લંડનઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના વાઇરસ મહામારીને પગલે આવનારા કેટલાક દિવસોમાં મૃત્યઆંક ગત સપ્તાહોની સરખામણીમાં બમણો થશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પ્રતિદિન એક મિલિયન સુધી પહોંચશે તેમ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ઘેબ્રેસસ દ્વારા જણાવાયું હતું.
તાજેતરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગત સપ્તાહે વૈશ્વિક જાનહાનિનો દર બમણો થયો છે. આપણે કોવિડ-૧૯ મહામારીના ચોથા મહિનામાં પ્રવેશ્યા છીએ. આ સંક્રમણ વૈશ્વિકસ્તરે ખૂબ ઝડપથી પ્રસરી રહ્યું છે તે એક ગંભીર બાબત છે.
ડાયરેક્ટર જનરલ ટેડરોસે ઉમેર્યું હતું કે છેલ્લાં પાંચ અઠવાડિયા દરમ્યાન આપણે જોયું કે આ રોગના દર્દીઓની સંખ્યામાં લગભગ દરેક દેશમાં એકાએક વધારો થયો છે. ગયા અઠવાડિયે તો મૃત્યુઆંક પણ બમણો થયો છે. આવનારા દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દસ લાખ કરતાં વધશે અને ૫૦૦૦૦ કરતાં વધુનું મૃત્યુ થઇ શકે તેમ છે.
બુધવાર સુધી વિશ્વસ્તરે ૮૬૦૦૦૦ લોકો કોવિડ-૧૯ના પોઝિટિવ લક્ષણ ધરાવતા હતા અને ૪૨,૦૦૦ના મોત થયાં હતાં તેમ આ બાબતે ધ્યાન રાખનાર જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જણાવાયું હતું. બુધવારે સ્પેનમાં માત્ર એક જ દિવસમાં ૮૬૪ લોકોનાં મોત થયાં હતાં અને એક લાખ કરતાં વધુ લોકોને સંક્રમણ થયું હતું.