વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ જો બાઈડેને બહુચર્ચિત ગન કંટ્રોલ બિલમાં હસ્તાક્ષર કર્યા છે. બાઇડેને છેલ્લાં થોડા સમયમાં ફાયરિંગની ઘટનાઓનો ભોગ બનેલા પીડિત પરિવારોની હાજરીમાં ઐતિહાસિક બિલને મંજૂરી આપી હતી. દેશમાં છેલ્લા કેટલાક દસકાથી જેની સૌથી વધુ માંગ થતી હતી એ ગન કંટ્રોલ બિલ હસ્તાક્ષર કર્યા બાદ બાઇડેને પીડિત પરિવારજનોની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે આ બિલ ઐતિહાસિક છે. હવે અસંખ્ય લોકોનો જીવ બચાવી શકાશે. પીડિત પરિવારોની લાગણી હતી કે દેશવાસીઓ ફાયરિંગની ઘટનાઓથી બચે તે માટે કંઈક કરવું જોઈએ. આપણે તેમના માટે આ કરી શક્યા છીએ.
ત્રણ દસકામાં પહેલી વાર ફાયરિંગથી થતી હત્યાઓ પર લગામ લાવવા ખરડો પસાર કરાયો છે. સંસદના બન્ને ગૃહોમાં ખરડો પાસ થવો એટલા માટે પણ રસપ્રદ છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો વિરોધ કરી ચૂક્યા છે. આથી આશંકા હતી કે રિપબ્લિકન સાંસદો ખરડાની વિરુદ્ધમાં મતદાન કરશે પણ તે આશંકા ખોટી પડી.
સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના સૌથી વધુ 50 સાંસદ છે અને ખરડાની તરફેણમાં 65 મત પડ્યા. મતલબ કે 15 રિપબ્લિકન સાંસદે પણ તેની તરફેણમાં મત આપ્યો.
અમેરિકામાં 1971માં બંધારણમાં બીજો સુધારો લાગુ કરાયો હતો, જે અંતર્ગત અમેરિકી નાગરિકોને હથિયાર રાખવાનો અધિકાર અપાયો હતો. પિયૂના રિપોર્ટ મુજબ 44 ટકા રિપબ્લિકન અને 20 ટકા ડેમોક્રેટ નેતાઓ પાસે બંદૂક છે. આ જ રીતે 39 ટકા પુરુષો અને 29 ટકા મહિલાઓ પાસે બંદૂક છે.
અમેરિકામાં કુલ ૩૯.૩ કરોડ ગન
અમેરિકી સરકાર ભલે ગન કંટ્રોલની દિશામાં આગળ વધી રહી હોય પણ તેનો માર્ગ સરળ નથી, કેમ કે દેશમાં કુલ 39.3 કરોડ ગન છે.
ફાયરિંગના બનાવોથી થતાં મોત વિશ્વના ધનિક દેશોમાં સૌથી વધુ છે. ચાલુ વર્ષે જ અમેરિકામાં આવા બનાવોમાં 20,900 લોકો માર્યા ગયા છે, જેમાં આપઘાતના બનાવોનો પણ સમાવેશ થાય છે.
લોકોનું બેવડું વલણ
અમેરિકામાં મોટા ભાગના લોકો લાંબા સમયથી ગન કંટ્રોલની તરફેણમાં રહ્યા છે, પણ વોટિંગ કરવાની વાત આવે ત્યારે તેમનું વલણ જુદું રહે છે. ત્યાંના મેઇને, નેવાડા, વોશિંગ્ટન અને કેલિફોર્નિયામાં કરાયેલા વિશ્લેષણમાં તેની ઝલક સાફ દેખાય છે.
• કેલિફોર્નિયા: 2016માં 91 ટકા લોકો ગન કંટ્રોલના સમર્થનમાં હતા. જનમતની વાત આવી તો 63 ટકા લોકોએ જ તેની તરફેણમાં વોટિંગ કર્યું. બાકીનાનું વલણ બદલાઇ ચૂક્યું હતું.
• વોશિંગ્ટન: 2014માં 81 ટકા લોકો ગન કંટ્રોલ કાયદો આવે તેવું ઇચ્છતા હતા. જનમત થયો તો તેમાં 59 ટકા લોકો જ તે વાત પર મક્કમ રહી શક્યા.
• નેવાડા: 86 ટકા લોકો ગન કંટ્રોલ ઇચ્છતા હતા પણ જનમતમાં તેના અડધા જ તે વાતે મક્કમ રહ્યા.
• મેઇને: 83 ટકા લોકોએ ગન કંટ્રોલને જરૂરી ગણાવ્યો હતો. જનમતમાં 48 ટકા લોકોએ જ તરફેણ કરી.