લંડનઃ બ્રિટિશ રાજવંશનો નિયમ હતો કે, કોઈપણ સ્ત્રી સત્તા ઉપર હોય અને તેના લગ્ન થાય તો તેનો પતિ રાજા બની શકે નહિ. ક્વીનનો મોટો પુત્ર રાજા અથવા તો તેની મોટી પુત્રી ક્વીન બનવાનો અધિકાર ધરાવે છે પણ ક્વીનનો પતિ રાજા થઈ શકતો નથી. આ કારણે જ જ્યારે પ્રિન્સેસ એલિઝાબેથે પિતાના મૃત્યુ પછી ૧૯૫૨માં બ્રિટિશ તાજ સંભાળ્યો ત્યારે પ્રિન્સ ફિલિપ રાજા બનવાથી દૂર થઈ જવા છતાં, તેમણે તમામ રાજકીય જવાબદારીઓ સ્વીકારી લીધી.
વફાદારી, મક્કમ નિર્ધાર, નિસ્પૃહતા અને સારું આરોગ્ય ધરાવતા પ્રિન્સ ફિલિપ ક્વીન માટે અનિવાર્ય ટેકારુપ બની રહ્યા હતા.તેઓ ૭૪ વર્ષના લગ્નજીવનમાં તેમજ રાજનીતિક અને સામાજીક પડકારોમાં હંમેશાં ક્વીનની પડખે રહ્યા હતા. નેવલ ઓફિસર રહેલા ફિલિપ બ્રિટિશ શાહી શાસનમાં ખુબજ ફેરફાર લાવ્યા. ૧૯૯૦ના દાયકામાં બદલાતા સમયની સાથે શાહી પરિવારના અભિગમને નવુ સ્વરુપ આપવામાં પ્રિન્સ ફિલિપની વિશેષ ભૂમિકા રહી હતી. ક્વીન એલિઝાબેથે તેમની લગ્નગાંઠની ગોલ્ડન જ્યુબિલી ઉજવણી સમયે સ્પષ્ટપણે કહ્યું હતું કે ફિલિપ તેમની તાકાત છે.
પ્રિન્સ શાહી રૂઆબને વધારવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો હતો. તેમણે જ ૧૯૫૩માં ક્વીનના રાજ્યાભિષેકનું જીવંત પ્રસારણ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે એલિઝાબેથ ૨૫ વર્ષની વયે ક્વીન બન્યા ત્યારથી ફિલિપ તેમનો પડછાયો બનીને તેમની સાથે જ રહ્યા હતા. તેઓ જીવનના નવમા દાયકામાં પણ સતત કાર્યરત રહ્યા હતા. મોટા ભાગના લોકો નિવૃત્તિમાં સમય ગાળે તેવી વયમાં પ્રિન્સ ફિલિપ વર્ષમાં ૩૦૦ સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધમાં રોયલ નેવી ઓફિસર તરીકે ફરજ બજાવનારા પ્રિન્સ ફિલિપે ૯૬ વર્ષના હતા ત્યારે ઓગસ્ટ ૨૦૧૭માં સત્તાવાર ફરજોથી ફારેગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો.પ્રિન્સ ફિલિપે શાહી જીવન દરમિયાન ૧૪૩ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેઓ ૭૮૦ સંગઠનો સાથે સંકળાયેલા હતા અને તેમણે ૨૨,૯૯૧ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.