કોરોનાના કારણે ભારતના ૮૪ ટકા પરિવારની વાર્ષિક આવકમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારીમાં ભારતમાં અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધુ વિકરાળ બની

Wednesday 19th January 2022 05:43 EST
 
 

ડિસેમ્બર ૨૦૧૯થી વિશ્વને ખળભળાવી રહેલી કોરોનાની મહામારીએ દુનિયામાં અમીર અને ગરીબની ખીણને વધુ વિકરાળ બનાવી છે. મહામારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે તો અમીરોની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે. ઓક્સફામના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૧માં ભારતમાં ૮૪ ટકા પરિવારની આવકમાં ઘટાડો નોંધાયો છે ત્યારે એ જ સમયગાળામાં ભારતીય અબજોપતિઓની સંખ્યા ૧૦૨થી વધીને ૧૪૨ ઉપર પહોંચી ગઇ છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દાવોસ ખાતે મળનારી બેઠક પહેલાં ઓક્સફામ દ્વારા જારી કરાયેલા રિપોર્ટ ઇનઇક્વાલિટી કિલ્સમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીએ ભારતને નુકસાન પહોંચાડવાનું જારી રાખ્યું છે. ભારતમાં ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની આવક ઘટી છે પરંતુ ટોચના ૧૦૦ અબજોપતિઓની સંપત્તિ માર્ચ ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ના સમયગાળામાં ૨૩.૧૪ લાખ કરોડ રૂપિયાથી વધીને ૫૩.૧૬ લાખ કરોડ રૂપિયાની ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગઇ છે. આજ સમયગાળામાં દેશની ૫૦ ટકા વસતીનો રાષ્ટ્રીય સંપત્તિમાં હિસ્સો ફક્ત ૬ ટકા જ રહ્યો હતો. ૨૦૨૦માં ૪.૬ કરોડ કરતા વધુ ભારતીયો દારૂણ ગરીબીમાં ધકેલાઇ ગયાં હતાં જે સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર વિશ્વમાં નવા બનેલા ગરીબોમાં 50 ટકા જેટલાં છે.
ગરીબ ભારતીયોને સરકારે પણ માર્યો ફટકો
• આરોગ્ય બજેટની ફાળવણીમાં ઘટાડો – ૧૦ ટકા • શિક્ષણ બજેટની ફાળવણીમાં ઘટાડો –૦૬ ટકા • સામાજિક સુરક્ષા યોજનાઓની ફાળવણીમાં ઘટાડો – ૧.૫ ટકા
ભારતમાં ફ્રાન્સ, સ્વીડન અને સ્વિત્ઝર્લેન્ડના કુલ અબજોપતિઓ કરતાં પણ વધુ અમીરો
ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો દેશ છે. ભારતમાં ફ્રાન્સ, સ્વીડન અને સ્વિત્ઝર્લેન્ડના કુલ અબજોપતિઓ કરતાં પણ વધુ અબજોપતિઓ છે. વર્ષ ૨૦૨૧માં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં ૩૯ ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૧૫ ટકા પર પહોંચ્યો છે અને આરોગ્ય સેવાઓ ભાંગી પડવાના આરે છે ત્યારે જ અબજોપતિઓની સંખ્યામાં આટલો વધારો થયો છે.
૧૦૦ અમીર પરિવારોમાં સૌથી વધુ અદાણીની સંપત્તિમાં વધારો
ભારતના ૧૦૦ અમીર પરિવારોમાં સૌથી વધુ અદાણી પરિવારની સંપત્તિમાં વધારો નોંધાયો છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં ૮ ગણો વધારો થયો છે. ૨૦૨૦માં અદાણીની સંપત્તિ ૮.૯ બિલિયન ડોલર વધી હતી જે ૨૦૨૧માં ૫૦.૫ બિલિયન ડોલરને આંબી ગઇ છે. ફોર્બ્સના ડેટા અનુસાર ૨૪ નવેમ્બર 2021ના રોજ અદાણીની કુલ સંપત્તિ ૮૨.૨ બિલિયન ડોલર હતી. ભારતમાં કોરોના મહામારીનો ઘાતકી સેકન્ડ વેવ ચાલી રહ્યો હતો ત્યારે જ અદાણીની સંપત્તિમાં પ્રચંડ વધારો થયો હતો. મુકેશ અંબાણીની સંપત્તિ ૨૦૨૦માં ૩૬.૮ બિલિયન ડોલર વધી હતી જે ૨૦૨૧માં બમણી થઇને ૮૫.૫ બિલિયન ડોલર વધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter