નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે તેવા સમયે જ કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ હાઇકમાન્ડની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ સાથે દસકાઓથી જોડાયેલા અને પક્ષની ઓળખ જેવા બની ગયેલા આ નેતાઓ ગુલામનબી આઝાદના નેતૃત્વમાં જમ્મુમાં એકત્ર થયા હતા.
‘સર્વમિત્ર’ નેતાની ઓળખ ધરાવતા આઝાદ તાજેતરમાં જ રાજ્યસભામાંથી નિવૃત થયા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા આ નેતાએ હાઇકમાન્ડની કાર્યશૈલી સામે અવાજ ઉઠાવ્યો હોવાથી છેલ્લા કેટલાક સમયથી પક્ષમાં તેમને કોરાણે ધકેલી દેવાયા છે.
ગાંધી ગ્લોબલ ફેમિલી ઇવેન્ટના નેજા હેઠળ એકત્ર થયેલા આ નેતાઓમાં આઝાદ, શશી થરૂર, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, આનંદ શર્મા, પી.જે કુરિયન, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવડા, મુકુલ વાસનિક, જિતીન પ્રસાદ, ભૂપેન્દ્રસિંહ હુડા, રાજીન્દર કૌર, વીરપ્પા મોઇલી, પૃથ્વીરાજ ચૌહાણ, અજ્યસિંહ, રાજ બબ્બર, અરવિંદરસિંહ લવલી, કૌલસિંગ ઠાકુર, અખિલેશ પ્રસાદ, કુલદીપ શર્મા, યોગાનંદ શાસ્ત્રી, સંદીપ દીક્ષિત અને વિવેક તનખાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ ૨૩ કોંગ્રેસી અસંતુષ્ટ નેતાઓ કોંગ્રેસ હાઇકમાન્ડની કામ કરવાની રીત સામે વિરોધ નોંધાવતો જાહેર પત્ર પણ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને લખી ચૂક્યા છે. નામ નહીં આપવાની શરતે એક નેતાએ જણાવ્યું હતું કે, આ મિટિંગ કોંગ્રેસ હાઇકમાન્ડને સ્પષ્ટ સંદેશો છે. અમે પાર્ટીના નેતૃત્વને જણાવવા માગીએ છીએ કે અમે એકસંપ છીએ. અમને કોંગ્રેસ હાઇકમાન્ડની કામ કરવાની રીત સામે અસંતોષ છે અને તે દૂર કરવા નેતાગીરીએ પગલાં લેવાં જોઈએ.
જી-૨૩ નેતાઓએ શનિવારથી ‘સેવ ધ આઇડિયા ઓફ ઇન્ડિયા’ નામના દેશવ્યાપી અભિયાનનો પ્રારંભ કર્યો છે. અભિયાન અંતર્ગત તેઓ દેશભરમાં જાહેર સભાઓનું આયોજન કરશે. કોંગ્રેસના આ નેતાઓ દેશભરમાં બિનરાજકીય કાર્યક્રમોનું આયોજન કરીને કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયેલા નેતાઓને પાર્ટીમાં પરત લાવવાનો પ્રયાસ કરશે. હવે પછીની રેલીનું આયોજન હરિયાણાના કુરુક્ષેત્રમાં કરાશે, તેવી પણ જાહેરાત આ જૂથે કરી હતી.
કોંગ્રેસનું જી-૨૩ ગ્રૂપ ગાંધી પરિવાર અને તેમની નેતૃત્વ શૈલી સામે સીધો પડકાર ઊભો કરી રહ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એકદમ ખરાબ પ્રદર્શન બાદ આ નેતાઓએ પાર્ટીની કાર્યશૈલીની આકરી ટીકા કરી હતી. જેના પગલે તેમને પાર્ટીમાંથી દૂર કરવાની માગ પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે આ બેઠક ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધી તામિલનાડુ અને પ્રિયંકા ગાંધી વારાણસી-વૃંદાવનના પ્રવાસે હતા.
મોદી સાથે ઘનિષ્ઠ નાતો
ગુલામનબી આઝાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હોવા છતાં વડા પ્રધાન મોદી સહિતના નેતાઓ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવે છે. રાજ્યસભામાંથી તેમની વિદાય વેળા વડા પ્રધાન મોદીએ ઉષ્માભર્યા શબ્દોમાં કાર્યકુશળતા અને નેતૃત્વને બિરદાવ્યું હતું. તો આઝાદે પણ આભાર પ્રવચનમાં મોદીને બિરદાવ્યા હતો.
મોદી ઓળખ છુપાવતા નથીઃ આઝાદ
જમ્મુમાં એક સમારોહને સંબોધતા આઝાદે જણાવ્યું હતું કે, નમ્રતા મુદ્દે લોકોએ વડા પ્રધાન મોદીનું ઉદાહરણ લેવું જોઇએ. તેઓ વડા પ્રધાન બન્યાં છતાં પોતાના ભૂતકાળને ભૂલ્યાં નથી. તેઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવ્યાં છે અને ગર્વથી પોતાને ચ્હાવાળો કહે છે. અમારી વચ્ચે રાજકીય મતભેદો છે પરંતુ વડા પ્રધાન અત્યંત સાદગી ધરાવતા વ્યક્તિ છે. તેઓ પોતાના અસલ વ્યક્તિત્વને છૂપાવતા નથી.
પાર્ટી માટે નિર્ણયો કોણ લે છે?ઃ અસંતુષ્ટોનો પ્રહાર
જમ્મુમાં અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાવિહોણી પાર્ટી બની ગઇ છે. અત્યારે પણ સોનિયા ગાંધી રોજિંદી બાબતોમાં રસ લેતાં નથી ત્યારે પૂર્ણકાલીન પ્રમુખની ગેરહાજરીમાં પાર્ટી માટે નિર્ણયો કોણ લે છે? કોંગ્રેસ હાઇકમાન્ડે એવો પ્રતિભાવ આપ્યો હતો કે, જી-૨૩ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ છે. તેમણે ચૂંટણીને પ્રાધાન્ય આપવું જોઈએ.
અમે સીધા હોદ્દાઓ પર નથી બેઠાં: આનંદ શર્મા
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં કોંગ્રેસ ઘણી નબળી પડી છે. નવી પેઢીએ કોંગ્રેસ સાથે જોડાવું જોઈએ. અમે કોંગ્રેસના સારા દિવસો જોયાં છે. અમે વૃદ્ધ થઈ ગયાં છીએ તેથી કોંગ્રેસને નબળી પડતી જોઈ શકતાં નથી. અમે કોંગ્રેસમાં અત્યારે જે સ્થાન પર છીએ તે મેળવવા માટે યુવાવસ્થાથી ઘણો સંઘર્ષ કર્યો છે. અમે કોઈ છીંડામાંથી પ્રવેશીને હોદ્દાઓ પર બેસી ગયાં નથી. અમે ફરીથી કોંગ્રેસને મજબૂત બનાવીશું.
હકીકતનો સ્વીકાર કરો: કપિલ સિબ્બલનો સીધો પ્રહાર
ઇવેન્ટમાં સંબોધન કરતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ નબળી પડી રહી છે. આપણે એ હકીકત સ્વીકારી લેવી જોઈએ. અમે અહીં પાર્ટીને મજબૂત કરવા એકઠાં મળ્યાં છીએ. કોંગ્રેસનું નેતૃત્વ ગુલામ નબી આઝાદને સોંપવાનો ઇશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુલામનબી આઝાદ અનુભવી નેતા અને એક ઇજનેર છે. તેઓ દરેક રાજ્યમાં કોંગ્રેસની સાચી સ્થિતિથી પરિચિત છે. અમે નથી ઇચ્છતા કે તેમને સંસદમાંથી મુક્ત કરી દેવામાં આવે. શા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ ગુલામનબી આઝાદના અનુભવનો ઉપયોગ કરી રહી નથી? સિબ્બલે જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસને દરેક જિલ્લા અને રાજ્યમાં મજબૂત કરવા કામ કરીશું. જો કોંગ્રેસ નબળી પડશે તો દેશ પણ નબળો બની જશે.