સંકળાયેલા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેન્યાના એશિયનો નૈરોબી અને તેની આસપાસના વિસ્તારોમાં બિઝનેસથી માંડીને પોલીસ ફોર્સ, અમલદારશાહી અને અન્ય સર્વિસીસના તમામ પ્રકારના વ્યવસાયોમાં જોડાવા લાગ્યા હતા. કેન્યા અને સમગ્ર આફ્રિકા ખંડનો મજબૂત આર્થિક વિકાસ તેમણે આપેલા વાણિજ્યિક યોગદાનને આભારી છે.
બજારમાં પ્રભુત્વ ધરાવતી લઘુમતીના વિશિષ્ટ ઉદાહરણ બની રહેલા કેન્યાના ભારતીયો આફ્રિકન દેશમાં સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ડાયસ્પોરા છે. આ કોમ્યુનિટી વિશાળ અને વ્યાપક સમાજમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને અર્થતંત્રના તમામ સેક્ટર્સમાં તેમની હાજરી વર્તાઈ આવે છે. તેમાંના મોટા ભાગના ખાનગી બિઝનેસીસમાં છે અને તેમના સંચાલન માટે વિશાળ કોર્પોરેટ જૂથોની રચના કરી છે. કેન્યન ભારતીયો કિસુમુ, મોમ્બાસા, નાઈરોબી, નકુરૂ, એલ્ડોરેટ અને કાકામેગા સહિત તમામ મોટા નગરોમાં ધંધાકીય સાહસો ધરાવે છે. સ્વાહિલી ભાષામાં ‘વાહિન્દી’ તરીકે ઓળખાતા તેઓ દેશમાં સર્વત્ર રોકાણો કરવા માટે જાણીતા છે.
૧૯૫૦ના દાયકામાં આફ્રિકન અધિકારો વધારવાની સામૂહિક લડતમાં અગ્ર રહેવા સાથે કેન્યાના ભારતીયોએ દેશના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું હતું. પીઓ ગામા પિન્ટો, માખન સિંહ અને એ.આર.કપિલા સહિતના ભારતીય નેતાઓ સંસ્થાનવાદી શાસનમાં અસમાનતાઓની વિરુદ્ધ લડતમાં સક્રિય સહભાગી બની રહ્યા હતા.
એશિયન કોમ્યુનિટીએ ૧૯૬૨ સુધીમાં કેન્યાના અર્થતંત્રમાં મક્કમપણે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું. કેન્યાએ ૧૯૬૩માં બ્રિટન પાસેથી આઝાદી હાંસલ કરી તે પછી ભારતીયો માટે સમય કપરો બની રહ્યો હતો. એશિયનોને તેમના બ્રિટિશ પાસપોર્ટ્સ જમા કરાવી કેન્યન નાગરિકત્વ હાંસલ કરવા માટે બે વર્ષની મુદત અપાઈ હતી. હજારો બ્રિટિશ પાસપોર્ટ ધારકોએ કેન્યા છોડી યુકેમાં પાયો જમાવવાની ફરજ પડી હતી.
કેન્યામાં વસવાટ દરમિયાન ડાયસ્પોરાની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી અને યુકેમાં શરૂઆતમાં તેમની ભૂમિકા અદ્વિતીય જ બની રહી હતી. જોકે, ટુંક સમયમાં જ તેઓ બ્રિટિશ અર્થતંત્રને ઉત્તેજન આપવામાં ગાઢપણે પરોવાઈ ગયા હતા.
ગુજરાત અને ગુજરાતીઓ સાથે કેન્યાનો સ્નેહતંતુ
ખાલી ખિસ્સે અને જર્જર હોડકામાં કેન્યામાં આવી પહોંચ્યા પછી કેન્યાની ગુજરાતી વસ્તી અને ખાસ કરીને, શાહ, કચ્છી તેમજ અન્ય સમુદાય આ દેશમાં વસતી સૌથી વધુ ગતિશીલ લઘુમતીઓમાંની એક બની રહી, જેઓ આજે અત્યાધુનિક વાહનોમાં સફર કરે છે. ગુજરાતીઓની કુલ ૯૦,૦૦૦ની વસ્તીમાં શાહની વસ્તી આશરે ૧૨,૦૦૦થી વધુ (બીબીસીના અહેવાલ અનુસાર) છે અને કેન્યાના આર્થિક ચિત્રમાં તેઓની ધંધાકીય પહોંચ અને ખંતનું ભારે યોગદાન રહ્યું છે.
ભારતીયો અને વિશેષતઃ ગુજરાતીઓ કેન્યાના સાંસ્કૃતિક જીવનમાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે આજે તે દેશમાં આશરે ૧૫ સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય હિન્દુ, જૈન, શીખ અને મુસ્લિમ ધર્મસ્થાનો છે. બિનસત્તાવાર સૂત્રો અનુસાર કેન્યામાં પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ ૧૮૭૦ના દાયકામાં થયું હતું. આ બાબત જ સાબિત કરે છે કે આ આફ્રિકન રાષ્ટ્રે કેવી રીતે તે દેશને પોતાનું વતન બનાવનારાઓને ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રદાન કર્યું છે.
પ્રિય વાચકો
અમે સાત સપ્તાહ કરતા વધુ સમયથી કેન્યા મેગેઝિન વિશે વાત કરી રહ્યા છીએ પરંતુ, દિલગીરી સાથે જણાવવાનું કે તેમાં ભારે વિલંબ થયો છે. અમારી પાસે અભૂતપૂર્વ પ્રમાણમાં અંગત તેમજ અન્ય માહિતી આવી છે તેની અમે કદર કરીએ છીએ. અમે વધુ પ્રમાણમાં તે સમાવી શકીએ તેમ નથી. યુકેના લગભગ તમામ ક્ષેત્રોમાં કેન્યન કનેક્શન સાથેના ભારતીય ડાયસ્પોરાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો સાક્ષાત્કાર થઈ રહ્યો છે.
અમે હાલમાં કેટલીક પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી માહિતી/લેખો પર કામ કરી રહ્યા છીએ અને વહેલામાં વહેલી તકે આપની સમક્ષ મૂકવા આતુર છીએ.