કોરોના વેક્સિન વિકસાવતી કંપનીઓને સરકારનો સંપૂર્ણ સહયોગઃ વડા પ્રધાન

Wednesday 02nd December 2020 05:56 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં તૈયાર થઇ રહેલી કોરોનાની ૩ અગ્રણી વેક્સિનની પ્રગતિની સમીક્ષા કરી હતી.
આ માટે વડા પ્રધાન મોદી શનિવારે અમદાવાદમાં ઝાયડસ કેડિલા, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે પહોંચ્યા હતા. વડા પ્રધાન શનિવારે સવારે ૧૦ કલાકે સૌથી પહેલા અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાના બાયોટેક પાર્ક ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પીપીઇ કિટમાં સજ્જ થઇને કંપની દ્વારા તૈયાર થઇ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગેની જાણકારી મેળવી વૈજ્ઞાનિકો સાથે સમીક્ષા કરી હતી.
ઝાયડસ બાયોટેકની મુલાકાત બાદ મોદીએ જણાવ્યું હતું કે, ‘મેં વેક્સિન તૈયાર કરી રહેલી આખી ટીમને શુભેચ્છા પાઠવી છે. ભારત સરકાર કોરોનાની રસી વિકસાવી રહેલી કંપનીઓને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. વેક્સિન ન કેવળ સારા આરોગ્ય માટે પરંતુ વૈશ્વિક સુખાકારી માટે મહત્વની છે.’
વડા પ્રધાન મોદી અમદાવાદથી હવાઇ માર્ગે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે આઇસીએમઆરના સહયોગમાં ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોવેક્સિન રસી અંગે વૈજ્ઞાનિકો પાસેથી જાણકારી મેળવી હતી.
વડા પ્રધાન મોદીની વેક્સિન ટૂરનું છેલ્લુ સ્થળ પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા રહ્યું હતું. સીરમ ઇન્સ્ટિટયૂટ ખાતે બ્રિટનની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિર્વિસટી દ્વારા વિકસિત કોવિશિલ્ડ વેક્સિનની તૈયારીઓની વડા પ્રધાન મોદીએ સમીક્ષા કરી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે, સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની ટીમ સાથે મારે સારી વાતચીત થઇ છે.
વેક્સિન વૈશ્વિક સુખાકારી માટે મહત્ત્વની: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાંગોદર ખાતેની ઝાયડસ કેડિલાના બાયોટેક પ્લાન્ટની શનિવારે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ અને એમડી ર્શિવલ પંકજ પટેલે વડા પ્રધાનને કોરોના વેક્સિનના પ્રોગ્રેસ વિષે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત, વડા પ્રધાને સાયન્ટિફિક રિસર્ચ ફેસિલિટીનું રસપૂર્વક નિરીક્ષણ કરી વિજ્ઞાનીઓ સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતથી દેશના ખૂણે ખૂણે કોરોનાની
રસી પહોંચાડવાની યોજના
અહેવાલો પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોરોનાની રસીના વિતરણ માટે જરૂરી સ્પેશિયલ રેફ્રિજરેટેડ પ્લાન્ટની સ્થાપના કરવાની લક્ઝમબર્ગના વડા પ્રધાન ઝેવિયર બિટલની ઓફર સ્વીકારી છે. દિલ્હી અને અમદાવાદના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના દરેક ગામ અને ખૂણેખૂણા સુધી કોરોનાની રસી પહોંચાડવા માટે ગુજરાતમાં સ્પેશિયલાઇઝડ રેફ્રિજરેટેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટની સ્થાપના કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોલર વેક્સિન રેફ્રેજરેટર્સ, ફ્રીઝર્સ અને ટ્રાન્સપોર્ટ બોક્સિસ સહિતની વેક્સિન કોલ્ડ ચેઇન ઊભી કરવા માટે આગામી સપ્તાહમાં લક્ઝમબર્ગની બી મેડિકલ સિસ્ટમ્સની એક ઉચ્ચ સ્તરીય ટીમ ગુજરાત આવી પહોંચશે. સંપૂર્ણ પ્લાન્ટ ઊભો કરવામાં લગબગ બે વર્ષનો સમય લાગી શકે છે તેથી કંપનીએ હાલ લક્ઝમબર્ગથી રેફ્રિજરેશન બોક્સ આયાત કરવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter