નવી દિલ્હી: ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને પગલે ચીન, જાપાન, કોરિયા અને તેની આસપાસના તમામ પ્રાંતોમાં આવેલી મલ્ટિનેશનલ કંપનીઓ, ઉદ્યોગ ગૃહોએ પોતાનું ઉત્પાદન અટકાવી દીધું છે. કેટલીક કંપનીઓએ કર્મચારીઓને આંશિક પગાર સાથે રજા પર ઉતારી દીધા છે તો અનેક કંપનીઓએ કર્મચારીઓને વગર પગારે રજા ઉપર ઉતારી દીધા છે. ખાસ તો ઓટો અને એવિયેશન સેક્ટરમાં સૌથી મોટા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
જાણકારોના મતે ઓટો, એવિયેશન, એરપોર્ટ સર્વિસ અને મોબાઈલ ઈન્ડસ્ટ્રી દ્વારા પ્લાન્ટ સહિતના યુનિટ બંધ કરાતાં વૈશ્વિક અર્થતંત્રને ફટકો પડવાનો ખતરો તોળાઇ રહ્યો છે. તો ટુરિઝમ ઉદ્યોગને અબજો ડોલરનું નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. શાંઘાઇ, વુહાન સહિતના શહેરો લોકોની અવરજવર પર પ્રતિબંધના કારણે ઘોસ્ટ સિટી બની રહ્યા છે.
બીજી તરફ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ સમગ્ર વિશ્વને કોરોના વાઇરસ સામે લડવા માટે સજ્જ થવા હાકલ કરી છે.
ઓટો કંપનીઓમાં ઉત્પાદન ઠપ્પ
દુનિયાના સૌથી મોટા ઓટોમોબાઈલ પ્લાન્ટ દ્વારા પ્રોડક્શન બંધ કરીને સ્ટાફને રજા ઉપર ઉતારી દેવાયો છે. સાઉથ કોરિયામાં આવેલા હ્યુન્ડાઈના આ પ્લાન્ટમાં સ્પેરપાર્ટ્સની અછત તેમજ રોગને ફેલાતો અટકાવવાની તકેદારીને પગલે ૨૫,૦૦૦થી વધુ કર્મચારીને રજા ઉપર ઉતારી દેવાયા છે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્લાન્ટ દ્વારા વર્ષે ૧૪ લાખ વાહનોનું ઉત્પાદન અને સપ્લાય થાય છે. હ્યુન્ડાઈનો આ પ્લાન્ટ બંધ રહેવાથી રોજના ૧૦૦ મિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યાનો અંદાજ છે. આ તો માત્ર એક જ પ્લાન્ટનો આંકડો છે, આવા તો સેંકડો નાના-મોટા એકમો શટડાઉનનો ભોગ બન્યા છે.
કિઆ મોટર્સે તેના ત્રણ પ્લાન્ટ સોમવારથી બંધ કર્યા છે. જ્યારે ફ્રાન્સની રેનો કંપની સાઉથ કોરિયાના બુસાનમાં આવેલા તેના પ્લાન્ટ બંધ કરવાની વિચારણા કરી રહી છે. ફિયાટ ક્રાઇસલરના સીઈઓ માઇક મેન્લીએ પણ કહ્યું હતું કે યુરોપમાં આવેલી અમારી ફેક્ટરીઓ પણ બંધ કરવાનો વારો આવશે. તે સિવાય નિસાન, જનરલ મોટર્સ, હોન્ડાના પણ ચીનમાં આવેલા પ્લાન્ટ જાન્યુઆરી મહિનાથી બંધ છે. વોક્સવેગનના ચીનમાં ૪૦ પ્લાન્ટ ધમધમે છે. તેમાં પણ કામ રોકવાની તૈયારીઓ છે.
બીજી તરફ એરબસ દ્વારા પણ પોતાની એરલાઈન્સના પ્રોડક્શન અને સપ્લાય બંધ કરાયા છે. હોંગકોંગ એરલાઈન્સ દ્વારા ૪૦૦ કર્મચારીઓની છટણી કરાઇ છે અને અન્ય કર્મચારીઓને પગાર વગર રજા ઉપર ઉતારી દેવાયા છે.
ટૂરિઝમ ઉદ્યોગને અબજો ડોલરનો ફટકો
કોરોના વાઇરસના ડરથી ઓટો સેક્ટરની કંપનીઓને તાળાં લાગી રહ્યાં છે તો બીજી તરફ કોરોનાની અસર ટૂરિઝમ સેક્ટર પર પણ જોવા મળી રહી છે. દુનિયાભરના પ્રવાસીઓ તેમના પ્રવાસો રદ્ કરી રહ્યા છે. ખાસ તો એશિયન દેશોમાં આવતા દુનિયાભરના પ્રવાસીઓએ તેમની મુલાકાતો કેન્સલ કરાવી છે. કેરળના ટૂરિઝમ ઉદ્યોગને પણ તેની અસર થઈ છે. કોરોનાના કારણે વિશ્વના ટૂરિઝમને અબજો ડોલરનો ફટકો પડશે. યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનના મતે ૨૦૧૯માં ટૂરિઝમમાં ૩થી ૪ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો. લગભગ ૧૫૦ કરોડ પ્રવાસીઓએ પ્રવાસો કર્યા હતા. ૨૦૨૦માં પણ ટૂરિઝમમાં ૩-૪ ટકાનો વધારો થાય એવી શક્યતા હતી. જોકે કોરોનાએ આ તક રોળી નાંખી છે.
જાપાનમાં યોજાનારા સમર ઓલિમ્પિક્સ સહિતની ઈવેન્ટ્સના કારણે આગામી મહિનાથી ટૂરિઝમને વેગ મળે એવી ધારણા હતી. ચીન-અમેરિકા વચ્ચે સંબંધો સુધર્યા હોવાથી પણ ઘણાં પ્રવાસીઓ ચીન-જાપાનની મુલાકાત લેવા ઉત્સુક હતા. જોકે કોરોનાના કેર પછી દુનિયાભરના પ્રવાસીઓએ ટિકિટો કેન્સલ કરાવવાનું શરૂ કર્યું છે. વિવિધ ૩૦ એરલાઈન્સે ચીનની સર્વીસ બંધ કરી છે. એક જ સપ્તાહમાં ૨૪,૩૨૪ ફ્લાઈટ્સ રદ્ થઈ છે. કોરોનાના કારણે માત્ર ભારતીય ટૂર ઓપરેટરોને જ આશરે ૫૦૦ મિલિયન ડોલર (આશરો ૩૫૦૦ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. જો ચેપની પરિસ્થિત આખું વર્ષ યથાવત્ રહેશે તો ટૂર ઓપરેટરોને ૨૦૦૦ મિલિયન ડોલર (આશરે ૧૪,૦૦૦ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. જીવલેણ વાઈરસના કારણે ચીન તેમજ દેશોથી આવનારા ટુરિસ્ટો ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે અને એથી ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ રહ્યું છે. એર ઇન્ડિયાએ તો ચીન અને હોંગકોંગ જતી તમામ ફ્લાઈટો જ રદ કરી નાખી છે. ભારતમાં કેરળ પ્રવાસન ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે. કેરળમાં ત્રણ કેસ નોંધાયા પછી દેશ અને દુનિયાના અસંખ્ય પ્રવાસીઓએ કેરળની આગામી ટૂર રદ્ કરી રહ્યા છે. કેરળ જવાની ફ્લાઈટ્સ અને હોટેલના બુકિંગ રદ્ થઇ રહ્યા છે. કેરળ સરકારના ટૂરિઝમ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ચોક્કસ આંકડો હજુ ઉપલબ્ધ બન્યો નથી, પરંતુ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ બુકિંગ રદ્ કરાવ્યા છે.
હવા દ્વારા પણ ચેપ ફેલાય છે
કોરોના વાઇરસ અંગે ચીનના અધિકારીઓએ કરેલા તાજા ખુલાસાએ વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોના વાઇરસ હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ફેલાઇને માનવીઓમાં ચેપ ફેલાવી રહ્યો છે. હવાના સૂક્ષ્મ રજકણો સાથે ભળી જઇને કોરોના વાઇરસ અન્ય સ્થળે સંક્રમણ કરે છે. આ પ્રોસેસને એરોસોલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. અત્યાર સુધી કોરોનાના ડાયરેક્ટ સંક્રમણ કે કોન્ટેક્ટ ટ્રાન્સમિશનની પુષ્ટિ થઈ હતી પણ હવા દ્વારા તેનાં સંક્રમણના ખુલાસાથી વિશ્વના તમામ દેશોમાં ફફડાટ ફેલાયો છે.
શાંઘાઈ સિવિલ એફેર્સ બ્યૂરોના ડેપ્યુટી હેડે કહ્યું હતું કે એરોસોલ ટ્રાન્સમિશનનો મતલબ એવો થાય કે કોરાના વાઇરસ હવામાં હાજર રહેલા સૂક્ષ્મ કણો સાથે મળીને એરોસોલ બનાવે છે. મેડિકલ નિષ્ણાતોના મતે આને કારણે વ્યક્તિને ચેપ લાગે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આથી લોકોને આનાં સંક્રમણથી સજાગ રહેવા અપીલ કરાઈ છે. ડાયરેક્ટ ટ્રાન્સમિશનમાં જેને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ છીંક ખાય અથવા તો ખાંસી ખાય ત્યારે તેની નજીક રહેલી વ્યક્તિમાં કોરોના વાઇરસ હવા દ્વારા પ્રવેશ કરે છે અને ફેલાય છે.
લોકોને ઘરોમાંથી ઘસડીને લઇ જવાય છે
કોરોના સામેના જંગને ચીનના નાયબ વડા પ્રધાન સુન ચુનલાએ પીપલ્સ વોર ગણાવી છે ત્યારે બીજી તરફ ૧.૪૦ કરોડ લોકોની વસતી ધરાવતા અને આ રોગનું એપી સેન્ટર ગણાતા વુહાન શહેરમાંથી લોકોને તેમના ઘરોમાંથી ઘસડીને બહાર કાઢવાનો એક વીડિયો વાઇરલ થયો છે.
આ વીડિયોમાં પ્રોટેક્ટિવ સૂટ અને ચહેરા ઉપર માસ્ક પહેરેલા લોકો એક ઘરમાંથી ત્રણ જણને ઘસડીને લઈ જતા નજરે પડે છે. વીડિયોમાં નજરે પડે છે કે માસ્ક પહેરેલા લોકો એક ઘરમાંથી પહેલાં ચશ્માવાળા અને મોં પર માસ્ક પહેરેલા વ્યક્તિને લઈ જાય છે, એના પછી માસ્ક ન પહેર્યું હોય એવી મહિલાને લઈ જાય છે અને તેઓ કોઈ વિરોધ કરતા નથી.
જોકે તેઓ ઘરમાંથી બહાર જવા રાજી દેખાતા નથી. પણ જ્યારે ત્રીજા વ્યક્તિને લઈ જવામાં આવે છે ત્યારે એ જોરદાર પ્રતિકાર કરે છે. તે આ લોકોની સાથે બહાર આવવા માગતો નથી. આશરે દોઢ મિનિટની મથામણ બાદ ચાર જણ તેને જ્યારે ઘરની બહાર ઘસડીને લઈ આવ છે ત્યારે તેણે શર્ટ પણ કાઢી નાખ્યું હોય છે. વીડિયોમાં માસ્ક વિના દેખાયેલી મહિલાની ધરપકડ કરાઈ છે.
ભારતીય પ્રોફેસરના નેતૃત્વમાં કોરોના વાઈરસ ઉપર પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ
ઓસ્ટ્રેલિયામાં આ ચેપ સામે રસી બનાવવામાં ભારતીય મૂળના એક ડોક્ટરના નેતૃત્વમાં નિષ્ણાતોએ રિસર્ચ શરૂ કરી દીધું છે. આ લેબોરેટરીમાં કોરોના વાઈરસ ઉપર પ્રયોગો શરૂ કરી દેવાયા છે. પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ ૧૬ અઠવાડિયામાં પૂરા થાય એવી શક્યતા છે. આ પછી કોરોના વાઈરસના દર્દીઓ માટે રસી તૈયાર થવાની શક્યતા છે. ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO)ની હાઈ સિક્યુરિટી લેબોરેટરીમાં ભારતીય મૂળના રિસર્ચર સહિતની એક ટીમે ચીનની બહાર નોવેલ કોરોના વાઈરસને તૈયાર કરવામાં સફળતા મેળવી છે અને હવે એના ઉપર પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ શરૂ કરાશે.