નવી દિલ્હીઃ ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા ૨,૮૧,૩૮૬ કેસ નોંધાયા છે જેની સામે એક દિવસમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ૩,૭૮,૭૪૧ થઈ છે. આમ નવા કેસની સંખ્યા કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લે ૨૨ એપ્રિલે એક જ દિવસમાં નવા ૩ લાખથી વધુ કેસ નોંધાયા હતા. જોકે મૃત્યુનો આંકડો ચિંતાજનક રહ્યો છે. ૨૪ કલાકમાં કુલ ૪૧૦૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨,૪૯,૬૫,૪૬૩ થઈ છે જ્યારે સારવારને કારણે ૨,૧૧,૭૪,૦૭૬ લોકો સાજા થયા છે. આમ છતાં હજી ૩૫,૧૬,૯૯૭ લોકો હોસ્પિટલ કે ઘરમાં સારવાર લઈ રહ્યા છે આ કેસ એક્ટિવ છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.
૩૧.૬૪ કરોડ લોકોના ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નાં જણાવ્યા મુજબ દેશમાં ૧૬મી સુધીમાં ૩૧,૬૪,૨૩,૬૫૮ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. રવિવારે એક જ દિવસમાં ૧૫,૭૩,૫૧૫ લોકોનાં ટેસ્ટ કરાયા હતા.
મહારાષ્ટ્ર નહીં, હવે કર્ણાટક હોટસ્પોટ
અત્યાર સુધીમાં દેશમાં મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોટ હતું જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસનો રાફડો ફાટતો હતો. હવે કર્ણાટક કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. અહીં ૬,૦૦,૧૬૮ કેસ નોંધાયા છે જ્યારે ૪,૭૦,૫૯૫ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૧૮,૨૯,૨૬,૪૬૦ લોકોને રસી આપવામાં આવી છે. દેશમાં પોઝિટિવિટી રેટ ૧૬.૯૮ ટકા થયો છે. રિકવરી રેટ વધીને ૮૪.૨૫ ટકા થયો છે. બીજી તરફ દિલ્હીમાં ૨૪ કલાકમાં માત્ર ૪,૫૨૪ નવા કેસ આવતા રાહત મળી છે.
બ્લેક ફંગસ કેસમાં ઝડપથી વધારો
દેસમાં વિવિધ રાજ્યોમા કોરોનાના કાળા કેર બાદ હવે બ્લેક પંગસ એટલે કે મ્યુરમાઈકોસિસના કેસીસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ ૧૫ મેના રોજ સ્વીકાર કર્યો હતો કે દેશમાં મ્યુકરમાઈકોસિસના કેસ પ્રસરી રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટ હર્ષવર્ધને ફંગસ અંગેની ચાર સ્લાઇટ શેર કરીને જણાવ્યું હતું કે વહેલા નિદાનથી પંગલ ઇન્ફેક્શનને પ્રસરતુ રોકવામાં મદદ મળે છે. એમ્સના ડો. ગુલેરિયાએ જણાવ્યું હતું કે મ્યુકરમાઇકોસિસ વાઇરસ માટી, હવા અને ભોજનમાં પણ હોય છે પરંતુ તે બહુ નબળા હોય છે અને કોવિડ અગાઉ તેના સંક્રમણના કેસીસ ઘણા જ ઓછા હતા. બ્લેક ફંગસ પાછળ મુખ્ય કારણ સ્ટેરોઇડ છે. ડાયાબિટિસ અને કોરોના ગ્રસ્તલોકો સ્ટેરોઈડ લેવાવાળા લોકોમાં તેનાં સંક્રમણ પ્રસરવાની આશંકા વધારે રહે છે. તેમણે ડોક્ટરોને દર્દીનાં બ્લડ સુગર નિયંત્રણમાં રાખવાની સલાહ આપી હતી.
૬થી ૧૮ મહિના ભારત માટે કપરાં
ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે પણ ૨૦ ટકા જેટલો ઊંચો પોઝિટિવિટી રેટ ચિંતાજનક હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, કોરોના સામેના જંગમાં આવનારા ૬થી ૧૮ મહિના ભારત માટે કપરાં પુરવાર થશે. આ દરમિયાન વાઈરસનો મ્યૂટન્ટ બદલાય છે કે નહીં અને તે કેવો આકાર લે છે તેના ઉપર બધો આધાર રાખે છે. આ પ્રકારના સંકેતો આવનારો સમય વધુ ખરાબ હોવાના અને કફોડી હાલત સર્જવાનાં એંધાણ આપી રહ્યા છે. સોમવારે ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પણ મૃત્યુનો આંકડો ૪૧૦૬નો હતો જે અવાસ્તવિક હોવાનું સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં હજી જોઈએ તેટલા પ્રમાણમાં ટેસ્ટિંગનો અભાવ છે આવા સંજોગોમાં વાઈરસ ઝડપથી ફેલાઈ શકે છે. સ્વામીનાથને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ ઘટી રહ્યા છે પણ હજી બીજી લહેરનાં સંક્રમણનું પીક આવ્યું છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
રક્તસ્ત્રાવ-ક્લોટિંગની ઘટનાઓનું પ્રમાણ ઓછું
વેક્સિનેશન પછીની વિપરીત ઘટનાઓની તપાસ માટે રચાયેલી કેન્દ્રીય સમિતિએ આરોગ્ય મંત્રાલયને જણાવ્યું છે કે ભારતમાં રસીકરણ પછી રક્તસ્ત્રાવ અને લોહીમાં ગઠ્ઠા સર્જાવા જેવી વિપરીત ઘટનાઓનું પ્રમાણ ખૂબ જ જૂજ અને ધારણા મુજબનું જ છે. સમિતિએ જણાવ્યું હતું કે તેણે રસીકરણ પછી સર્જાયેલી ગંભીર સ્થિતિ સંબંધી ૭૦૦ પૈકીના ૪૯૮ કેસનો અભ્યાસ કર્યો હતો અને તેમાં માત્ર ૨૬ કેસમાં જ રક્તસ્ત્રાવ કે લોહીમાં ગઠ્ઠા પડવા જેવી ઘટના નોંધાઇ હતી. સમિતિએ એમ પણ જણાવ્યું હતું કે કેટલાક અભ્યાસોનું કહેવું છે કે એસ્ટ્રાઝેનિકા-ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન રસીકરણ પછી લોહીમાં ગઠ્ઠા પડવા જેવી ઘટનાઓને આકાર આપે છે. પરંતુ સમિતિના અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે પ્રતિ ૧૦ લાખ ડોઝે ગંભીર ઘટનાઓનું પ્રમાણ માત્ર ૦.૬૧ ટકા જ છે. ઉલ્લેખનીય છે કે આ ગંભીર ઘટનાઓનું પ્રમાણ બ્રિટનમાં પ્રતિ ૧૦ લાખ ડોઝે નોંધાયેલા ચાર કેસમાં આવી ફરિયાદ આવી હતી.
ભારતની વ્હારે મિત્ર દેશો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે ૨૭ એપ્રિલથી ૧૫ મે સુધીમાં વૈશ્વિક સહાયના રૂપમાં મળેલા ૧૧,૦૫૮ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ૧૩,૪૯૬ ઓક્સિજન સિલિન્ડર્સ, ૧૯ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ અને અંદાજે ૫.૩ લાખ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને રસ્તા અને હવાઇ માર્ગે પહોંચતો કરાયો છે.
કોરોના મહામારી સામે લડત આપવા માટે ભારત ૨૭ એપ્રિલથી વિવિધ દેશો અને સંગઠનો પાસેથી આંતરરાષ્ટ્રીય અનુદાન અને સહાયનો સ્વીકાર કરી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે રાજ્યોને મહામારીનો સામનો કરવામાં મદદ મળે તે હેતુસર કેન્દ્ર સરકાર આ સહાય ઝડપથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને પૂરા પાડી રહી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે ૧૪ અને ૧૫ મે ૨૦૨૧ના રોજ કઝાકિસ્તાન, જાપાન, સ્વિત્ઝર્લેન્ડ, ઓન્ટારિયો (કેનેડા), અમેરિકા, ઇજિપ્ત, બ્રિટિશ ઓક્સિજન કંપની તરફથી ૧૦૦ જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ૫૦૦ વેન્ટિલેટર્સ, ૩૦૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર્સ અને ૪૦,૦૦૦ રેમડેસિવિર ઉપરાંત માસ્ક અને કોરોના કિટનો પુરવઠો પણ મળ્યો છે.
વિવિધ રાજ્યોમાં કરફ્યુ - લોકડાઉન
પશ્ચિમ બંગાળમાં ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના રેકોર્ડ ૨૦,૦૦૦ કરતા વધુ કેસ નોધાતાં તાજેતરમાં ચૂંટાઈ આવેલી મમતા બેનર્જી સરકારે ૧૬થી ૩૦ મે સુધી ૧૫ દિવસ માટે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા નિર્ણય કર્યો છે. આ પહેલાં રાજ્ય સરકારે પશ્ચિમ બંગાળમાં આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું, પરંતુ તેનાથી કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવામાં કોઈ સફળતા હાંસલ થઈ નહોતી. બીજી તરફ પડોશી રાજ્ય સિક્કિમમાં પણ ૧૭થી ૨૪ મે સુધી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું. આ ઉપરાંત અન્ય રાજ્યોની વાત કરીએ તો...
• મહારાષ્ટ્રઃ લોકડાઉ જેવા નિયંત્રણો ૧ જૂનની સવારે ૭ વાગ્યા સુધી લંબાવ્યા. • ઉત્તર પ્રદેશઃ રાજ્ય સરકારે કોરોના કરફ્યૂને ૧૭ મે સુધી લંબાવ્યો. • ઝારખંડ ૨૨ એપ્રિલથી લદાયેલા અંશતઃ લોકાઉન ૨૭ મે સુધી લંબાવ્યું. • હરિયાણાઃ વધારે કડક અંકુશ સાથે લોકડાઉન ૧૭ મે સુધી લંબાવાયું. • જમ્મુ-કાશ્મીરઃ ૨૯ એપ્રિલથી અમલી કરફ્યૂ ૨૪ મે સુધી લાગુ. • કેરળઃ લોકડાઉન ૨૩ મે સુધી લંબાવવા નિર્ણય • છત્તીસગઢઃ ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવા નિર્ણય. • હિમાચલ પ્રદેશઃ કોરોના કરફ્યુ ૨૬ મે સુધી લંબાવાયો.