પેરિસઃ વૈશ્વિક પર્યાવરણમાં થઇ રહેલો બદલાવ ધનિક દેશોનું પાપ છે. આ માટે ભારત જરા પણ જવાબદાર નથી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં પ્રભાવશાળી દેશોએ વધુ જવાબદારી નિભાવવી જોઇએ. ભારતે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સર્જી નથી તેમ છતાં પણ તેના ખરાબ પરિણામો ભોગવી રહ્યો છે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં ક્લાઇમેટ ચેન્જ સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ સમક્ષ આ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિકસિત દેશોને ચેતવણી આપી હતી કે જો તેઓ ભારત જેવા વિકાસશીલ દેશો પર પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી મૂકશે તો તે નૈતિક ધોરણે અયોગ્ય ગણાશે. ગરીબ દેશોને તેમના અર્થતંત્રોને વિકસાવવા માટે કાર્બન બાળવાનો અધિકાર છે. મોદીએ વિકસિત દેશોને અપીલ કરતા કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન સામેની લડાઇમાં વધારે જવાબદારી વિકસિત દેશોએ ઉઠાવવાની જરૂર છે.
ક્લાયમેન્ટ ચેન્જ એ મોટો વૈશ્વિક પડકાર છે તેના પર ભાર મૂકતા વડા પ્રધાને કહ્યું હતું કે સંપૂર્ણ વિશ્વે ગ્લોબલ વોર્મિંગ પર અંકુશ મૂકવા માટે એક સર્વગ્રાહી, સમાન અને સાતત્યપૂર્ણ કરાર તૈયાર કરવાની દિશામાં તાત્કાલિક કામ કરવું જોઇએ. આ પ્રસંગે મોદીએ લાઇફસ્ટાઇલમાં પરિવર્તનની પણ હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આમ થશે તો જ પૃથ્વી પરનું ભારણ ઘટશે. આપણે કેવી રીતે રહીએ છીએ તેના પર આપણા પ્રયાસોનો આધાર રહેલો છે.
યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા આયોજિત અને ફ્રાન્સના યજમાન પદે યોજાયેલી ક્લાઇમેટ ચેન્જ સમિટનો સોમવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વડા પ્રધાન મોદી ઉપરાંત અમેરિકી પ્રમુખ બરાક ઓબામા, ચીનના પ્રમુખ શી જિનપિંગ, બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન સહિતના વિશ્વના ૧૫૦થી વધુ દેશના વડાઓએ હાજર રહીને જળવાયુ પરિવર્તનથી વિશ્વ પર મંડરાયેલા ખતરા અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. સમિટના પ્રારંભે તાજેતરમાં પેરિસમાં થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાના મૃતકોને અંજલી આપવા માટે એક મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
વિશ્વભરના હવામાનમાં આવી રહેલા ચિંતાજનક બદલાવની ચિંતા અને તેના નિવારણના ઉપાયો ચર્ચવા યોજાયેલી આ સમિટમાં ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની ઔપચારિક મુલાકાત સહુની નજરનું કેન્દ્ર બની હતી. બન્ને નેતાઓ થોડીક મિનિટો માટે જ મળ્યા હતા, પણ તેનું સવિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાને ત્રણ દિવસ પૂર્વે જ ભારત સાથે બિનશરતી વાટાઘાટો માટે તૈયારી દર્શાવ્યાના અહેવાલ હતા. નવાઝ શરીફે બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન સાથેની મુલાકાત દરમિયાન ભારત સાથે મંત્રણા દર્શાવી હોવાના અહેવાલો છે.
પર્યાવરણીય બદલાવ વૈશ્વિક પડકાર
વડા પ્રધાને જણાવ્યું હતું કે પર્યાવરણમાં આવી રહેલો બદલાવ સૌથી મોટો વૈશ્વિક પડકાર છે તે સાચું, પરંતુ તેના સર્જનમાં ભારત જરા પણ જવાબદાર નથી. ધનિક દેશોના આ પાપના કારણે ભારત ગ્લેશિયરો પીગળવા, દરિયાકિનારા ઉપરાંત ખેતી અને ખેડૂતો પર તોળાતા જોખમનો સામનો કરી રહ્યો છે. જીવાશ્મિ ઇંધણના ઉપયોગથી પેદા થયેલી ઔદ્યોગિક ક્રાંતિની પ્રગતિના કારણે ગ્લોબલ વોર્મિંગ સર્જાયું છે. પર્યાવરણમાં બદલાવને કારણે ભારતના ૭૫૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા અને ૧૩૦૦ ટાપુઓ પર ખતરો સર્જાયો છે.
તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ સામે ભારતની પ્રતિબદ્ધતા પરંપરાગત વિશ્વાસ આધારિત રહી છે. વિકસિત દેશોએ વિકાસશીલ દેશોની પ્રગતિ માટે કાર્બન સ્પેસમાં સ્થાન આપવાની ઉદારતા દર્શાવવી જોઇએ. અમારી સરકાર ઝીરો ઇફેક્ટ અને મોર ક્રોપ પર ડ્રોપ જેવી પર્યાવરણને સાનુકૂળ નીતિઓ સાથે આગળ વધી રહી છે.
ભારત જવાબદારી નિભાવશે
કલાયમેન્ટ ચેન્જ સંમેલન બાદ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ ખાતરી આપી હતી કે ભારત કલાયમેન્ટ અંગેની જવાબદારી પૂર્ણ કરશે. પ્રમુખ ઓબામાએ જણાવ્યું હતું કે ભારત જ્યારે ગરીબી દૂર કરવા અને આર્થિક વિકાસ વધારવાના પ્રયત્નો કરી રહ્યું છે, પણ સાથે સાથે તેણે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન ઉપર પણ નિયંત્રણ રાખવુ પડશે. કલાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે વધુ સહકારની જરૂર છે. ઓબામાની આ લાગણીના પ્રતિભાવમાં મોદીએ ઉપરોક્ત ખાતરી ઉચ્ચારી હતી.
મોદી વડા પ્રધાન બન્યા બાદ ઓબામા સાથેની આ છઠ્ઠી મુલાકાત છે. યુએસ પ્રમુખે જણાવ્યું હતું કે મારા મિત્ર અને ભાગીદારને મળીને મને આનંદ થયો છે. જ્યારે મોદીએ પોતાની સાથે મંત્રણા કરવા બદલ પ્રમુખ ઓબામાને બિરદાવતા જણાવ્યું હતું કે આ મંત્રણા પરસ્પરને સમજવામાં વધુ ઉપયોગી બનશે.
ઓબામા સાથેની સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન મોદીએ આ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત વિકાસની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરી રહ્યું છે. વડા પ્રધાને ૧૭૫ ગિગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાના ભારતના મહત્ત્વકાંક્ષી ઉદ્દેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બેઠક બાદ મોદીએ જણાવ્યું હતું કે પૃથ્વી અને પર્યાવરણનું રક્ષણ કરવામાં ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. મહાત્મા ગાંધી તેના ચેમ્પિયન હતાં. તેથી કલાયમેન્ટ ચેન્જ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત છે. અમે આ ક્ષેત્રમાં ખૂબ જ ઊંચા લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. બે દિવસના પ્રવાસ માટે પેરિસ ગયેલા મોદીએ ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કવા ઓલાન્દ સાથે આયોજિત લંચમાં પણ ભાગ લીધો હતો.
વિકાસશીલ દેશો પરનો બોજો અનૈતિક
અગ્રણી અખબાર ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’માં એક લેખ દ્વારા વડા પ્રધાન મોદીએ વિકસિત દેશોને ચેતવણી આપી હતી કે વિકસિત દેશો ભારત જેવા વિકાસશીલ દેશો પર કાર્બન ઉત્સર્જન (એમિસન) ઘટાડવાનો બોજો નાખશે તો તે અનૈતિક ગણાશે. વિકાસશીલ દેશોને પણ આર્થિક વિકાસ માટે કાર્બન ઉત્સર્જનનો અધિકાર છે. વિકાસની સીડી પર પહેલા પગથિયા પર રહેલા દેશોની જીવનશૈલીના કારણે અન્ય દેશોની તકો સમાપ્ત થઇ જવી જોઇએ નહીં.
દિગ્ગજોનું મિશન ઇનોવેશન
વાજબી, વિશ્વાસપાત્ર અને કાર્બનમુક્ત ઊર્જા પુરી પાડવા માટે બિલ ગેટ્સ, મુકેશ અંબાણી, રતન ટાટા અને જેક મા જેવા વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ સહિત ૨૮ સંશોધકોના ગ્રૂપે કંપનીઓ સ્થાપવાના પ્રયાસો હાથ ધર્યાં છે. મિશન ઇનોવેશન અંતર્ગત આ જૂથ બિનપરંપરાગત ઊર્જા માટે નવા સંશોધનોને વેગ આપશે.