લંડનઃ વર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં NHSની ૧૦માંથી ૯ નર્સ સામાન્યની સરખામણીએ વધુ તણાવયુક્ત અને ચિંતાતુર હોવાનું નર્સિંગ ટાઈમ્સના અભ્યાસમાં બહાર આવ્યું છે. આ સર્વેમાં NHSની નર્સીસને તેમના માનસિક આરોગ્ય અને સમગ્રતયા સ્વાસ્થ્યની હાલત વિશે જણાવવા કહેવાયું હતું. ૯૦ ટકા નર્સીસે કોરોના વાઈરસના કારણે તેમના તણાવ અને ચિંતાતુરતા વધી ગયાનો પ્રતિભાવ આપ્યો હતો. ૩,૫૦૦ નર્સીસમાંથી ત્રીજા ભાગનાએ તેમના માનસિક આરોગ્યને ‘ખરાબ’ અથવા ‘ઘણા ખરાબ’ તરીકે ગણાવ્યું હતું. તેમની સૌથી મોટી ચિંતાનો વિષય PPE અને કોરોનાનો ચેપ લાગી જવા સંદર્ભે હતો. નર્સિંગ ટાઈમ્સ દ્વારા નર્સીસ પર કોરોના વાઈરસની માનસિક આરોગ્ય અસર વિશે જાગૃતિ કેળવવા ‘કોવિડ-૧૯: આર યુ ઓકે’ અભિયાન શરુ કરાયું છે
યુકેમાં કોરોના મહામારીના જંગમાં સામેલ NHSની ૯૦ ટકા નર્સ માનસિક અસ્વસ્થતા અનુભવતી હોવાનું નર્સિંગ ટાઈમ્સના અભ્યાસમાં બહાર આવ્યું છે. ૩,૫૦૦ નર્સીસના અભ્યાસમાં ૧૦માંથી ૯ ટકાએ જણાવ્યું હતું કે પરિવારજનોની ગેરહાજરીમાં કોવિડ-૧૯થી મોતને ભેટતા પેશન્ટ્સની હાલત જોઈને તેમનાં હૃદય પણ ભાંગી પડે છે. આના પરિણામે, તેમના મન પર ઘેરી અસર પડતી હોવાનું પણ નર્સીસે સ્વીકાર્યું હતું. મોટા ભાગના કોરોના વોરિયર્સે ફ્રન્ટલાઈન કામગીરીમાં તેઓને જીવલેણ ચેપ લાગી જવાનો તેમજ પોતાના પરિવારજનોમાં ફેલાવાનો સતત ભય હોવાનું જણાવ્યું હતું. નર્સીસ, ડોક્ટર્સ અને અન્ય હેલ્થ વર્કર્સને પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની તંગીનો ભય પણ સતાવે છે. સરકાર પૂરતા પ્રમાણમાં પૂરવઠો આપવામાં નિષ્ફળ જવાથી હેલ્થ વર્કર્સ અસલામતી અનુભવે છે.
નર્સિંગ ટાઈમ્સના અભ્યાસમાં ૮૭ ટકા નર્સીસે અગાઉ કરતાં વર્તમાનમાં કામના સ્થળે વધુ તણાવ રહેતો હોવાનું કહ્યું છે જ્યારે ૯૦ ટકાએ રોગચાળા પછી તેમની ચિંતા ઘણી વધી હોવાનું કહ્યું છે. સ્ટાફની અછતના કારણે સતત કામમાં રહેવાથી તેઓ ભોજન પણ સરખી રીતે લઈ શકતા નથી. ૩૫ ટકા નર્સે તણાવ હળવો કરવા વધુ શરાબપાન કરતા હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, ૩૦ ટકાએ તેઓ આલ્કોહોલ ન લેતાં હોવાનું અને ૧૦ ટકાએ ઓછું શરાબપાન કરતા હોવાનું કહ્યું હતું.
હેલ્થ અને સોશિયલ કેર સ્ટાફને માનસિક આરોગ્ય અને સમગ્રતયા સ્વાસ્થ્યની હાલત વિશે રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે મળતાં સપોર્ટ સંદર્ભે રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે ૫૪ ટકાએ સપોર્ટ અપૂરતો, ૨૦ ટકાએ પૂરતો અને ૧૧ ટકાએ સંતોષકારક ગણાવ્યો હતો અને સ્થાનિક સ્તરે ૫૦ ટકાએ સપોર્ટ અપૂરતો, ૨૨ ટકાએ પૂરતો અને ૧૩ ટકાએ સંતોષકારક ગણાવ્યો હતો.