નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની અણધારી જાહેરાત કરીને સહુ કોઇને ચોંકાવી દીધા છે. આંદોલનકારી ખેડૂતોથી માંડીને વિરોધ પક્ષના નેતાઓ અને કૃષિ નિષ્ણાતોથી માંડીને રાજકીય વિશ્લેષકો આ જાહેરાતથી આશ્ચર્યચકિત છે. ખેડૂતો આ જાહેરાતને પોતાનો વિજય ગણાવે છે અને વિરોધ પક્ષ આને જીદે ચઢેલા મોદીની પીછેહઠ ગણાવે છે, પરંતુ શું ખરેખર આવું છે? ના...
કૃષિ નિષ્ણાતો માને છે કે આ મોદીની નહીં, પરંતુ ભારતના કૃષિ ક્ષેત્રની પીછેહઠ છે. ભારતનું અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર આધારિત છે અને તેમાં ધરખમ સુધારાની જરૂર છે. ખેતીની પદ્ધતિમાં આધુનિક અભિગમથી માંડીને પ્રોસેસિંગ થકી કૃષિ ઉપજનું વેલ્યુ એડિશન આજના સમયની માગ છે.
કૃષિક્ષેત્રે સુધારાના સમર્થક અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસ કહે છે, ‘આ નિર્ણયથી હું બહુ ખિન્ન છું, દુઃખી છું. ઉદાસ છું. મને દુઃખ થયું કારણ કે આમાં ખેડૂતોની જીત નહીં હાર છે. દેશની પણ હાર થઈ છે.’ તેમણે પોતાની નિરાશા વ્યક્ત કરતા કહ્યું, ‘મારા માનવા પ્રમાણે રાજકારણ જીતી ગયું છે અને અર્થતંત્રની હાર થઈ છે.’ વિદેશમાં જે લોકો ભારતમાં આર્થિક સુધારાની આશા કરી રહ્યા હતા તેઓ પણ માને છે કે વડા પ્રધાનનો નિર્ણય ખેડૂતોની જીત છે, પરંતુ સાથે સાથે તેઓ એમ પણ કહે છે કે આ પગલાથી કૃષિક્ષેત્રે સુધારા ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઇ ગયું છે.
સંભવતઃ આ જ કારણસર કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત વેળા મોદીના ચહેરા પર પીડા ઝળકતી હતી. શુક્રવારે ૧૮ મિનિટના સંબોધનમાં મોદીએ ૧૧ મહિના જૂના ત્રણ વિવાદિત કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત સાથે દેશવાસીઓની માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે આ સમય કોઈને દોષ આપવાનો નથી. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગયા વર્ષે કૃષિ ક્ષેત્રમાં સુધારા દાખલ કરવાના ભાગરૂપે ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા.
ખેત પેદાશોનાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ (એમએસપી) અંગે ખેડૂતોને ફાયદો થાય તેવી રીતે કાયમી કાયદો ઘડવા તેમજ કેટલીક અન્ય માગણી સાથે ખેડૂતોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતો કેટલાક સંગઠનો દિલ્હીની બોર્ડર પર ધરણા યોજીને કાયદાનો વિરોધ કરી રહ્યા હતા.
તપશ્ચર્યામાં ખામી રહી હશે
મોદીએ કહ્યું કે અમારી સરકારે ખેડૂતોનાં કલ્યાણ માટે કૃષિ ક્ષેત્રનાં હિતમાં ગામડાઓ, ગરીબોનાં હિતમાં પૂરા સમર્થન સાથે પ્રામાણિક ઈરાદાથી કાયદા લાવવાનું પગલું લીધું હતું. જોકે અમે ખેડૂતોને નેક ઈરાદો સમજાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. કદાચ અમારી તપશ્ચર્યામાં ખામી રહી હશે. ખેડૂતોનાં કેટલાક વર્ગે કાયદાનો વિરોધ કર્યો હતો. અમે વાટાઘાટોના પ્રયાસો પણ કર્યા હતા. આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો આખરે અમે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
સંસદમાં ચર્ચા પછી અમલ
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, કૃષિ સેક્ટરમાં સુધારા કરવા ત્રણ કાયદા લાવવામાં આવ્યા હતા. જેનો ઈરાદો દેશના લાખો નાના અને સીમાંત ખેડૂતોની સ્થિતિ મજબૂત કરવાનો હતો. દેશના ખેડૂતો, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ કૃષિ ક્ષેત્રે સુધારાની ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા. સંસદમાં લાંબી ચર્ચા પછી તેનો અમલ કરાયો હતો. તેમણે કહ્યું હતું કે ખેડૂતો, કિસાન સંગઠનો દ્વારા તેને આવકારાયા હતા અને સમર્થન કરાયું હતું જે માટે હું સૌનો આભારી છું.
મોદીએ આંદોલન કરી રહેલા તમામ ખેડૂતોને પોતપોતાના ઘરે જવા અને ખેતીના કામમાં લાગી જવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુરુ નાનક જયંતી પર્વે અમે ખેડૂતોને તેમના ઘરે જવા અપીલ કરીએ છીએ. તમે સૌ પાછા ખેતરોમાં જાવ, તમારા પરિવાર પાસે જાવ. આવો સાથે મળીને એક નવી શરૂઆત કરીએ.
મોદીએ આંદોલન કરી રહેલા તમામ ખેડૂતોને પોતપોતાના ઘરે જવા અને ખેતીના કામમાં લાગી જવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુરુ નાનક જયંતી પર્વે અમે ખેડૂતોને તેમના ઘરે જવા અપીલ કરીએ છીએ. તમે સૌ પાછા ખેતરોમાં જાવ, તમારા પરિવાર પાસે જાવ. આવો સાથે મળીને એક નવી શરૂઆત કરીએ.
મોદીએ કહ્યું કે સંસદનાં શિયાળુ સત્રમાં ત્રણેય કાયદા રદ કરવાની પ્રોસેસ પૂરી કરાશે. સંસદ આ મહિનાનાં અંતમાં મળી રહી છે. જેમાં ત્રણ કાયદા પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરાશે.
ત્રણ વિવાદિત કૃષિ કાયદા રદ કરવાની વડા પ્રધાન મોદીની જાહેરાતને ભાજપ તેમજ એનડીએના સાથી પક્ષો દ્વારા આવકારવામાં આવી હતી. તેને સાચી દિશાનું પગલું ગણાવાયું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે વડા પ્રધાન મોદીની કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત આવકાર્ય છે. તેમનું પગલું રાજનેતા જેવું સ્ટેટસમેનને છાજે તેવું છે. મોદીએ તેમનાં ભાષણમાં કહ્યું છે કે ભારત સરકાર કિસાનોની સેવા કરતી રહેશે અને ખેડૂતોને તેમના પ્રયાસોમાં સમર્થન કરતી રહેશે. વડા પ્રધાન હંમેશા દરેક ભારતીયનાં કલ્યાણ અંગે વિચારતા રહે છે.
કૃષિ સુધારા દસકો પાછળ ધકેલાયા
હોલેન્ડમાં વૈગનિંગન વિશ્વવિદ્યાલય અને અનુસંધાન કેન્દ્રમાં કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર એલેક્ઝાન્ડર હેજલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘અમે ભારતમાં ભૂમિ અને શ્રમ ક્ષેત્રે સુધારો જોવા માંગતા હતા. કૃષિક્ષેત્રે વધુ સુધારાની આશા હતી, આર્થિક સુધારાની અપેક્ષા હતી પરંતુ આ નિર્ણય મોદી સરકાર ઉપરના ભરોસાને નુકસાન પહોંચાડી શકે છે.’
‘ઇન્ડિયા અનબાઉન્ડ’ નામના પુસ્તકના લેખક ગુરુચરણ દાસ અનુસાર હવે કૃષિક્ષેત્રે સુધારાના મુદ્દા વધુ પાછળ ધકેલાઈ ગયા છે. તેઓ કહે છે, 'આ વડા પ્રધાન મોદીની બહુ મોટી નિષ્ફળતા છે. તેમની સુધારાવાદી છબિને ધક્કો લાગ્યો છે. કેટલાય લોકોને હવે તે નબળા વડા પ્રધાન લાગશે.'
ગુરુચરણ દાસના મતે હવે આ દેશમાં કૃષિક્ષેત્રે સુધારા લાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. તેમના કહેવા પ્રમાણે, ‘વડા પ્રધાન ખેડૂતો સુધી સાચો સંદેશ મોકલવામાં નિષ્ફળ રહ્યા છે. નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી મોટા કોમ્યુનિકેટર હોવા છતાં ખેડૂતો સુધી પોતાની વાત પહોંચાડવામાં સફળ નથી રહ્યા.’
ગુરુચરણ દાસના કહેવા પ્રમાણે રિફોર્મનું માર્કેટિંગ કરવું પડે છે, જે એક મુશ્કેલ કામ છે અને તેમાં સમય લાગે છે. ‘લોકોને સમજાવવું પડે છે કારણ કે એ સહેલું નથી. મોદી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે.’ વડા પ્રધાને ખુદ શુક્રવારની સવારે પોતાના ભાષણમાં સ્વીકાર્યું હતું કે તેઓ ખેડૂતોને આ કાયદા વિશે સમજાવવામાં નિષ્ફળ રહ્યા. અલબત્ત, તેમણે એ પણ કહ્યું કે ખેડૂતો પણ સમજવામાં નિષ્ફળ રહ્યા.’
ગુરુચરણ દાસે બ્રિટનના પૂર્વ વડા પ્રધાન માર્ગરેટ થેચરનું ઉદાહરણ આપીને કહ્યું કે ‘તેઓ હંમેશા કહ્યાં કરતાં કે તે સુધારા માટે પગલાં ભરવાં પાછળ ૨૦ ટકા સમય લે છે અને ૮૦ ટકા સમય એ સુધારાના માર્કેટિંગ માટે. આ કામ આપણે નથી કરી શક્યા.' ઉલ્લેખનીય છે કે અર્થશાસ્ત્રી ગુરુચરણ દાસ કૃષિસુધારાના સમર્થક છે.
જિનિવા ભૂ-રાજનીતિક અધ્યયન સંસ્થા (જીઆઈજીએસ) ના ડાયરેક્ટર એલેક્ઝાન્ડર લૈમ્બર્ટ કહે છે, ‘ભારત સરકાર એનો દાવો કરતી હતી કે નવા કાયદાથી કૃષિક્ષેત્રે એક મોટો સુધારો આવશે જેનાથી તેને આધુનિક કરવાની સાથે તેની ક્ષમતા વધારવામાં મદદ મળશે. તેનાથી ભારતમાં કૃષિક્ષેત્રે હરીફાઈ વધશે અને તેનો ફાયદો બધાને મળશે. સુધારાથી મૂડી રોકાણ આકર્ષી શકાશે અને સંભાવિતપણે ટેકનોલોજી ટ્રાન્સફરમાં મદદ મળશે..' આવો સરકારનો દાવો હતો પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ કાયદો અમલમાં આવતા ખેતીવાડી બજાર નાના ખેડૂતોના હાથમાંથી સરકીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓના હાથમાં જતું રહેત.’
ગત વર્ષે ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદા લાવવામાં આવ્યા તો કેટલાય સુધારાવાદીઓએ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું હતું.
જોકે ઘણા સુધારાના સમર્થકોને લાગતું હતું કે આ કાયદાને લાવતા પહેલાં સરકારે ખેડૂતો અને રાજ્ય સરકારો સાથે ચર્ચાવિચારણા કરવી જોઈતી હતી. જે રીતે આ કાયદા અચાનક રજૂ કરવામાં આવ્યા હતા એ જોઈને ઘણા સુધારાવાદીઓએ તેને સમર્થન નહોતું આપ્યું.
વિપક્ષના નેતાઓએ પણ આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ બધી ટીકાઓમાં એમ જ કહેવાતું હતું કે આ પગલું વાસ્તવમાં કૃષિક્ષેત્રને મોટા ઉદ્યોગપતિઓને હવાલે કરવાની એક કોશિશ છે.
ભારતની વસ્તીના લગભગ ૬૦ ટકા લોકો પોતાની આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. ખેડૂતો અનાજના ખાનગી વેચાણના પક્ષમાં સરકારી માર્કેટ યાર્ડની દાયકાઓ જૂની વ્યવસ્થાને ખતમ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો તર્ક એવો છે કે આ કાયદા મોટા ઉદ્યોગોના હાથમાં બહુ વધારે પાવર આપી દેશે અને ચોખા અને ઘઉં જેવા મુખ્ય પાક પર ટેકાના ભાવની ગેરન્ટીને જોખમમાં મૂકી દેશે.
સરકારે કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને એ સમજાવવાની કોશિશ કરીને દલીલ કરી કે પાક માટે વધુ હરીફાઈથી ખેડૂતોનો ઊંચી કિંમત મળી શકે છે અને ભારતને વધુ આત્મનિર્ભર દેશ બનાવી શકાય છે.
સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેકવાર થયેલી વાતચીત દરમિયાન ખેડૂતોની માંગ હતી કે સરકાર ટેકાના ભાવ કે એમએસપીને કાયદામાં સમાવી લે જેથી તેમને એમએસપીની ગેરન્ટી મળે. સરકારે એવું ન કર્યું અને આ જ કારણે ખેડૂતોનું આંદોલન આજે પણ ચાલી રહ્યું છે.
એમએસપી સિસ્ટમ કેવી છે?
પ્રોફેસર એલેક્ઝાન્ડર હેજલનો તર્ક છે કે કૃષિ ક્ષેત્રે ભારતમાં વર્ષોથી સુધારાની જરૂર છે અને નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાયદા કૃષિ ક્ષેત્રમાં સુધારા તરફનું એક પગલું હતું. તેમનું કહેવું હતું કે એમએસપીની સિસ્ટમ જૂની થઈ ગઈ છે અને તેને ક્યાં સુધી વેંઢારી શકાય એમ હતી? ‘સરકારે એમએસપીને ચાલુ રાખવાનું વચન આપ્યુ હતું પરંતું હું કૃષિ માર્કેટ યાર્ડને જાણુ છું અને મારું કહેવું છે કે એમએસપી એક ખરાબ સિસ્ટમ છે.’ આ કાયદાઓની તરફેણમાં જે વિશેષજ્ઞો છે તેઓ એમએસપીને એક બીમારી માને છે.
ગુરુચરણ દાસ પણ કહે છે, ‘પંજાબ એમએસપી સિસ્ટમમાં ફસાયેલું છે. તે એક પ્રકારની બીમારીમાં સપડાયું છે. કારણ કે તેનાથી એક પ્રકારે સુરક્ષા મળે છે. ખેડૂતો માને છે કે જેટલા ચોખા કે ઘઉં હું ઉગાડીશ એ સમગ્ર પાક સરકાર ખરીદી લેશે. સવાલ એ છે કે દેશને એટલા અનાજની જરૂર નથી. ગોદામોમાં અનાજ સડી રહ્યું છે, તેને ઉંદર ખાઈ રહ્યા છે.’
જોકે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સંગઠન સંયુક્ત કિસાન મોરચાનું સતત એવું કહેવું છે કે એમએસપીથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળે છે. પરંતુ સુધારાવાદી પગલાંઓના હિમાયતી ગુરુચરણ દાસ કહે છે, 'પંજાબનો ખેડૂત મહેનતુ છે અને ઉદ્યમી છે.
બીજા રાજ્યોના ખેડૂતો ફળ, મસાલા, જડીબુટ્ટી, શાકભાજી વગેરે ઉગાડે છે. તેમનો નફો ઘણો વધારે છે અને તેમાં કોઈ એમએસપી નથી. તો પંજાબના બિચારા ખેડૂત આમાં શા માટે ફસાયેલા છે?’
ગુરુચરણ દાસ અને રિફોર્મના સમર્થકો અન્ય કેટલાય અર્થશાસ્ત્રીઓ આ ત્રણ કૃષિ કાયદાને આદર્શ કાયદો માને છે. તેમના અનુસાર મોદી સરકારથી ભૂલ એ થઈ ગઈ કે રાજ્ય સરકારોને આ કાયદા લાગુ પાડવા માટે કહ્યું નહીં.
ગુરુચરણ દાસ કહે છે, 'ઘણા રાજ્યો એનો અમલ કરી દેત. ખાસ કરીને ભાજપ સત્તામાં છે તે રાજ્યો કારણ કે જે સમસ્યા છે તે પંજાબ, હરિયાણા અને થોડાક પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જ છે. ૨૦૦૫-૦૬માં જ્યારે સરકાર વેટ (મૂલ્યવર્ધિત કર) લઈને આવી હતી તો ઘણા રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો.
સરકારે કહ્યું હતું કે ‘ઠીક છે જે રાજ્યોએ તેનો અમલ કરવો હોય તે કરે, જે રાજ્યો ન કરવા માંગતા હોય તે ન કરે. પછીના ૧૮ મહિનામાં બધાં રાજ્યોમાં તેને લાગુ કર્યો કારણ કે તેના ફાયદા લોકોએ જોયા.’
પ્રોફેસર એલેક્ઝાન્ડર હેજલનો ભાર એ વાત પર હતો કે મોદી સરકારે કૃષિ ક્ષેત્રે સુધારા લાવવાના હતા પરંતુ ખેડૂતો સાથે વાતચીત પછી. તેઓ કહે છે, 'મેં વાંચ્યુ છે કે મોદીએ પોતાના ભાષણમાં ઝીરો બજેટ ખેતીની વાત કરી છે જેના માટે તેમણે એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે જેમાં ખેડૂતોને પણ સમાવવાની વાત કરી છે. આ સારું પગલું છે અને આ રિફૉર્મ તરફ ફરીથી આગળ વધવા માટેનું પહેલું પગલું કહી શકાય.’