લંડનઃ સામાન્ય ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને બીબીસી પ્રેઝન્ટર એન્ડ્રયુ નીલ વચ્ચે ‘બીબીસી વન ઈન્કિવઝિશન’ ઈન્ટરવ્યૂ યોજાશે કે નહિ તે બાબત હાલ ગરમાગરમ મુદ્દો બન્યો છે. મોટા ભાગના રાજકીય નેતાઓ અડધો કલાકના આ કાર્યક્રમમાં હાજરી આપી ચુક્યા છે ત્યારે જ્હોન્સને તેનો ઈનકાર કર્યો છે. આ પરિસ્થિતિમાં એન્ડ્રયુ નીલે વડા પ્રધાનની ખુરશી ખાલી રાખી તેમનો ઈન્ટરવ્યૂ લેવાતો હોય તેવો આશ્ચર્યજનક મોનોલોગ જાહેર કર્યો હતો. ટીકાકારો કહે છે કે નીલના પ્રશ્નોના મારા સામે કોઈ ચૂંટણીલક્ષી બફાટ કરી દેવાના ભયથી જ્હોન્સન તેમાં ભાગ લઈ રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે નીલે લેબર પાર્ટીમાં યહુદીવાદ વિરોધ તેમજ મેનિફેસ્ટોમાં જાહેર કરાયેલા અસાધારણ ખર્ચના મુદ્દે લેબરનેતા જેરેમી કોર્બીનને બરાબર ભીડાવ્યા હતા. એન્ટિ-સેમેટિઝમ વિશે માફી માગશો કે કેમ તે પ્રશ્નનો ઉત્તર આપવાનું કોર્બીને ચાર વખત ટાળ્યું હતું. કોર્બીનના આ વલણની ભારે ટીકા થઈ હતી. જોકે, આ પછી ફિલિપ સ્કોફિલ્ડને આપેલા ઈન્ટરવ્યૂમાં કોર્બીને લેબર પાર્ટીમાં યહુદીવાદ વિરોધના મુદ્દે સ્પષ્ટ માફી માગી બાજી સુધારી લીધી હતી.
પ્રેઝન્ટર એન્ડ્રયુ નીલે વડા પ્રધાનના સહાયકો સાથે અસંખ્ય મંત્રણાઓમાં નિષ્ફળતા પછી લાખો દર્શકોની સામે જ વડા પ્રધાન જ્હોન્સનને પડકાર ફેંક્યો છે કે જો તેઓ એક ઈન્ટરવ્યૂનો સામનો કરી શકતા નથી તો વિશ્વતખતા પર પ્રેસિડેન્ટ ટ્રમ્પ, પ્રેસિડેન્ટ પુતિન કે પ્રેસિડેન્સ ક્સી જેવા મજબૂત નેતાઓનો સામનો કેવી રીતે કરી શકશો. તેમણે જ્હોન્સન પર દબાણ વધારતા એવી દલીલ પણ કરી હતી કે ચૂંટણીપ્રચારમાં વ્યસ્ત હોવાનું બહાનુ કાઢી બોરિસ તેમને અડધો કલાક પણ ફાળવી શકતા નથી. બીજી તરફ, ટોરી પાર્ટી દ્વારા કહેવાયું છે કે દર્શકો ઈન્ટરવ્યૂના એકના એક ફોર્મેટથી કંટાળી ગયા છે, હવે તેમાં સુધારો કરવાની જરૂર છે.
હું વડા પ્રધાનનો ડાયરી સેક્રેટરી નથીઃ ગોવ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એન્ડ્યુ નીલના ઈન્ટરવ્યૂમાં હાજર રહેશે કે કેમ અથવા તેમનો સામનો ક્યારે કરશે તેવા સતત પૂછાયેલા પ્રશ્નોથી ભડકેલા વરિષ્ઠ ટોરી નેતા માઈકલ ગોવે બીબીસી રેડિયો ફાઈવ લાઈવ પર એવી ટીપ્પણી કરી હતી કે તેઓ વડા પ્રધાનના ડાયરી સેક્રેટરી નથી. જ્હોન્સન અને કોર્બીન વચ્ચે જીવંત ચર્ચાના ટેલિપ્રસારણ અગાઉ સ્ટુડિયોની મુલાકાત લઈ રહેલા ગોવે નંબર ૧૦ના સ્વીચબોર્ડનો નંબર આપતા કહ્યું હતું કે ‘આ ડાઉનિંગ સ્ટ્રીટનો નંબર છે અને તમે જો વડા પ્રધાનના પ્રેસ સેક્રેટરીનો સંપર્ક કરશો તો વડા પ્રધાન શું કરવાના છે તેની તેમને જાણ હશે. હું વડા પ્રધાનનો ડાયરી સેક્રેટરી નથી. વડા પ્રધાન તમામ આમંત્રણોની સમીક્ષા કરતા રહે છે.’ તેમણે સ્કાય ન્યૂઝને એમ જણાવ્યું હતું કે જ્હોન્સન વિપક્ષના નેતા સાથે બે જીવંત ટેલિવિઝન ચર્ચા માટે સંમત થનારા પ્રથમ વડા પ્રધાન છે. મતદાતાઓ પ્રશ્નો પૂછી બંને નેતાઓને તેમની નીતિઓ જણાવવા કહી શકે છે