કોચીઃ રોડ ટ્રાન્સપોર્ટનો વિકલ્પ શોધવાના પ્રયાસના એક ભાગરૂપે હવે ભારતમાં જળમાર્ગો - નદી અને દરિયાનો સવિશેષ ઉપયોગ કરવાનું આયોજન થઇ રહ્યું છે, યોજનાઓ સાકાર થઇ રહી છે. માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યાના કારણે લોકો અટવાય છે અને માલસામાનની હેરફેરને અસર પહોંચે છે. આથી સરકારે મોડે મોડે પણ નદીઓની સપાટી અને તેની અંદર થઈને પસાર થતા માર્ગો પર નજર ઠેરવી છે. અંડરવોટર ટનલમાંથી પસાર થતી કોલકતાની મેટ્રો ટ્રેનનું પ્રારંભિક તબક્કાનું ટેસ્ટિંગ વીતેલા પખવાડિયે થયું. 2023ના અંતમાં આ પ્રોજેક્ટ વિધિવત્ કાર્યરત થઇ જશે તેવી જાહેરાત કરાઇ છે. આ જ રીતે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો 21 કિલોમીટર લાંબો રૂટ દરિયાઈ ટનલમાંથી પસાર થશે.
વીતેલા સપ્તાહે કેરળના કોચીમાં પાણીની ઉપર સરકતી મેટ્રો ટ્રેનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. કેરળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને વોટર મેટ્રો બંને એક સાથે શરૂ થયાં છે. કોચી વોટર મેટ્રો નામનો આ નવતર પ્રોજક્ટ કેરળના, ખાસ કરીને કોચી વિસ્તારના આર્થિક તંત્રને વેગ આપશે તેમ મનાય છે. તે લોકોનો સમય બચાવશે અને ટુરીઝમ માટે ખૂબ મહત્ત્વનો બની રહેશે. કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયનનું કહેવું છે કે આ કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ભારતની પ્રથમ વોટર મેટ્રો બેટરી ઓપરેટેડ છે અને તેમાં ઇલેક્ટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરાયો છે.
10 ટાપુ - 38 ટર્મિનલ
કેરળના દસ ટાપુઓને આવરી લેતી આ વોટર મેટ્રો કેરળ માટે બહુ મહત્ત્વાકાંક્ષી છે. કોચી વોટર મેટ્રો (કેવીએમ)માં 78 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટને એકબીજા સાથે જોડવામાં આવી છે. આ મેટ્રોનાં 38 જેટલાં ટર્મિનલ છે. આ પ્રોજેક્ટ 1136.83 કરોડ રૂપિયામાં તૈયાર થયો છે. પ્રોજેક્ટ માટે કેરળ સરકાર ઉપરાંત જર્મન કંપની કે.એફ. ડબલ્યુએ પણ ફંડીંગ કર્યું છે.
કેરળ વોટર મેટ્રો એરકન્ડીશન્ડ છે અને તેમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેવી નમૂનેદાર સવલતો પાઇ છે. દરેક કોચ સ્વાભાવિક રીતે જ અત્યાધુનિક છે.
ટ્રાફિક હળવો કરશે ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ
કોચી વોટર મેટ્રો ઇકો-ફ્રેન્ડલી હોવાનો દાવો કરાયો છે. અપંગ પ્રવાસીઓ સરળતાથી પ્રવાસ કરી શકે તેનું ધ્યાન રખાયું છે. વંદે ભારત એક્સપ્રેસ તિરૂવનંથપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ ટ્રેન 11 જિલ્લાઓમાંથી પસાર થશે. વડા પ્રધાન મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવાની સાથોસાથ કોચી મેટ્રો રેલનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ જ્યાં થાય છે તે યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું.
કોચી વોટર મેટ્રોના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેવી અપેક્ષા રહે જ. પીકઅવર્સમાં ભારે ધસારાના કારણે લોકો સમયસર કામ પર પહોંચી શકતા નહોતા. વાહનોની ભીડભાડના કારણે પ્રદૂષણ વધતું હતું. કોચી મેટ્રો લોકોને રોજીંદા પ્રવાસ માટે રાહતસમાન નીવડી રહી છે. આ પ્રોજેક્ટ 10 ટાપુઓ પર વસતા એક લાખ લોકો માટે લાભકારક સાબિત થઇ રહી છે. અત્યાર સુધી લોકોનું આવનજાવન હોડીઓ મારફતે થતું હતું. મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયનનો દાવો છે કે દક્ષિણમાં ટ્રાન્સપોર્ટ અને ટુરિઝમ સેક્ટરનો વિકાસ થઈ રહ્યો છે તેનું આ જ્વલંત ઉદાહરણ છે.
ભારત માટે ગૌરવપ્રદ યોજના
કેરળમાં ભાજપની સરકાર નથી છતાં વડા પ્રધાન કોચીમાં નદી પર ચાલનારી મેટ્રોના પ્લાનિંગમાં રસ લેતા હતા. દેશની પ્રથમ વોટર મેટ્રો માત્ર કેરળ જ નહીં, પણ ભારતના તમામ નાગરિકો માટે ગર્વનો વિષય છે.
પોતાના રાજ્યમાં વોટર મેટ્રો આવી છે અને ખુદ વડા પ્રધાને તેના પ્લાનિંગમાં રસ લીધો છે તે જોઇને કેરળના કોંગી સાંસદ શશી થરૂરે ટ્વીટ કર્યું હતું કે સતત રાજકારણની ચર્ચા કરતા રહેવાની જરૂર નથી. આપણે સારા કામને પણ આવકારવું જોઇએ.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કોચી મેટ્રોનો શિલાન્યાસ 2012માં કર્યો હતો. તે પછી 2013માં તેનું કામ શરૂ થયું હતું. 17 જુન 2020ના રોજ આઠ કિલોમીટરના પટ્ટામાં પ્રવાસ પણ શરૂ કરાયો હતો. જોકે 10 જેટલાં ટાપુ જોડીને તેના પર ટર્મિનલ બનાવવાનું કામ બહુ લાંબું ચાલ્યું હતું. દરેક ટાપુ પરથી મેટ્રોમાં જવા માટે એક ફ્લોટિંગ પેસેજ બનાવાયો છે. તેના પરથી ચાલીને પ્રવાસીઓ ટ્રેનમાં જઇ શકે છે. 76 કિલોમીટર લાંબા આ રૂટ પર 10 ટાપુઓના પ્રવાસીઓને લાભ મળી રહ્યો છે. આમ, કેરળને એક સાથે બે અદભૂત ભેટ મળી છે - એક છે વંદે ભારત એક્સપ્રેસ અને બીજી છે કોચી વોટર મેટ્રો.