નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની જુદા જુદા કાર્યક્રમો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધન કરીને ‘યોગ સે સહયોગ તક’ એવો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આખું વિશ્વ આજે કોરોનાની મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે કોરોના સામે લડવામાં આપણા સૌ માટે યોગ આશાનું કિરણ બન્યું છે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી વિશ્વનાં દેશોમાં યોગ માટેનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. આ વખતની થીમ ‘યોગા ફોર વેલનેસ’ છે જેણે લોકોમાં યોગ માટેનો લગાવ વધાર્યો છે. આપણા ઋષિ મુનિઓએ સંયમને યોગનો માપદંડ બનાવ્યો હતો. યોગ આપણા માટે સુરક્ષા કવચનું કામ કરે છે. મોદીએ આ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ની સાથે મળીને M-Yoga એપ લોન્ચ કરી હતી અને ‘વન વર્લ્ડ વન હેલ્થ’નું સૂત્ર આપ્યું હતું.
મોદીએ યોગ દિવસ પર પ્રાર્થના કરી હતી કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને એકબીજાની સાથે મળીને એકબીજાની તાકાત બને.
યોગ આત્મબળ વધારવાનું મોટું માધ્યમ
વડા પ્રધાન મોદીએ કહ્યું કે કોરોના વચ્ચે યોગ લોકોમાં આત્મબળ વધારવાનું મોટું માધ્યમ બન્યું છે. સંયમ અને અનુશાસન યોગનો પહેલો પર્યાય છે. કોરોનાનો અદૃશ્ય વાઇરસ જ્યારે વિશ્વમાં આવ્યો ત્યારે કોઈ દેશ માનસિક રીતે તેનો સામનો કરવા તૈયાર ન હતો. આવા સમયે યોગ લોકોમાં આત્મબળનું માધ્યમ બન્યો હતો. લોકોને વિશ્વાસ આવ્યો હતો કે યોગ દ્વારા આપણે કોરોનાને હરાવી શકીશું.
યોગ પર વિશ્વમાં વૈજ્ઞાનિક સંશોધન
મોદીએ કહ્યું કે યોગ પર આખા વિશ્વમાં વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. અનુલોમ – વિલોમથી શ્વસન તંત્રને કેટલી તાકાત મળે છે તે દુનિયાના નિષ્ણાતો બતાવી રહ્યા છે. મેડિકલ સાયન્સ સારવાર સાથે હીલિંગ પ્રોસેસ પણ અપનાવી રહ્યું છે. યોગથી ઇમ્યૂનિટી પર કેટલો સાનુકૂળ પ્રભાવ પડે છે તેનું રિસર્ચ કરાઈ રહ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સારું આરોગ્ય એ સફળતાની ચાવી છે.
બાળકોને યોગનું શિક્ષણ
વડા પ્રધાને કહ્યું હતું કે બાળકોને ઓનલાઇન શિક્ષણમાં યોગનો અભ્યાસ કરાવાઈ રહ્યો છે. કોરોના સામેની લડાઈમાં તેમને યોગ દ્વારા તૈયાર કરાઈ રહ્યા છે. સારું આરોગ્ય સફળતાનું માધ્યમ છે. યોગ દ્વારા શારીરિક તેમજ માનસિક સજ્જતા કેળવાય છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ સુધી લઈ જાય છે. નેગેટિવિટીથી ક્રિએટિવિટી સુધી લઈ જાય છે. શોકથી ઉંમગ અને આનંદ સુધી લઈ જાય છે. પ્રમાદને છોડીને પ્રસાદ સુધી લઈ જાય છે.
આ વર્ષે થીમ યોગ ફોર વેલ-બિઈંગ
૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું જીવંત પ્રસારણ યુનાઇટેડ નેશન્સની વેબ ટીવી પર કરાયું હતું. ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.
દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ.
કોરોના મહામારી અને યોગ
યોગ કરવાથી માત્ર વ્યક્તિની શારીરિક જ નહીં પરંતુ માનસિક ક્ષમતા પણ વધતી હોવાનું મનાય છે. યુનાઇટેડ નેશન્સે કહ્યું છે, ‘કોરોના મહામારી દરમિયાન સ્વસ્થ રહેવા, એકલવાયા જીવનથી બચવા અને મુશ્કેલીઓ સામે લડવા વધુને વધુ લોકો યોગ અપનાવી રહ્યા છે અને આવું સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું છે.’
‘કોરોના પોઝિટિવ લોકોને સાજા કરવામાં યોગ મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે. યોગના કારણે તેમની અંદર ભય અને ચિંતામાં પણ ઘટાડો થયો છે.’
આંતરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યુનાઇટેડ નેશન્સની બેઠકમાં સૌથી પહેલા ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઊજવવાની દરખાસ્ત મૂકી હતી. પોતાના સંબોધનમાં વડા પ્રધાને યોગને ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ ગણાવી હતી.
વડા પ્રધાનની દરખાસ્તનું ૧૭૫ દેશોએ સમર્થન કર્યું હતું. યુનાઇટેડ નેશન્સમાં કોઈ દરખાસ્તને આટલા દેશોનું સમર્થન મળ્યું હોય એવી આ પ્રથમ ઘટના હતી.
આટલા મોટા પ્રમાણમાં સમર્થન મળતાં ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રે જાહેરાત કરી હતી કે દર વર્ષે ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવશે.
ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
૨૧ જૂન ૨૦૧૫ના રોજ દિલ્હીના રાજપથ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાનદાર કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જુદા-જુદા દેશના રાજકીય પ્રતિનિધિઓ સહિત ૩૬ હજાર લોકોએ ૩૫ મિનિટ સુધી વિવિધ આસનો કર્યાં હતાં.
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસની થીમ હતી 'સદ્ભાવ અને શાંતિ માટે યોગ'.
બીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી ૨૧ જૂન ૨૦૧૬ના રોજ ચંડીગઢ ખાતે કરવામાં આવી હતી. વડા પ્રધાન સહિત ૩૦ હજાર લોકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ૧૫૦ દિવ્યાંગોએ પણ ભાગ લીધો હતો. થીમ હતી 'યુવાઓને યોગ સાથે જોડવા'.
૨૧ જૂન ૨૦૧૭માં લખનૌમાં ૫૧ હજાર લોકો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરી હતી. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ હતી 'આરોગ્ય માટે યોગ'.
૨૧ જૂન ૨૦૧૮ના રોજ દહેરાદુનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન સાથે ૫૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. આ યોગ દિવસની થીમ હતી 'શાંતિ માટે યોગ.'
પાંચમા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી રાંચીમાં કરવામાં આવી હતી અને થીમ હતી 'પર્યાવરણ સાથે યોગ.'
કોરોના મહામારી દરમિયાન ૨૧ જૂન, ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી, તેની થીમ હતી 'ઘરમાં યોગ, પરિવાર સાથે યોગ.'