નવી દિલ્હીઃ કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન ગુલામનબી આઝાદે આખરે કોંગ્રેસ સાથેનો દસકાઓ જૂનો નાતો તોડ્યો છે. આઝાદે ગયા શુક્રવારે પક્ષના તમામ હોદ્દા અને સભ્યપદેથી રાજીનામાં ધરી દીધાં હતા અને હવે તેઓ પોતાના નવા રાજકીય પક્ષની રચના કરશે. આઝાદે પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખીને રાહુલ ગાંધી અને વર્તમાન કોંગ્રેસ નેતૃત્વ પર ઘણાં આરોપ લગાવ્યા છે.
રાજીનામામાં આઝાદે રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને એક બિનગંભીર વ્યક્તિ ગણાવતા કહ્યું હતું કે રાહુલે પ્રમુખપદે વિરાજ્યા બાદ સમગ્ર સલાહકાર તંત્રનો નાશ કરી નાખ્યો હતો અને પાર્ટીના સિનિયર અને અનુભવી નેતાઓને કોરાણે ધકેલી લીધા હતા. પાર્ટીના સિનિયર અને અનુભવી નેતાઓને કોરાણે ધકેલી દીધા હતા અને તે બાદ પાર્ટી પર જીહજુરિયા અને બિનઅનુભવી લોકોના કબજો થઈ ગયો હતો.
‘રાજકારણમાં રાહુલનો પ્રવેશ પક્ષનું દુર્ભાગ્ય’
આઝાદે કહ્યું હતું કે આ પાર્ટીના દુર્ભાગ્યે રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ અને ખાસ કરીને તમે જ્યારે 2013માં રાહુલને પાર્ટીના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે તેમણે પાર્ટીમાં ચાલ્યા આવતા સલાહકારી તંત્રને બરબાદ કરી નાખ્યું હતું. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને રાજ્ય સ્તરે પ્રાદેશિક પક્ષોને પોતાની જગ્યા આપી દીધી છે અને તે થવાનું કારણ એ છે કે છેલ્લા આઠ વર્ષમાં પાર્ટીનું નેતૃત્વ એક બિનગંભીર વ્યક્તિના હાથમાં રહ્યું હતું.
2019માં બાદ રાહુલ ગાંધીએ આવેશમાં આવીને રાજીનામું તો ધરી દીધું છે, પરંતુ તે પહેલા તેઓ વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ તમામ સિનિયર હોદ્દેદારોનું અપમાન કરવાનું નહોતા ભૂલ્યા, જેમણે પાર્ટી માટે પોતાનું જીવન લગાવી દીધું હતું.
આઝાદે આ સાથે જ સોનિયા ગાંધી પર પણ પરોક્ષ પ્રહાર કરતા કહ્યું હતું કે, જે રિમોટ કંટ્રોલ મોડેલ યુપીએ સરાકરની સત્યનિષ્ઠાને બરબાદ કરી હતી, તે જ મોડેલ હવે કોંગ્રેસમાં પણ લાગુ થઈ ગયું છે. તમારી પાસે માત્ર નામનું જ નેતૃત્વ છે, તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયો અથવા તો રાહુલ ગાંધી લે છે અથવા તેના કરતા પણ વધારે બદતર સ્થિતિમાં તેમના સુરક્ષાકર્મી અને તેમના પીએ લઈ રહ્યા છે.
આઝાદના ચોંકાવનારા આરોપ
• રાહુલના રાજકારણ પ્રવેશથી પાર્ટીનું સલાહકાર તંત્ર નાશ પામ્યું. સિનિયર નેતાઓને કોરાણે ધકેલી દેવાયા. હજુરિયા બિનઅનુભવી લોકો પાર્ટી ચલાવવા લાગ્યા.
• રાહુલ દ્વારા કેબિનેટે પાસ કરેલા વટહુકમને મીડિયા સામે ફાડી નાખવો અપરિપકવતાનું સૌથી મોટું ઉદાહરણ.
• આઠ વર્ષમાં પાર્ટીનું નેતૃત્વ બિનગંભીર વ્યક્તિના હાથમાં રહેતા કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા ભાજપને આપી દીધી.
• 2019માં હાર બાદ રાહુલે આવેશમાં આવી રાજીનામું આપ્યું, પણ તેઓ સિનિયર નેતાઓનું અપમાન કરવાનું નહોતા ભૂલ્યા.
• જે રિમોટ કંટ્રોલ મોડે યુપીએ સરકારની સત્યનિષ્ઠાને બરબાદ કરી તે હવે પાર્ટીમાં લાગુ થઈ ગયું છે.
• પાર્ટી હવે નેતૃત્વ સંભાળવા છદ્મ નેતૃત્વ બનાવી રહી છે જે પ્રયોગ નિષ્ફળ જશે કારણ કે આ લોકો કઠપૂતળીથી વિશેષ નથી.
• સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા નર્યું નાટક અને દંભ, 24 અકબર રોડ પર બેસેલું જૂથ યાદીઓ પર સહી કરાવે છે.
• 2014 બાદ સોનિયા અને રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસ બે લોકસભા અને 49 પૈકી 39 વિધાનસભા ચૂંટણી હારી.
આઝાદનો ડીએનએ મોદી-ફાઇડ થયોઃ કોંગ્રેસ
કોંગ્રેસે ગુલામનબી આઝાદ પર પાર્ટીના નેતૃત્વની ટીકા કરવા બદલ આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે તેમના રાજીનામાને રાજ્યસભા કાર્યકાળના અંત સાથે જોડીને આરોપ લગાવ્યો હતો કે આઝાદના વિશ્વાસઘાતથી તેમના અસલી ચારિત્ર્યની જાણ થાય છે. તેમને ડીએનએએ પણ મોદી-ફાઇડ થઈ ગયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું હતું કે જેની સાથે કોંગ્રેસે સન્માનજનક વ્યવહાર કર્યો છે, તેણે પોતાના વ્યક્તિગત હુમલાથી દગો કર્યો છે એ તેમના ચરિત્રને ઉઘાડું પાડે છે.
આઝાદ પાસે હવે આટલા વિકલ્પ
1) આઝાદ નવી પાર્ટી બનાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી ચૂંટણી લડશે. શક્ય છે કે તેઓ ચૂંટણી પહેલાં ભાજપ સાથે ગઠબંધન કરી લે. ભાજપની સ્થિતિ જમ્મુની બેઠકો પર મજબૂત છે.
2) આઝાદની નવી પાર્ટી અને ભાજપ બંને અલગ અલગ લડે. ચૂંટણી બાદ આઝાદ ભાજપ સાથે ગઠબંધન કરી લે.
3) આઝાદની પાર્ટી પણ ગુપકારનો ભાગ બને. જોકે, આઝાદને વધારે મહત્ત્વ મળે તેવી સંભાવના ઓછી છે કારણ કે પીડીપી અને એનસીપી પહેલાં જ બેઠકોની વહેંચણી માટે બાખડી રહ્યા છે.