લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે સામાજિક અને ધાર્મિક તેમજ કાર્યક્રમોના આયોજનો પર બ્રેક વાગી ગઈ હોવાથી યુકેની વેડિંગ અને ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રીને ભારે માર પડ્યો છે. લંડનસ્થિત વેડિંગ પ્લાનિંગ એપ બ્રાઈડબૂકનો અભ્યાસ કહે છે કે કોરોના વાઈરસના કારણે ૬૪ ટકા લગ્ન મુલતવી અથવા રદ કરવા પડ્યા હોઈ ૨૦૨૦ના લગ્નો પર ભારે અસર પહોંચાડી છે. લગ્નસંબંધિત અન્ય ૩૬ ટકા બિઝનેસીસને પણ નુકસાન થયું છે. યુકેમાં વેડિંગ ઈન્ડસ્ટ્રીને ૮૭.૫ બિલિયન પાઉન્ડ ગુમાવવા પડશે, જેમાં એશિયન વેડિંગ ઈન્ડસ્ટ્રીનો વાર્ષિક ફાળો આશરે ૩ બિલિયન પાઉન્ડ છે. એશિયન લગ્નોમાં સરેરાશ ૩૦,૦૦૦થી ૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થાય છે અને મહેમાનોની યાદીમાં જ ૫૦૦થી ૧૦૦૦ લોકોનો સમાવેશ થતો હોય છે.
ભારત અને સાઉથ એશિયાના ઘણા દેશોમાં સગાઈ અને લગ્ન વચ્ચે સરેરાશ છ મહિનાનો સમયગાળો રહેતો હોવાથી પ્લાનિંગ માટે ઘણો ઓછો સમય રહે છે પરંતુ, યુકેમાં લગ્નના આયોજન માટે મોટા ભાગના એશિયન પરિવારો ૧૨થી ૧૮ મહિનાનો ગાળો રાખતા હોય છે.
ડ્રીમ વેડિંગ અને હનીમૂન રખડી પડ્યાં
લગ્નોત્સુક યુગલોને તો રંગમાં ભંગ પડ્યો છે.૨૮ વર્ષના રાહુલ અને અજલિ (વિનંતીથી નામો બદલ્યાં છે) પણ અલગ નથી. તેમણે લગ્નના કાર્યક્રમોમાં ૨૦૨૧ના ઉનાળામાં લંડનમાં કેટલાક સપ્તાહને આવરી લેવાય તેનું આગોતરું આયોજન કર્યું હતું. હાલ વેડિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારે અચોક્કસતા હોવાથી લગ્ન મુલતવી રાખવા સિવાયનો કોઈ વિકલ્પ તેમને જણાતો નથી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીતમાં લાગણીશીલ ભાવિ નવોઢાએ કહ્યું હતું કે,‘અમે થોડાં વર્ષ અગાઉ એક જ ઓફિસમાં કામ કરવા દરમિયાન પ્રેમમાં પડ્યાં હતા. મારા બોય ફ્રેન્ડે મને પેરિસમાં લગ્ન પ્રસ્તાવ મૂક્યો અને અમે ૨૦૨૧માં લગ્નથી જોડાવા નિર્ણય લીધો હતો. અમારા પેરન્ટ્સના આગ્રહથી પરંપરાગત કાર્યક્રમો, મહેન્દી રસમનું આયોજન કર્યું હતું. મારે તો આ ઓટમમાં વસ્ત્રો અને જ્વેલરીની ખરીદી કરવા ભારત જવાનું હતું. ડ્રીમ વેડિંગ અને હનીમૂન મોરેશિયસમાં કરવાનું આયોજન હતું પરંતુ, હવે શું થશે તેની ખબર જ નથી.’લગ્નસ્થળો અને ઓર્ગેનાઈઝર્સ અંશતઃ ડિપોઝીટ માગે છે પરંતુ, ૨૦૨૧માં પણ લગ્ન થશે કે ડિપોઝીટ પાછી મળશે તેવી કોઈ ગેરન્ટી નથી.લોકડાઉન અને નિયંત્રણો યથાવત રહે તો કેનેડાથી અંજલિના ગ્રાન્ડપેરન્ટ્સ, યુએસએ અને ભારતથી નિકટના સગાં અને તેમના પરિવારો પણ આવી શકે તેવી કોઈ ખાતરી નથી. અત્યારે વેડિંગ ઈન્સ્યુરન્સ મળે તેવી પણ શક્યતા નથી. આમ તેઓ લગ્ન ૨૦૨૨ સુધી મુલતવી રાખવાનું વિચારે છે પરંતુ, તેમણે નવેસરથી આયોજનો કરવા પડશે.
કોવેન્ટ્રીની ઓપ્ટોમેટ્રિસ્ટ શાન્ટેલી પંચાલ અને લેસ્ટરના ફાર્માસિસ્ટ મિતુલ પટેલ બર્મિંગહામની એસ્ટોન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મળ્યાં હતાં. તેમના લગ્ન ૨૫ એપ્રિલ, ૨૦૨૦ના રોજ નક્કી હતા અને હવે ૨૫ વર્ષની ભાવિ પત્ની નોર્ધમ્પ્ટનશાયરની વ્હીટલબરી પાર્ક હોટેલ પાસેથી તેમના લગ્નની ડિપોજીટ પાછી મેળવવા દોડાદોડી કરે છે. કોરોના વાઈરસના કારણે હોટેલ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે તેવી જાણ તેને કરી હતી. શાન્ટેલી અને પરિવારે રદ કરાયેલા લગ્ન માટે રિફંડ માગ્યું ત્યારે નવી તારીખ માટે ક્રેડિટ આપવા તેમજ મહેમાનો માટે વર્ષના અંત સુધીમાં ઉપયોગ કરી દેવાનું વાઉચર આપવા હોટેલે જણાવ્યું છે. નવી તારીખ માટે પણ મિસ પંચાલે ૩૦૦૦ પાઉન્ડ ભર્યાં છે તે ઉપરાંત, બાકીના ૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ભરી દેવાની માગણી હોટેલે કરી છે. હોટેલ કહે છે કે ડિપોઝીટ્સ નોન રિફંડેબલ છે પરંતુ, કપલ્સને નુકસાન ન જાય તે માટે જેમણે એપ્રિલ, મે અને જૂન ૨૦૨૦ માટે લગ્નનું બૂકિંગ કરાવ્યું હશે તેમને વૈકલ્પિક અને સ્વીકાર્ય તારીખો આપવામાં આવશે.
કેટરર્સ અને લગ્નસ્થળો પણ અસહાય
વડા પ્રધાનની દીવાળી પાર્ટી માટે કેનેપીઝ પૂરા પાડનારા અને કલાયન્ટ્સને સારી સેવા આપનારા રાગાસાન જેવા પ્રસિદ્ધ કેટરર્સ લગ્ન અને અન્ય ક્ર્યક્રમો માટે પેકેજ તરીકે ક્લાયન્ટ્સને સારાં સ્થળો શોધવામાં મદદ કરે છે. આવા સ્થળોના માલિકોના જડ અને અસહકારભર્યા વલણથી તેઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. રાગાસાનના ડાયરેક્ટર અરુણ લુથરાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘અમે જ્યાં તારીખો બદલાવી શક્યા છીએ ત્યાં ખર્ચ પણ ટ્રાન્સફર કર્યો છે. અમે માત્ર કેટરિંગ સર્વિસ નહિ, રસ ધરાવતી પાર્ટીઓને પેકેજ તરીકે કોન્ટ્રાક્ટ સ્થળો કે વેન્યુઝ ઓફર કરીએ છીએ. અત્યારે પરિસ્થિતિ અલગ છે. અમારી દરેક વિનંતીનો વેન્યુઝ દ્વારા કેવો પ્રતિસાદ મળે છે તે જોવું પડે છે. કેટલાક સ્થળો ઈવેન્ટને ૨૦૨૧માં ખસેડવા બીજો ઈન્સ્ટોલમેન્ટ માગે છે તો કેટલાક ઈવેન્ટ આગળ લઈ જવા તૈયારી દર્શાવે છે. ઘણા ઈવેન્ટ્સને ૨૦૨૧માં ખસેડવા બાકીની તમામ રકમની ચૂકવણી માગે છે. અમે ક્લાયન્ટ્સ અને વેન્યુ માલિકો બંનેને ખુશ રાખવા માગીએ છીએ.’
સંજય ફૂડ્ઝના ડાયરેક્ટર અતુલ લાખાણી માને છે કે સરકારે વેડિંગ, કેટરિંગ અને ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રીને નીચાજોણું કરાવ્યું છે. તેમણે આ બાબતે ચાન્સેલર રિશિ સુનાકને પત્ર પણ લખ્યો છે. લાખાણીએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ વેડિંગ, કેટરિંગ અને ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રી હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીનો જ હિસ્સો છે પરંતુ, સરકારે તેની વ્યાખ્યામાં આનો ઉમેરો કર્યો નથી. આથી અમારા ઉદ્યોગને કોઈ સપોર્ટ મળતો નથી. બંધ થવામાં અમે પહેલા હતા અને ખુલવામાં સૌથી છેલ્લાં હોઈશું. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમે ભીડ એકઠી કરી ન શકો, લગ્નો કે ઈવેન્ટ્સ ગોઠવી શકો નહિ.
પ્લાનર્સ-ઓર્ગેનાઈઝર્સ માટે નાણાકીય સમસ્યા
ઈવેન્ટ્સ માટે મળેલી ડિપોઝીટ્સ થકી આવકનો મોટો સ્રોત ધરાવતા ઘણા સપ્લાયર્સ અને ઓર્ગેનાઈઝર્સ માટે નાણાકીય સમસ્યા સર્જાઈ છે. કેરેજીસ વેડિંગ્સ અને ઈવેન્ટ્સના સ્થાપક મીરા મજિઠીઆ યુકેમાં સફળ ભારતીય વેડિંગ પ્લાન્ર છે જેઓ દર વર્ષે લગભગ ૧૦-૧૨ લગ્નોનું આયોજન કરે છે. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘ મારાં બિઝનેસમાં આ વર્ષે કેશ ફ્લોનો મોટો પડકાર છે. ૨૦૨૦ના જે ઈવેન્ટ્સ બુક કર્યા તે હવે મુલતવી થઈ ગયા છે. સામાન્ય રીતે હું ૫૦ ટકા ડિપોઝીટ લઉં છું અને બાકીના નાણા ઈવેન્ટ નજીક આવે ત્યારે લઉં છું. અન્ય સપ્લાયર્સની માફક મારે પણ તકલીફ ઉભી થઈ છે.’ બોમ્બે ફન્કાડેલિકના સ્થાપક જસપ્રીત પાંડોહર વર્ષે ૨૫-૩૦ મહેંદી, રિસેપ્શન અને લગ્ન પાર્ટીઓ કરે છે. તેમને પણ આવી જ સમસ્યા છે. તેમનો છેલ્લો ઈવેન્ટ પાંચ માર્ચે યોજાયો હતો અને હવે બચતના નાણા ખર્ચાતા હોવાનું તેઓ કહે છે.