શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા શનિવારે ગગનયાન મિશનના પહેલા તબક્કામાં ક્રૂ એસ્કેપ મોડ્યૂલનું સફળ પરીક્ષણ કરાયું હતું. શ્રીહરિકોટા ખાતેથી સવારે 10 કલાકે ટેસ્ટ વ્હિકલ એબોર્ટ મિશન-1 (TV-D1)નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મિશન 8.8 મિનિટનું હતું જેમાં ક્રૂ એસ્કેપ મોડડ્યૂલ આકાશમાં 17 કિમી ઊંચે ગયા પછી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 10 કિમી દૂર બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલને સફળતાથી ઉતારવામાં આવ્યું હતું. રોકેટમાં જો કોઈ ગરબડ થાય કે ટેક્નિકલ ખામી સર્જાય તો તેમાં રહેલા અવકાશયાત્રીઓને સલામત રીતે પૃથ્વી પર સુરક્ષિત પાછા લાવવા માટે આ સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયું હતું.
ટેસ્ટ ફ્લાઈટ ત્રણ હિસ્સામાં હતી જેમાં એબોર્ટ મિશન માટે બનાવવામાં આવેલા સિંગલ સ્ટેજ લિક્વિડ રોકેટ, ક્રૂ મોડ્યૂલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમનો સમાવેશ થાય છે. ઈસરોના વડા સોમનાથે કહ્યું હતું કે આપણે ફરી ઇતિહાસ રચ્યો છે.
પ્રારંભે અવરોધ
શનિવારે સવારે 10 વાગે સફળ લોન્ચિંગ પહેલા તેને સવારે બે વખત ટેસ્ટિંગ રોકવામાં આવ્યું હતું. ખરેખર ટેસ્ટ ફ્લાઈટનું પરીક્ષણ સવારે 8 કલાકે કરવાનું હતું પણ મોસમ ખરાબ હોવાને કારણે તેનો ટાઈમ બદલીને 8.45 કરાયો હતો. આ પછી ફરી લોન્ચિંગની 5 સેકન્ડ પહેલા એન્જિનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી તેથી ફરી ટેસ્ટિંગ રોકવામાં આવ્યું હતું. આ પછી ઈસરોનાં વૈજ્ઞાનિકોએ અડધો કલાકમાં જ ટેક્નિકલ ખામી સુધારીને નવો ઇતિહાસ રચ્યો હતો અને ફ્લાઈટને 10 કલાકે લોન્ચ કરવામાં આવી હતી જે સફળ રહી હતી.
શું છે ક્રૂ એસ્કેપ મિશન?
ઈસરો ચીફ ઈસરો ચીફ એસ. સોમનાથે કહ્યું કે, TV-D1 મિશનની સફળતાની જાહેરાત કરતા મને આનંદ થાય છે. આપણે ફરી ઇતિહાસ રચ્યો છે. મિશનના પહેલા સફળ તબક્કા માટે સૌ વૈજ્ઞાનિકોને અભિનંદન. ઉડાન ભરતી વખતે જો મિશનમાં કોઈ ખામી સર્જાય તો આ સિસ્ટમ ક્રૂ મોડયુલ સાથે યાનથી અલગ થઈ જશે અને થોડા સમય માટે આકાશમાં ઊડતી રહેશે. આ પછી તેને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર સમુદ્રમાં ઉતારવામાં આવશે. જેમાં રહેલા અંતરિક્ષયાત્રીઓને નૌકાદળ દ્વારા દરિયામાંથી સુરક્ષિત પાછા લાવવામાં આવશે.
શ્રી હરિકોટાથી ઉડાન ભર્યા પછી ગગનયાને બંગાળની ખાડીમાં સફળ લેન્ડિંગ કર્યું હતું. સૌપહેલા ટેસ્ટ વ્હિકલ ક્રૂ મોડયુલ એસ્કેપ સિસ્ટમને આકાશમાં લઈ જવામાં આવ્યું હતું અને પછી 594 કિમીની ઝડપે ક્રૂ મોડયુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ 17 કિમીની ઊંચાઈએ અલગ પડયા હતા. પછી પેરાશુટ ખોલીને તેને બંગાળની ખાડીમાં ઉતારવામાં આવ્યું હતું.
વિજ્ઞાનીઓને શુભેચ્છાઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર ટ્વિટ કરીને ઈસરોના વૈજ્ઞાનિકને અભિનંદન આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે આ પ્રક્ષેપણ આપણને ભારતના પહેલા માનવ અંતરિક્ષ ઉડાન કાર્યક્રમ ગગનયાનને સાકાર કરવામાં એક કદમ આગળ લઈ જાય છે. ઈસરોનાં આપણા વૈજ્ઞાનિકને અમારી શુભેચ્છાઓ.