ચેન્નાઇ : કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા શરૂ કરાવી હતી, જેમાં તમિલનાડુ સહિત ચાર રાજ્યોનું મતદાન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થઇ ગયું હતું જ્યારે બંગાળનું મતદાન હજુ પણ પૂર્ણ નથી થયું. એવામાં તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાંટકણી કાઢી છે અને કહ્યું છે કે કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવો અયોગ્ય હતો, જે પણ ચૂંટણી અધિકારીઓ હોય તેમની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. મદ્રાસ હાઇ કોર્ટે પોતાના અવલોકનમાં કહ્યું હતું કે હાલ કોરોના મહામારીની જે બીજી લહેર ચાલી રહી છે તેના માટે ચૂંટણી પંચ સંપૂર્ણપણે જવાબદાર છે અને તેની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. પાંચ રાજ્યોમાં ન માત્ર ચૂંટણી યોજવાની મંજૂરી આપી સાથે જ નેતાઓને ખુલ્લેઆમ ચૂંટણી પ્રચાર માટે ભીડ એકઠી કરી રેલીઓ કરવાની પણ છૂટ આપી હતી. જેને પગલે મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી પંચનો ઉધડો લીધો હતો. સાથે ચીમકી આપી હતી કે જો બ્લૂપ્રિન્ટ રજુ ન કરાઇ તો જે તો મતગણતરી અટકાવશું.
ચૂંટણી પંચને રોકડુ પરખાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર માટે તમે જ જવાબદાર છો અને તમારા અધિકારીઓની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઇએ. સાથે સવાલ કર્યો હતો કે કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતા નેતાઓને ચૂંટણી પ્રચાર માટે રેલીઓ કરવાની છૂટ આપી જ કેમ? કોર્ટે કહ્યું હતું કે રેલીઓ વગેરેમાં કોરોનાની ગાઇડલાઇન જેમ કે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર વગેરેનું પાલન કરવાનો આદેશ કોર્ટે આપ્યો હોવા છતા તેનું પાલન કરાવવામાં ચૂંટણી પંચ નિષ્ફળ રહ્યું હતું. હાલ જે પણ રાજ્યોમાં મતદાન થયું ત્યાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે જેને પગલે હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી.
તો લોકો ઘરમાં મરશે: દિલ્હી હાઈ કોર્ટ
દિલ્હીમાં ઓક્સીજનની અછતને મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને ફટકારતા કહ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલોમાં લોકોને સારવાર નહીં મળે તો લોકો ટપોટપ તેમનાં ઘરમાં મરી જશે. કોર્ટે કેજરીવાલ સરકારને સાંજે ૫ સુધીમાં ઓક્સિજન સપ્લાયર્સ તેમજ રિફિલર્સ સાથે મિટિંગ કરીને શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની મંગળવારે રિપોર્ટ આપવા કહ્યું હતું. કેસની સુનાવણી કરતા જસ્ટિસ વિપિન સાંઘીએ દિલ્હી સરકારની આ મુદ્દે નબળી કામગીરીની ટીકા કરી હતી તેમણે કહ્યું કે જો સ્થિતિ આવીને આવી રહેશે તો દિલ્હીનાં લોકોને તેમનાં ઘરમાં જ મરવાનો વારો આવશે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવા ફરમાન કર્યું હતું.
મોદીની રક્ષા પ્રમુખ સાથે બઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને લઇને બેઠકો શરૂ કરી છે. વડાપ્રધાનની મુલાકાત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે લીધી હતી. હાલ કોરોના મહામારી સામે લડવામાં એરફોર્સ સૈન્યની પણ મદદ લેવાઈ રહી છે. હાલ સૈન્યમાં તૈનાત મોટા ડોક્ટર્સની મદદ કોરોનાની સારવાર માટે લેવામાં આવી રહી છે જ જેની જાણકારી બિપિન રાવતે વડાપ્રધાનને આપી હતી. વિદેશથી એરફોર્સ દ્વારા ઓક્સિજન લાદવામાં આવી રહ્યો છે તે અંગે પણ વડાપ્રધાને બેઠકમાં ચર્ચા કરી હતી તેમ પીઆઈબી દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
લોકો હવે ઘરમાં પણ માસ્ક પહેરે
કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે નીતિ આયોગ અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા લોકો માટે કેટલીક ચેતવણી જારી કરવામાં આવી હતી. સોમવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન નીતિ આયોગના અધિકારી ડો. વી.કે. પોલે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવું જોઈએ. આ વાઈરસનો મ્યૂટન્ટ ગંભીર છે અને તેના ચેપની નક્કર જાણ થતી નથી. લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તે આવશ્યક છે. તેમણે કહ્યું કે, હાલમાં ઘરમાં પણ એકબીજાથી થોડું અંતર જાળવીને રહેવાની અને બેસવાની જરૂર છે. પરિવારના દરેક સભ્યો માસ્ક પહેરે અને ડિસ્ટન્સ જાળવે તથા બિનજરૂરી ઘરમાં પણ ભેગા ન થાય. હાલમાં મહેમાનોને બોલાવવાનું અને કોઈને ત્યાં મહેમાન તરીકે જવાનું ટાળવું જોઈએ તેવું સુચન પણ કરવામાં આવ્યું હતું.
વિક્રમજનક ૩.૫૨ લાખ નવા કેસ
કોરોનાએ આખા દેશને ભરડામાં લીધો છે. કોરોનાનાં કોબ્રાએ અત્યાર સુધીનાં તમામ રેકોર્ડ તોડયા છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩.૫૨ લાખથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ એક જ દિવસમાં નવા ૩,૫૨,૯૯૧ કેસ સામે આવ્યા છે. આને કારણે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧,૭૩,૧૩,૧૬૩ થઈ ગઈ છે. ૨૪ કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૮૧૨ લોકોનાં મોત થયા છે. પરિણામે કોરોનાથી થનારા મૃત્યુનો આંક સડસડાટ વધીને બે લાખ તરફ સરક્યો છે. હોસ્પિટલમાં તેમજ ઘરે સારવાર પછી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૧,૪૩,૦૪,૩૮૨ થઈ છે. સતત પાંચમાં દિવસે નવા કેસની સંખ્યા ૩ લાખને પાર કરી ગઈ છે.
દેશમાં ૨૭.૯૩ કરોડથી વધુનાં ટેસ્ટ કરાયા
આઈસીએમઆરનાં જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં ૨૭.૯૩ કરોડથી વધુ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ આંકડો ૨૭,૯૩,૨૧,૧૭૭ પર પહોંચ્યો છે. રવિવારે એક જ દિવસમાં ૧૪,૦૨,૩૬૭ લોકોનાં ટેસ્ટ કરાયા હતા.
કર્ણાટકમાં સ્થિતિ વકરતા ૧૪ દિવસનું લોકડાઉન
કર્ણાટકમાં કોરોનાનાં કેસમાં ૬ ગણો વધારો થતાં ૨૭મીને મંગળવારથી ૧૪ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રહેશે પણ રિયલ એસ્ટેટ અને ગારમેન્ટ સેક્ટર બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે.
રસીના ભાવ ઘટાડવા ભલામણ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા સીરમ ઈન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેકને પોતાની રસીની કિંમતમાં ઘટાડો કરવા અંગે ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને કંપનીઓ દ્વારા રસીના ત્રણ અલગ અલગ ભાવ રજૂ કરવામાં આવતા મોટાપાયે વિવાદ થયો હતો.