લંડનઃ સમગ્ર વિશ્વમાં જીવલેણ કોરોના વાઈરસ ‘COVID-19’નો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ૪,૨૯૯ મૃત્યુઆંક સાથે ૧૧૮,૨૦૦ જેટલા લોકોને તેનો ચેપ લાગ્યો છે. કોરોના વાઈરસવિરોધી રસી ના માનવી પરના પરીક્ષણો એપ્રિલ મહિનાથી શરૂ કરાય તેવી શક્યતા છે. ઈમ્પિરિયલ કોલેજ લંડન તેમજ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપનીઓ-મોડેર્ના અને ઈનોવિઓ દ્વારા આ જાહેરાત કરાઈ છે. ચીનના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઈરસની જનીનિક માહિતી જાન્યુઆરીમાં અપાઈ તે પછી વિવિધ સંશોધન સંસ્થાઓએ રસી વિકસાવી ફેબ્રુઆરીની મધ્યમાં પ્રાણીઓ પરના પરીક્ષણો આરંભ્યા હતા. રસી ઉપયોગમાં લઈ શકાય તે પહેલાનો તબક્કો માનવીય પરીક્ષણો છે. જો માનવ પરીક્ષણો સફળ થાય તો ચેપનું જોખમ ધરાવતા લોકો પર તેનો ઉપયોગ કરી શકાશે અને આગામી વર્ષથી બજારમાં મળવા લાગશે.
કોરોના વાઈરસથી ‘COVID-19’ રોગ થાય છે જેને અત્યારે કાબુમાં લઈ શકાતો નથી કે અટકાવી શકાતો નથી. લોકોને અલગ રાખવા પડે છે અને તેમના શરીર તબીબી સહાય સાથે બીમારીનો સામનો કરી શકે તેની રાહ જોવી પડે છે. વેક્સીન બીમારીને આગળ વધતા અટકાવી શકે. જોકે, નિષ્ણાતો કહે છે કે શરદી અને ફ્લુની માફક ‘COVID-19’ પણ માનવ સમાજમાં કાયમી સ્થાન ધરાવી શકે છે.
ઈમ્પિરિયલ કોલેજના વિજ્ઞાની પ્રોફેસર રોબિન શાટોકે જણાવ્યું છે કે ‘તેમની ટીમ અને અન્યો અત્યાર સુધી કદી શક્ય ન બની હોય તેવી ઝડપે રસી વિકસાવી રહેલ છે. સામાન્યપણે રસીને શોધવાના તબક્કામાં જ પાંચ વર્ષ લાગે છે અને તેના ઉત્પાદન અને ક્લિનિકલ ટ્રાયલમાં બે વર્ષ લાગી જાય છે.’ અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની ઈનોવિઓએ જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં તેની પાસેથી વેક્સિનના ૧૦ લાખ ડોઝ મળી શકશે જ્યારે મોડર્નાએ કહ્યું છે કે રસીના ઝડપી વિકાસના લક્ષ્ય સાથે તેઓ એપ્રિલ મહિનાથી માનવ પરીક્ષણો શરૂ કરશે.