કોલંબોઃ શ્રીલંકાની રાજધાનીમાં રવિવારે એક પછી એક થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ૩૨૧ માનવજિંદગીને ભરખી ગયા છે, જ્યારે ૫૦૦થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં મોટા ભાગના લઘુમતી ખ્રિસ્તી સમુદાયના છે. કોલંબોના સેન્ટ એન્થની ચર્ચ, નેગોમ્બો કસ્બાના સેબેસ્ટિયન ચર્ચ અને પૂર્વીય શહેર બાટ્ટિકલોઆના ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી પરિવારો ઇસ્ટર સન્ડેની પ્રેયર સર્વીસમાં ઉમટ્યા હતા.
ચર્ચમાં પ્રાર્થનાસભા ચાલતી ત્યારે જ સવારે ૮.૪૫ વાગ્યે થયેલા પ્રચંડ બોમ્બ વિસ્ફોટોથી આ ત્રણે ચર્ચમાં મોતનું તાંડવ સર્જાયું હતું. બાદમાં પાટનગરની ત્રણ જાણીતી ફાઇવસ્ટાર હોટેલો - શાંગ્રિલા, સિન્નામોન ગ્રાન્ડ અને કિંગ્સબરી વિસ્ફોટથી ધણધણી ઉઠી હતી. ઇસ્ટર પર્વના કારણે શહેરની ફાઇવસ્ટાર હોટેલોમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉજવણી માટે ઉમટ્યા હતા. આમ જ્યાં થોડી સેકન્ડ પૂર્વે પ્રાર્થના, આનંદ-ઉલ્લાસનો માહોલ હતો ત્યાં ચિચિયારીઓ અને આક્રંદનું મોજું ફરી વળ્યું હતું. હજુ તો આ લોકોને આ વિસ્ફોટની કળ વળે તે પૂર્વે બપોરના સમયે વધુ બે વિસ્ફોટ થયા હતા. પોલીસને જોઈને એક સ્યુસાઇડ બોમ્બરે પોતાની જાતને વિસ્ફોટકથી ઉડાવી દીધી હતી. આ ધડાકામાં ત્રણ પોલીસના મૃત્યુ થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના નેતાઓએ વખોડ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં થયેલા ભયાનક વિસ્ફોટોને સખતાઈથી વખોડી કાઢું છું. ભારત શ્રીલંકાની જનતા સાથે અડીખમ ઊભો છે.
૭ ફિદાયીનની સંડોવણી
શ્રીલંકાને ધ્રુજાવનાર ભયાનક સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૭ ફિદાયીન હુમલાખોરો સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક મુસ્લિમ કટ્ટરપંથી સંગઠન નેશનલ તૌહિત જમાતનો હુમલામાં હાથ હોવાનું બહાર આવ્યું છે. આ તમામ ફિદાયીન હુમલાખોરો શ્રીલંકાનાં જ હોવાનું રંજિતા સેનારત્નેએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખે આવા હુમલાની ૧૦ દિવસ પહેલાં ચેતવણી આપી હોવા છતાં હુમલાખોરો તેમના નાપાક ઇરાદામાં સફળ રહ્યા હતા. આ હુમલામાં વિદેશી હાથ હોવાની શક્યતા નકારાતી નથી. હુમલાખોરોએ વિસ્ફોટક આઈઈડી સ્થાનિક સ્તરે જ બનાવ્યા હોવાનું મનાય છે.
શાંગ્રિલા હોટેલ ખાતે સ્યુસાઇડ બોમ્બર ઝહરાન હાશિમ દ્વારા હુમલો કરાયો હતો. બાટ્ટિકાલાઓ ખાતેના ચર્ચમાં આત્મઘાતી હુમલો કરનારને અબુ મોહમ્મદ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. સિનામોન હોટેલના મેનેજરે કહ્યું હતું કે સુસાઈટ બોમ્બર ખોટું એડ્રેસ આપીને હોટલમાં રોકાયો હતો. તે સવારના બ્રેકફાસ્ટની લાઈનમાં ઊભો રહ્યો હતો અને પોતાની જાતને ઉડાવી દીધી હતી.
એક અન્ય અહેવાલ અનુસાર, આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે દાવો કર્યો છે કે ન્યૂઝીલેન્ડની ક્રાઇસ્ટચર્ચ મસ્જિદ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ખ્રિસ્તી દેવળોને નિશાન બનાવીને આ આત્મઘાતી વિસ્ફોટ કરાયા છે.
દેશમાં કટોકટી જાહેર
શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ સોમવાર મધરાતથી દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે, જેથી તપાસનીશ એજન્સીઓ કોઇ પણ જાતના અવરોધ વગર તપાસ કરી શકે. સુરક્ષા દળો દ્વારા અત્યાર સુધીમાં ૨૪ શકમંદોની અટકાયત કરાઇ છે અને બોમ્બ બ્લાસ્ટમાં કોની કોની સંડોવણી છે તેના તાણાવાણા ગોઠવવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન સોમવારે કોલંબોનાં બસ સ્ટેન્ડ પરથી ૮૭ ડિટોનેટર્સ તેમજ એરપોર્ટ પાસેથી ૬ ફૂટ લાંબો જીવતો પાઇપ બોમ્બ મળી આવ્યો હતો. દેશમાં આર્મી અને પોલીસને હાઇ એલર્ટ પર છે. સરકારે મંગળવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.
ધડાકાઓના પગલે દેશમાં અફવા, હિંસા અને અરાજકતાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શ્રીલંકામાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. ઇન્ટરનેટ સર્વીસ ટર્મિનેટ કરાઇ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો છે. ગુપ્તતંત્રે ચેતવણી આપી હતી કે, આત્મઘાતી હુમલાખોરો દેશના પ્રતિષ્ઠિત સ્થળો પર હુમલાની યોજના બનાવી રહ્યાં છે.
હુમલામાં આઠ ભારતીયના મૃત્યુ
સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનેલાઓમાં આઠ ભારતીયોનો સમાવેશ થાય છે. આમાંથી છ તો જનતા દળ-એસના કર્ણાટકના નેતાઓ હતા. કર્ણાટકનાં મુખ્ય પ્રધાન કુમારસ્વામીનાં જણાવ્યા મુજબ જેડી-એસનાં ૭ નેતા કોલંબો ગયા હતા અને હોટેલ શાંગ્રિલામાં ઉતર્યા હતા. મૃતકોમાં ચાર ભારતીયની ઓળખ લક્ષ્મણ ગૌડા રમેશ, કે. એમ. લક્ષ્મીનારાયણ, એમ. રંગપ્પા અને કે. જી. હનુમંથરાયપ્પા તરીકે થઈ છે. બે લોકો લાપતા છે. ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે કહ્યું છે કે સમગ્ર ઘટનાક્રમ અને સ્થિતિ પર ભારત નજર રાખી રહ્યું છે. મૃતકોમાં ૩૫ વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં ભારતીયો ઉપરાંત અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ અને નેધરલેન્ડના નાગરિકો હોવાની પ્રારંભિક જાણકારી મળી છે.
વિસ્ફોટની ચેતવણી અપાઇ હતી
શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા સંદર્ભે ૧૦ દિવસ પહેલાં જ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા હતા અને સંબંધિત સત્તાધિશોને તેની જાણ પણ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ૧૧ એપ્રિલે પોલીસ ચીફ પૂજૂથ જયસૂંદ્રાએ એક એલર્ટ પણ જારી કરી હતી. એ એલર્ટમાં લખાયું હતું કે વિદેશી એજન્સીઓએ માહિતી આપી છે કે નેશનલ તૌહિત જમાત આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેમના નિશાન પર ચર્ચ અને ભારતીય રાજદૂતાવાસ હોઈ શકે છે.
ગુપ્તચર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, નેશનલ તૌહિત જમાત નામનું સંગઠન શ્રીલંકાના કેટલાક મહત્ત્વના ચર્ચને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ સંગઠન કોલંબો સ્થિત ભારતીય દૂતાવાસને પણ નિશાન બનાવવા માગતું હતું. નેશનલ તૌહિત જમાત એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે. ગયા વર્ષે કેટલાક બૌદ્ધ ધર્મસ્થળો પર હુમલા થયા પછી આ સંગઠનનું અસ્તિત્વ જાહેર થયું હતું.
ખ્રિસ્તીઓ પર ૧ વર્ષમાં ૮૬ હુમલા
શ્રીલંકામાં ૨૦૦ ચર્ચ અને અન્ય ખ્રિસ્તી સંગઠનોના મુખ્ય સંગઠન નેશનલ ક્રિશ્ચિયન ઇવેન્જલિકલ એલાયન્સના જણાવ્યા અનુસાર ખ્રિસ્તીઓ પર હુમલા કરવાની છેલ્લા એક વર્ષમાં ૮૬ ઘટના નોંધાઇ છે. શ્રીલંકાની કુલ વસતી ૨.૨૦ કરોડ છે. જેમાં ૭૦ ટકા બૌદ્ધ, ૧૨.૬ ટકા હિંદુ, ૯.૭ ટકા મુસ્લિમ અને ૭.૬ ટકા ખ્રિસ્તી છે.