ખગોળવિજ્ઞાનમાં ઈતિહાસ રચાયોઃ બ્રહ્માંડના કૂવા સમાન બ્લેક હોલની તસવીર ઝડપાઇ

Wednesday 17th April 2019 08:23 EDT
 
 

વોશિંગ્ટનઃ બ્રહ્માંડની અનેક રચનાઓ અતિશય રહસ્યમય છે. સૌથી વધુ રહસ્ય અને રોમાંચ જોકે બ્લેક હોલ પેદા કરે છે કેમ કે એ બ્રહ્માંડના એવા કૂવા છે, જેની અંદર કંઈ પણ (આખેઆખો તારો કે ગ્રહ કે ગમે તે ચીજવસ્તુ) જાય તો એ પરત ન આવી શકે. છેક ત્યાં સુધી કે તેમાં પ્રવેશતા પ્રકાશના કણો પણ પરત આવતા નથી કે રિફ્લેક્ટ થતા નથી. આથી જ બ્લેક હોલ જોઈ શકાતા નથી. અલબત્ત, તેનું પ્રચંડ ગુરુત્વાકર્ષણ આસપાસના સમગ્ર બ્રહ્માંડને પોતાની તરફ ખેંચતુ હોવાથી ત્યાં બ્લેક હોલ છે એ જાણી શકાય છે. આ બ્લેક હોલની આજ સુધી કોઈ તસવીર ઝડપી શકાઈ ન હતી. જોકે હવે વિજ્ઞાનીઓને પ્રથમવાર બ્લેક હોલની તસવીર લેવામાં સફળતા મળી છે. જોકે આ ભગીરથ કાર્ય માટે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર વિવિધ સ્થળોએ ગોઠવાયેલા આઠ શક્તિશાળી ટેલિસ્કોપને કામે લગાડવા પડ્યા હતા.

સૂર્યમાળા કરતાં પણ મોટું કદ

અત્યાર સુધી જે બ્લેક હોલ વિશે વિજ્ઞાનીઓએ માત્ર માહિતીની આધારે ચિત્ર તૈયાર કર્યું હતું એ બ્લેક હોલની તસવીર લેવામાં પ્રથમ વાર સફળતા સાંપડી છે. વિજ્ઞાનના ઈતિહાસની આ પ્રથમ અને મહત્ત્વપૂર્ણ ઘટના છે. તસવીર માટે વિજ્ઞાનીઓએ એમ-૮૭ નામે ઓળખાતી ગેલેક્સીમાં આવેલા એક બ્લેક હોલની પસંદગી કરી હતી.
આ બ્લેક હોલની પહોળાઈ ૪૦ બિલિયન કિલોમીટર છે, પૃથ્વીથી અંતર ૫,૦૦૦ બિલિયન કિલોમીટર છે અને સૂર્ય કરતા દળ ૬.૫ બિલિયન ગણુ વધારે છે! મતલબ કે તેનો પથારો આપણી સૂર્યમાળા કરતા પણ વધારે ફેલાયેલો છે. આ અત્યાર સુધીમાં વિજ્ઞાનીઓએ જોયેલો (એટલે કે નોંધેલો) સૌથી ભારે બ્લેક હોલ છે. આથી જ વિજ્ઞાનીઓ તેને મોન્સ્ટર (રાક્ષસ) તરીકે પણ ઓળખે છે. બીજી તરફ આ તસવીર લેવી એ ટેકનોલોજીની દૃષ્ટિએ બહુ મોટી સિદ્ધિ છે.
આ સમગ્ર સંશોધનની વિગતો ‘એસ્ટ્રોફિઝિકલ જર્નલ’માં રજૂ થઈ છે. આ સફળતા આઇન્સ્ટાઇનની થિયરી ઓફ જનરલ રિલેટિવિટીને મોટું સમર્થન આપે છે. હવે આ સફળતા સદીની સૌથી મહત્ત્વની સફળતાઓમાં એક ગણાશે.

કેસરવર્ણો આભાસ

બ્લેક હોલની તસવીરમાં વચ્ચે કાળો ભાગ છે, તેની ફરતે કેસરી કલરની આભા રચાઈ છે અને વળી તેના ફરતે ગેસના વાદળો છે. એ પછી ચોતરફ કાળુધબ્બ આકાશ ફેલાયેલું છે. બ્રહ્માંડમાં દૂર રહેલા પદાર્થો તેમાંથી નીકળતા કિરણોથી ઓળખી શકાય. આ કિરણોની તપાસ માટે ઓપ્ટિકલ (કાચ ધરાવતા) નહીં, પણ રેડિયો ટેલિસ્કોપ કામ લાગતા હોય છે.
રેડિયો ટેલિસ્કોપનું કામ જ દૂરના બ્રહ્માંડમાંથી આવતા કિરણોનો અભ્યાસ કરીને, ડેટા પૂરો પાડવાનું છે. બાદમાં આ ડેટાના આધારે સુપર કમ્પ્યુટરો તસવીર-ચિત્ર તૈયાર કરતા હોય છે. આ તસવીર પણ એ રીતે જ તૈયાર થઈ છે. મહાવિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને તો થિયરી દ્વારા એક સદી પહેલા જ બ્લેક હોલની તાકાતનો પરચો આપ્યો હતો. આ પછી અનેક વિજ્ઞાાનીઓ બ્લેક હોલની થિયરી રજૂ કરતા રહ્યા હતા. જોકે પ્રથમ વાર આ થિયરીનો પ્રેક્ટિકલ રીતે પૂરાવો મળ્યો છે.

આઠ ટેલિસ્કોપ, ૨૦૦ સંશોધક

૧૦ એપ્રિલે રજૂ થયેલી બ્લેક હોલ સબંધિત અન્ય વિગતોનો વિજ્ઞાનીઓ લાંબા અરસાથી અભ્યાસ કરતા હતા. અવકાશ સંશોધનમાં કોઈ એક જ વિષય કે અવકાશી પદાર્થનો અભ્યાસ લાંબો સમય સુધી ચાલતો રહેતો હોય છે કેમ કે પુષ્કળ ડેટા આવ્યો હોય છે તેમાંથી આવશ્યક માહિતીની તારવણી થતી રહેતી હોય છે. આ માહિતીના આધારે અત્યાર સુધીમાં દુનિયાના ૨૦૦ ખગોળશાસ્ત્રીઓ બ્લેક હોલ અંગે પોતાના અભ્યાસપત્રો રજૂ કરી ચૂક્યા છે. ૨૦૧૭માં દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા આઠ ટેલિસ્કોપ દ્વારા સંયુક્ત રીતે આ બ્લેક હોલનો અભ્યાસ કરાયો હતો. આ ટેલિસ્કોપમાં હવાઈ ટાપુ, એરિઝોના, સ્પેન, મેક્સિકો, ચીલી, સાઉથ પોલ વગેરેનો સમાવેશ થાય છે.

અડધો ટન હાર્ડ ડ્રાઇવનો જંગી ડેટા

આ ડેટા માટે અડધો ટન હાર્ડ ડ્રાઇવની જરૂર પડી હતી. આઠ ટેલિસ્કોપે પાંચ પેટા-બાઇટ ડેટા એકત્ર કર્યો છે. સાદી ભાષામાં સરખામણી કરવી હોય તો કહી શકાય કે ૪૦,૦૦૦ લોકોની જીવનકાળની સેલ્ફીઓ કે ૫૦૦૦ વર્ષોની એમપી-થ્રી જેટલો આ ડેટા થાય.

એક વર્ષે તસવીર તૈયાર થઈ

ડિજિટલ કેમેરાના યુગમાં તસવીરનો રોલ ધોવાની પ્રથા તો રહી નથી, પરંતુ બ્રહ્માંડની તસવીરો ડિજિટલ નથી હોતી. એ કિરણોના આધારે તૈયાર થતી હોય છે. આથી પહેલાં આઠેય ટેલિસ્કોપની તમામ વિગતો એકત્ર કરવામાં આવી અને પછી તેના આધારે આ તસવીર તૈયાર કરાઇ છે. આમ આ તસવીર તૈયાર કરતા વિજ્ઞાનીઓને એક વર્ષ કરતા વધુ સમય લાગ્યો છે. બધી વિગતો વિજ્ઞાનીઓ પાસે ડિસેમ્બર ૨૦૧૭માં આવી ગઈ હતી અને ત્યારથી તસવીર બનાવાનું કામ ચાલુ હતું. સૌથી વધુ સમય સાઉથ પોલ પર આવેલા ટેલિસ્કોપની વિગતો આવવામાં લાગ્યો હતો. ત્યાં શિયાળામાં જઈ ન શકાય માટે તાપમાન જરા વધે પછી ત્યાં જઈને વિગતો મેળવાઈ હતી. ત્યાં ૪ પેટા-બાઈટ્સ જેટલી માહિતી એકઠી થઈ હતી. એ રીતે બધા જ ટેલિસ્કોપની અબજો જીબીના હિસાબે ભેગી થયેલી માહિતી દુનિયાભરમાંથી જર્મનીની મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટયૂટમાં એકઠી કરવામાં આવી હતી.

બ્લેક હોલનું શું મહત્ત્વ?

અમેરિકાના ભૌતિકશાસ્ત્રી જ્હોન આર્કિબાલ્ડ વ્હિલરે ૧૯૬૦ના દાયકામાં બ્લેક હોલ શબ્દ આપ્યો હતો. બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા કે જ્યાં હદ બહારનું દબાણ અનુભવાય છે. એ દબાણની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. ત્યાં પ્રકાશના કિરણો પણ અંદર ખેંચાઈ જતા હોવાથી અંધકાર જ જોવા મળે છે. આ બ્લેક હોલ બીજી રીતે પણ રોમાંચનો વિષય છે. વિજ્ઞાનીઓનો એક વર્ગ માને છે, કે કોઈ બ્લેક હોલની અંદર પ્રવેશીને જો સલામત રીતે સામે છેડે નીકળી શકે તો ટાઈમ ટ્રાવેલ (એટલે કે વર્તમાનથી ભૂતકાળ તરફ કે વર્તમાનથી ભવિષ્ય તરફ) સફર કરી શકે છે. શક્ય છે કે બ્લેક હોલના સામા છેડે બ્રહ્માંડનો સાવ અજાણ્યો ભાગ રહેલો હોય. આમ પણ વિજ્ઞાનીઓ માટે આજની તારીખે ૯૫ ટકા બ્રહ્માંડ એક રહસ્ય જ છે, જે સંશોધન થયું છે, એ ૫ ટકા ક્ષેત્રમાં જ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter