કોવિડ-૧૯નો વિકરાળ પંજોઃ યુકેમાં ૬૧૫૯ના મોત

સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંકઃ તબીબોએ હવે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની હાલત સ્થિર હોવાનું પણ જણાવ્યું

Wednesday 08th April 2020 03:02 EDT
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંક સાથે કોરોના વાઈરસનો વિકરાળ પંજો પ્રસરતો જાય છે. આ સમયે યુકેમાં એક જ દિવસમાં ૮૫૪ લોકોના મોત સાથે મૃત્યઆંક વધીને ૬૧૫૯નો થયો છે. ગત બે દિવસમાં મૃત્યુઆંકનું પ્રમાણ ઓછું રહેતા થોડી આશા બંધાઈ હતી કે વાઈરસનો હુમલો સ્થિર થયો છે. પરંતુ હવે તે આશા ઠગારી નીવડી છે. બીજી તરફ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કોરોનાના લક્ષણો દૂર ન થતાં તત્કાળ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ કેરમાં રાખવાની ફરજ પડી છે. જોકે, તબીબોએ હવે તેમની હાલત સ્થિર હોવાનું પણ જણાવ્યું છે.

ઇંગ્લેન્ડમાં વધુ ૭૫૮, સ્કોટલેન્ડમાં ૭૪, વેલ્સમાં ૧૯ અને ઉત્તર આયર્લેન્ડમાં ૩ લોકોના મોત નીપજ્યા હતાં. મોટા ભાગના પેશન્ટ ૨૩ અને ૧૦૨ વર્ષની વચ્ચેના હતા. જેમાંથી ૨૯ પેશન્ટને અગાઉ કોઈ આરોગ્ય સમસ્યા ન હોવાનું બહાર આવ્યું છે. સોમવારની સરખામણીએ મૃત્યુઆંક બમણો થયો છે અને મહામારી સાથે બ્રિટનની લડાઈને ધક્કો પહોંચ્યો છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી હતી કે ઇસ્ટર સમયે મહામારી શિખર જોવા મળશે. જેના પરિણામે બ્રિટન માટે આગામી સાત દિવસ વધુ ભારે રહે તેવી શક્યતા છે.

બીજી તરફ વિશ્વમાં સ્પેનમાં સૌથી વધુ બીજા ક્રમે ૧૪૧૯૪૨ના ચેપગ્રસ્તોમાં ૧૪૦૪૫નો મૃત્યુઆંક સત્તાવાળાઓ સ્વીકાર્યું છે કે વીકએન્ડમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. જોકે તેમનું કહેવું છે કે મૃત્યુઆંક અને નવા ચેપગ્રસ્તોની સંખ્યા વધવા છતાં તેમનો દેશ યોગ્ય માર્ગે છે અને તેમાં ધીમે ધીમે ઘટાડો નોંધાશે.

વિશ્વમાં જોઈએ તો યુએસ સૌથી વધુ ૪૦૦,૫૪૬ (મૃત્યુઆંક ૧૨,૮૫૭), ઇટાલી ૧૩૫,૫૮૬ (૧૭,૧૨૭), જર્મની ૧૦૭,૬૬૩ (૨૦૧૬), ફ્રાંસ ૧૦૯,૦૬૯ (૮૯૧૧), ચીન ૮૧૮૦૨ (૩૩૩૩), ઈરાન ૬૨૫૮૯ (૩૮૭૨) અને યુકે ૫૫,૨૪૨ (૬૧૫૯)ના આંકડા ધરાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે જર્મનીમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૧૦૦,૦૦૦થી વધારે હોવા છતાં મૃતકોની સંખ્યા ઘણી ઓછી છે. આની સામે બ્રિટનમાં મૃત્યુઆંક અતિશય ઝડપથી વધી રહ્યો છે. આ માટે એવું કારણ અપાય છે કે લોકો દ્વારા લોકડાઉનનું યોગ્ય પાલન કરાતું નથી. તેમજ શંકાસ્પદ લોકોના પરીક્ષણ પણ કરવામાં ઢીલ દેખાય છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના અભ્યાસ અનુસાર સમગ્ર યુરોપમાં ૧૫૧૬૮૦ મૃત્યુ થઈ શકે છે. જો જુલાઈ સુધી કોવિદ ૧૯ મહામારી ઢીલી નહીં પડે તો યુકેને ૬૬૦૦૦ લોકોના મોત સહન કરવા પડે તેવી શક્યતા છે. આની સામે ઈટાલી, ફ્રાંસ અને સ્પેનમાં શરૂઆતમાં કોરોનાનું સૌથી વધુ જોર હોવા છતાં ત્યાં તે ધીમું પડી શકે છે. ઈટાલીમાં સંભવિત ૨૦૦૦૦ની સરખામણીએ યુકેમાં ત્રણ ગણી જાનહાનિ થશે તેવું પણ અભ્યાસમાં જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter