• કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’
• કોરોના કટોકટીના કારણે બ્રિટિશ જેલોમાંથી ૪૦૦૦ જેટલા ઓછા જોખમી કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેમની સજાનો સમય બે મહિનાથી ઓછો રહ્યો હોય તેવા કેદીઓ વહેલા છોડાયા છે. મુક્ત કરાયેલા કેદીઓમાં છ સગર્ભાનો પણ સમાવેશ થાય છે. પ્રિઝન ગવર્નર્સ એસોસિયેશને વધુ ૧૧,૦૦૦ કેદીને વહેલા છોડવાનું મૂલ્યાંકન કરવાની માગણી કરી છે. આ બધા કેદીઓ કોઈ ટેગિંગ વિના બ્રિટિશ શેરીઓમાં ફરતા થઈ શકે છે.
• યુકેની ૪૩ જેલોમાં સોમવારની સાંજ સુધીમાં કુલ ૧૧૬ કેદીઓ કોવિડ-૧૯થી ચેપગ્રસ્ત હોવાનું પરીક્ષણોથી જણાયું છે. વાઈરસના ચેપથી મૃત્યુ પામેલા કેદીઓની સંખ્યા ૧૦ થઈ છે. ૧૨ જેલના ૧૯ કર્મચારીને પણ વાઈરસનો ચેપ લાગ્યો છે.
• ચીફ મેડિકલ ઓફિસરે સ્વીકાર્યું છે કે યુકે સરકારે જર્મની અને તેની સામૂહિક પરીક્ષણ નીતિમાંથી ઘણું શીખવાનું છે.
• એસ્ટ્રાઝેનેકા અને ગ્લેક્સોસ્મિથક્લાઈને ટેસ્ટિંગ ક્ષમતાને વધારવા કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે લેબોરેટરી ઉભી કરવા હાથ મિલાવ્યાં છે.
• ૧૦ કેર હોમ્સમાંથી લગભગ એક કેર હોમમાં કોરોના વાઈરસના કેસ જોવાં મળ્યાં છે ત્યારે લોકોને તેમના સ્નેહીજનોને રેસિડેન્સિયલ હોમ્સમાં નહિ મૂકવા અનુરોધ કરાયો છે.
• સિંગાપોરમાં ખોરાકની અછતની ચિંતા વચ્ચે ફૂડ પ્રોક્શન વધારવાની યોજનાઓ જાહેર કરી છે. પોતાની ખોરાકી જરૂરિયાતના માત્ર ૧૦ ટકાનું ઉત્પાદન કરતા આ નગર રાષ્ટ્રે કાર પાર્કિંગની છતોને શહેરી ફાર્મ્સમાં ફેરવી નાખવાની પણ જાહેરાત કરી છે.
• ઈટાલીએ કોરોના મહામારીનો ફેલાવો ઘણો વધી ગયા પછી માઈગ્રન્ટ્સ જહાજો માટે તેના પોર્ટ્સ બંધ કરી દીધાં છે. આ નિર્ણયના પરિણામે ચેરિટી માઈગ્રન્ટ બોટ્સ પણ પોર્ટ્સ પર લાંગરી શકશે નહિ.
• ગ્રીક રેફ્યુજી કેમ્પ્સમાં પણ કોરોના વાઈરસનો ચેપ ફેલાવાનું જોખમ સર્જાયું છે. ગ્રીસમાં કોરોનાનો ફેલાવો વધ્યા પછી સરકારે જાહેર કર્યું છે કે કટોકટી દરમિયાન નવી એસાઈલમ અરજીઓને તપાસવામાં આવશે નહિ. આના પરિણામે, હજારો લોકો રેફ્યુજી કેમ્પ્સમાં ફસાઈ ગયા છે.