લંડનઃ ગુરુવારે સામાન્ય ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે નવા ICM રિસર્ચ સર્વે મુજબ બોરીસ જ્હોન્સન અને ટોરી પાર્ટીની જેરેમી કોર્બીન અને લેબર પાર્ટી પર સરસાઈ ઘટીને માત્ર છ પોઈન્ટ રહી ગઈ છે. વડા પ્રધાન અત્યાર સુધી કોર્બીન પર બેવડા આંકની સરસાઈ ધરાવતા હતા પરંતુ, લેબર પાર્ટીના ઘોડાએ હવે ઝડપ પકડી છે. ICM સર્વે અનુસાર નંબર ૧૦ માટેની સ્પર્ધા વધુ રોમાંચક અને તીવ્ર બની છે. ડિસેમ્બર ૬-૯ના ગાળામાં યોજાયેલા પોલમાં કન્ઝર્વેટિવ્ઝ ૪૨ ટકાએ યથાવત રહ્યાં છે પરંતુ, લેબર પાર્ટી એક પોઈન્ટના સુધારા સાથે ૩૬ ટકાએ પહોંચી છે. લિબરલ ડેમોક્રેટ્સ ૧૨ ટકા અને બ્રેક્ઝિટ પાર્ટી ૩ ટકા સમર્થન ધરાવે છે. આમ, બહુમતી મેળવવાની જ્હોન્સનની આશા પર પાણી ફેરવવાની લેબર પાર્ટીની તક વધી છે. ટોરી પાર્ટી માટે માત્ર છ પોઈન્ટની સરસાઈનું મતદાનમાં પુનરાવર્તન થાય તો યુકે માટે વધુ એક વખત ત્રિશંકુ પાર્લામેન્ટની શક્યતા પ્રબળ બનશે. આ સર્વેથી ટોરી પાર્ટીના વડા મથકે ચેતવણીની ઘંટીઓ વાગવા લાગી છે. હવે આ સરસાઈ વધારી બહુમતીએ પહોંચવાની તક ટોરી પાર્ટી પાસે ખાસ રહી નથી.
બોરિસનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો
બોરિસ જ્હોન્સન માટે ગુરુવારનું મહત્ત્વપૂર્ણ મતદાન કપરું પૂરવાર થઈ શકે છે. લેબર પાર્ટીએ વડા પ્રધાનની સરસાઈમાં છ પોઈન્ટનું મોટું ગાબડું પાડ્યું છે ત્યારે ખુદ કન્ઝર્વેટિવ વ્યૂહબાજો માને છે કે વડા પ્રધાનને ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર ધકેલવા માટે લેબર પાર્ટીએ વધુ એક પણ બેઠક હાંસલ કરવાની જરૂર નથી. ટોરી દ્વારા ખાનગી પોલમાં ચેતવણી અપાઈ છે કે લોકો માને છે તેના કરતા સ્પર્ધા રસાકસીપૂર્ણ છે. ગણીગાંઠી બેઠકોમાં પણ એક-બે ટકાની આઘીપાછી થશે તો ત્રિશંકુ પાર્લામેન્ટની શક્યતા વધી જશે. તેમની માત્ર ૧૨ બેઠક પર લિબરલ ડેમોક્રેટ્સ અને SNP સામે ગુમાવવાની થાય તો બહુમતી ગુમાવાશે અને જેરેમી કોર્બીન માટે નાના પક્ષોના વિજયના સહારે સત્તાનશીન થવું શક્ય બનશે.
વડા પ્રધાન પદના સ્પષ્ટપણે મુખ્ય દાવેદારની જ્હોન્સનની સ્થિતિ તેમના સમર્થકોને ચિંતારહિત બનાવે અને તેઓ મત આપવા નહિ જાય તેની ચિંતા સાથે પાર્ટીએ દરેક મત મેળવવા માટે મુકાબલો કરવાની કમર કસી છે. કન્ઝર્વેટિવ્ઝ ‘ગેટ બ્રેક્ઝિટ ડન’ના નારા સાથે આખરી દિવસ સુધી વિજળીવેગી પ્રચારમાં લાગી ગયા છે. આટલી મોટા પાયાની તૈયારી છતાં, કન્ઝર્વેટિવ કેમ્પેઈન ગુરુઓ કહે છે કે વડા પ્રધાન બનવાની કોર્બીનની તકને ઘણી નજરઅંદાજ કરવામાં આવી છે.
કોર્બીન ખુદ બહુમતી મેળવી શકે તેવી શક્યતા અત્યંત પાતળી છે છતાં, સંકલિત અને અસરકારક સુનિયોજિત મતદાન જ્હોન્સનને બહુમતીથી દૂર ધકેલી શકે છે અને રીમેઈન પાર્ટીઓ લેબરનેતા પાસે ગઠબંધન માટે આવી શકે છે. ઈયુતરફી કેમ્પેઈનર્સ અનુસાર અંદાજે ૩૦ છૂટીછવાઈ બેઠકોમાં માત્ર ૪૦,૦૦૦ મતદાતા ઈલેક્શનનું પરિણામ નિર્ધારિત કરશે અને વડા પ્રધાન કોર્બીન માટે માર્ગ મોકળો કરી શકે છે.
Election Maps UK નો ડેટા
સામાન્ય ચૂંટણી અગાઉના આખરી વીકેન્ડ પોલમાં જેરેમી કોર્બીનની લેબર પાર્ટીનો ઘોડો વધુ ચાર ટકાના સમર્થન સાથે આગળ દોડ્યો છે અને કન્ઝર્વેટિવ પાર્ટીની સરસાઈ થોડી ઘટી છે. Election Maps UK ના ડેટા મુજબ બીજી ડિસેમ્બરથી પાંચમી ડિસેમ્બરના ગાળામાં કન્ઝર્વેટિવ પાર્ટીની ટકાવારી યથાવત ૪૨ ટકા રહી છે જ્યારે લેબર પાર્ટીએ ચાર પોઈન્ટનો લાભ મેળવતા તેનું સમર્થન ૩૨ ટકાથી વધી ૩૬ ટકા થયું હતું. લિબરલ ડેમોક્રેટ્સ એક પોઈન્ટના ઘટાડા સાથે ૧૧ પોઈન્ટ પર અને બ્રેક્ઝિટ પાર્ટી એક પોઈન્ટ આગળ વધી ચાર પોઈન્ટે પહોંચી છે. ગ્રીન પાર્ટી બે ટકાના સમર્થન સાથે યથાવત રહી છે.
કન્ઝર્વેટિવ પાર્ટી ૪૨ ટકા(=)
લેબર પાર્ટી ૩૬ ટકા (+૪)
લિબરલ ડેમોક્રેટ્સ ૧૧ ટકા (-૧)
બ્રેક્ઝિટ પાર્ટી ૪ ટકા (+૧)
ગ્રીન પાર્ટી ૨ ટકા (=)
ધ ટાઈમ્સ માટે દ્વારા કરાયેલા પોલમાં ટોરી પાર્ટી માટે સારા સમાચાર હતા કે ઓગસ્ટ પછી સ્કોટલેન્ડમાં પાર્ટીની ટકાવારી આઠ પોઈન્ટ વધવા સાથે ૨૮ પોઈન્ટ થઈ હતી.