લંડનઃ કોરોના વાઈરસના પ્રકોપના કારણે બુકિંગ્સને ભારે અસર થવાથી લો-કોસ્ટ યુરોપિયન એરલાઈનર ફ્લાયબીનું આખરે ચોથી માર્ચે પતન થયું છે. સંખ્યાબંધ ફ્લાઈટ્સ અચાનક રદ કરી દેવાઈ અથવા ખોટા એરપોર્ટ્સ પર પહોંચી જતાં અરાજકતા ફેલાઈ હતી અને પ્રવાસીઓ યુરોપ અને યુકેમાં રઝળી પડ્યા હતા. એરલાઈન બંધ થવાથી ૨૩૦૦ નોકરીઓ પર જોખમ સર્જાયું હતું. એરલાઈને અસ્તિત્વ ટકાવવા ૧૦૦ મિલિયન પાઉન્ડની લોન મેળવવા પ્રયાસો કર્યા હતા જે સફળ ન થતા તેના ભાવિ સામે પ્રશ્નાર્થ ખડો થયો હતો.
પ્રાદેશિક એરલાઈન ફ્લાયબી જાન્યુઆરીમાં જ બંધ થઈ જવાની હતી પરંતુ, તેને ટાળી શકાયું હતું. જોકે તેનું નુકસાન વધતું રહ્યું હતુ. કોરોના વાઈરસના કારણે પ્રવાસીઓના બુકિંગ્સ લગભગ બંધ થઈ ગયા હતા. ફ્લાયબી એરલાઈને અચાનક કામકાજ બંધ કરી દીધું હતું અને એડિનબરા જતું વિમાન માન્ચેસ્ટર રોકાયું અને પેસેન્જર્સને ઉતારી દેવાયા હતા. પ્રવાસીઓને પોતાના ઘર સહિતના સ્થળોએ પહોંચવામાં ભારે મુશ્કેલીઓ નડી હતી. એરપોર્ટ્સ પર તેના વિમાનોમાં ઈંધણ ભરી શકાયું નહિ. માન્ચેસ્ટર અને ગ્લાસગો સહિતના એરપોર્ટ્સ પર વિમાન જપ્ત લેવાની નોટિસો લગાવી દેવાઈ હતી. બચાવનું પેકેજ મેળવવા બુધવારે સતત મંત્રણાઓ ચાલુ રખાઈ હતી પરંતુ, કોઈ સમજૂતી શક્ય બની નહિ અને કામકાજ બંધ કરી દેવાયું છે.