નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની આ ભયંકર સ્થિતિ છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર તેની કોઈ અસર જોવા મળતી નથી. લોકડાઉન દરમિયાન પણ આ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સરકારે આ પ્રોજેક્ટને આવશ્યક સેવાઓની સૂચિમાં સામેલ કર્યો છે, જેથી નિર્માણકાર્ય સમયસર પૂર્ણ થઈ શકે. આ બધાના પરિણામે નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ પર ટ્વિટરથી માંડીને સુપ્રીમ કોર્ટ ચર્ચા ચાલી રહી છે.
સેન્ટ્રલ વિસ્ટામાં નવા પીએમ આવાસ ઉપરાંત સંસદનાં નવા બિલ્ડિંગ સહિત સરકારી ઓફિસોને સેન્ટ્રલાઇઝ કરવાની યોજના છે. આવતા વર્ષે ડિસેમ્બરમાં મળનારું સંસદનું શિયાળુ સત્ર સંસદનાં નવા બિલ્ડિંગમાં મળશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. સ્વતંત્રતાનાં ૭૫મા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આવતા વર્ષની પ્રજાસત્તાક દિનની પરેડ પણ નવા આધુનિક સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂમાં યોજવામાં આવશે. સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ તેમજ કોરોનાનાં બજેટમાં ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી.
પ્રોજેક્ટને કોર્ટમાં પડકાર
જોકે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની કામગીરી અટકાવવા માટે સોહેલ હાશ્મી અને અન્યા મલ્હોત્રા દ્વારા દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી પૂર્વે જ કેન્દ્ર સરકારે કોર્ટમાં એક અરજી કરીને અરજદારોની રજૂઆત પાયાવિહોણી હોવાનો સોગંદનામું રજૂ કર્યું હતું. સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટને અવરોધવાનો એક રસ્તો છે. અરજદારોએ અરજીમાં માગ કરી છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કારણ કે દિલ્હીમાં લોકડાઉન છે. આ મજૂરોને રોજિંદા કામ માટે દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી અહીં લાવવામાં આવી રહ્યા છે. આનાથી વિસ્તારમાં કોરોના ફેલાવવાનું જોખમ છે.
બીજી તરફ, કેન્દ્રે સોગંદનામામાં કહ્યું છે કે મજૂરોને અહીં લાવવા-લઈ જવાનો આરોપ પાયાવિહોણો છે. ૧૯ એપ્રિલ પહેલાં આ પ્રોજેક્ટ પર ૪૦૦ મજૂર કામ રહી રહ્યા હતા, પરંતુ અત્યારે ૨૫૦ મજૂર જ અહીં કામ કરે છે અને તેઓ અહીં જ રહે છે. તમામ મજૂરોના કોરોના ટેસ્ટ પણ થયા છે અને તેમને મેડિકલ સુવિધાઓ પણ મળી રહી છે. કામ દરમિયાન મજૂરો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરી રહ્યા છે. તમામ મજૂરોના હેલ્થ ઈન્શ્યોરન્સ પણ કરવામાં આવ્યા છે.
આ મામલે પર્યાવરણ, ભૂમિ ઉપયોગ જેવા ઘણા મુદ્દાઓ પર અલગ અલગ અરજી કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને એક બેચમાં ઉમેરીને સુનાવણી કરી હતી. ત્રણ જજોની બેન્ચે બે વિરુદ્ધ એકથી નિર્ણય સંભળાવ્યો અને જાન્યુઆરી ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે પણ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય શરૂ કરવાની અનુમતિ આપી હતી.
લો એક્સપર્ટ વિરાગ ગુપ્તાના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટમાં જે અરજીઓ પર સુનાવણી થઈ હતી એ પર્યાવરણ અને ભૂમિ ઉપયોગ સંબંધિત હતી. ત્રણ જજોની બેન્ચે બે વિરુદ્ધ એકથી નિર્ણય આપતાં પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ અસંમતિ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પ્રોજેક્ટ ક્લિયરન્સ દરમિયાન લોકસુનાવણીની જરૂરી કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન થયું નહોતું. હાલ જે અરજી કરવામાં આવી છે એ ડીડીએમએ (દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના ૧૯ એપ્રિલના એક ઓર્ડરના આધારે કરવામાં આવી છે. આ ઓર્ડરમાં લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવાયો હતો. અરજદારે આ જ આધારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના બાંધકામ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ શું છે?
આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટ સુધીનાં ઘણાં બિલ્ડિંગનું રિડેવલપમેન્ટ અને રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું છે. એમાં એક નવું સંસદ ભવન હશે, જેમાં લોકસભા અને રાજ્યસભા માટે એક-એક બિલ્ડિંગ હશે. મંત્રાલયનાં કાર્યાલયો માટે કેન્દ્રીય સચિવાલય, પ્રધાનમંત્રી આવાસ, ઉપ-રાષ્ટ્રપતિ આવાસનું નિર્માણ સામેલ છે. હાલ જે સંસદભવન છે એની સામે એક નવું સંસદભવન બનાવવામાં આવશે. આશરે ૧૫ એકરમાં વડા પ્રધાનના નવા આવાસનું નિર્માણ થશે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ઘોષણા સપ્ટેમ્બર ૨૦૧૯માં થઇ હતી. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ વડા પ્રધાને પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. સરકારે આખા પ્રોજેક્ટ માટે ૨૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું છે. સેન્ટ્રલ વિસ્ટાનું કામ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં, નવા સંસદભવનનું કામ માર્ચ ૨૦૨૨ સુધીમાં અને કેન્દ્રીય સચિવાલયનું કામ માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂરું કરવાની ડેડલાઈન નક્કી કરાઇ છે.
સેન્ટ્રલ વિસ્ટા રાજપથના બંને તરફના વિસ્તારને કહેવાય છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિભવન, સંસદ, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક, ઉપરાષ્ટ્રપતિ આવાસ આવે છે. આ ઉપરાંત નેશનલ મ્યુઝિયમ, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, ઉદ્યોગભવન, બિકાનેર હાઉસ, હૈદરાબાદ હાઉસ, નિર્માણ ભવન અને જવાહર ભવન પણ સેન્ટ્રલ વિસ્ટાનો જ એક ભાગ છે.
શા માટે નવા ભવનનું નિર્માણ?
કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ વિસ્તારમાં જે જૂનાં બિલ્ડિંગ છે એ બધાંની ડિઝાઈન વર્ષોજૂની છે. બદલાતી જરૂરિયાતો પ્રમાણે બિલ્ડિંગમાં હવે પર્યાપ્ત જગ્યા અને સુવિધાઓ નથી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના વિરોધ દરમિયાન કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન હરદીપ પુરી ઘણી વાર ચોખવટ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલના બિલ્ડિંગ ૯૩ વર્ષ જૂનાં છે અને એનું નિર્માણ ભારત સરકારે કર્યું નહોતું. નવાં બિલ્ડિંગ બનશે એ ભારતની આકાંક્ષાઓ દેખાડશે. હરદીપસિંહ પુરીએ પ્રોજેક્ટનો બચાવ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ આ પ્રોજેક્ટ માટે ખોટો પ્રચાર કરી રહી છે. સરકારે આ પ્રોજેક્ટ ખર્ચ કરતા બમણી રકમ વેક્સિનેશન માટે ફાળવી છે. આ વર્ષે બજેટમાં રૂ. ૩ લાખ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે. અમે અમારી પ્રાયોરિટી જાણીએ છીએ તેમ પુરીએ કહ્યું હતું.
સરકારનો એક તર્ક એવો પણ છે કે ૨૦૨૬માં લોકસભા બેઠકોની પરમિશન પછી સાંસદોની સંખ્યા બધી શકે છે. એના માટે વધારે જગ્યાની જરૂર પડશે. હાલ જે સંસદભવન છે એમાં અત્યારના સાંસદોને બેસવાની પણ જગ્યા છે, આથી ભવિષ્યની જરૂરિયાતોને જોઈને નવા સંસદભવનનું નિર્માણ જરૂરી છે.
વિપક્ષના નિશાને પ્રોજેક્ટ કેમ?
પ્રોજેક્ટની જાહેરાત બાદ તમામ વિપક્ષી દળો એના વિરોધમાં છે. રાહુલ ગાંધી સહિત તમામ મોટા નેતા સરકારને રહ્યા હતા. લોકડાઉન દરમિયાન પણ બાંધકામ ચાલુ રાખવા માટે સરકારની આલોચના કરી હતી. સરકારે આ પ્રોજેક્ટને આવશ્યક સેવાઓના લિસ્ટમાં સામેલ કર્યો છે, તેથી લોકડાઉન દરમિયાન પણ કામમાં અવરોધ ન આવે. ત્યાર બાદ વિરોધના સૂર ઘેરા બનતા ગયા. નેતાઓનું કહેવું છે કે હાલની પરિસ્થિતિને જોતાં આ બિનજરૂરી ખર્ચ છે. આ પ્રોજેક્ટને બદલે સ્વાસ્થ્ય સુવિધાઓ પર ખર્ચો કરવો જોઈએ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેન્ટ્રલ વિસ્ટાને ક્રિમિનલ વેસ્ટ કહ્યું છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે લોકોનાં જીવનને કેન્દ્રમાં રાખો, નવાં ઘરો માટે પોતાની જીદને નહિ. વિપક્ષ આ મુદ્દે સરકારને સતત ઘેરતું આવ્યું છે. છત્તીસગઢમાં નવી વિધાનસભા, રાજ્યપાલ ભવન અને સીએમ નિવાસનું નિર્માણ કામ ચાલુ છે. હાલમાં જ છત્તીસગઢમાં મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભૂપેશ સરકારના આ નિર્ણયને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સરકારનું પ્રેશર વધારવાના પ્રયત્નો તરીકે જોઈ શકાય છે.