નવી દિલ્હી: કોઈ ક્રાઈમ થ્રિલર વેબસીરિઝનો પ્લોટ હોય એવી કાળજું કંપાવી નાખતી મર્ડરની ઘટના દેશના પાટનગરમાં બની છે. આફતાબ નામના યુવાન સાથે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતી શ્રદ્ધાને પ્રેમ થઈ જાય છે. બંનેના ધર્મ અલગ હોવાથી શ્રદ્ધાનો પરિવાર બંનેના સંબંધનો વિરોધ કરે છે. આથી લગ્નની લાલચ આપીને આફતાબ શ્રદ્ધાને દિલ્હી લઈને આવી જાય છે. લિવ ઈનમાં રહેવા લાગે છે. યુવતી લગ્ન કરવા વારંવાર બોયફ્રેન્ડને મનાવે છે અને એક દિવસ બોયફ્રેન્ડ ગળું ઘોંટીને ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખે છે. ઠંડા કલેજે ગર્લફ્રેન્ડના મૃતદેહના ૩૫ ટૂકડા કરી નાખે છે અને દરરોજ એક એક ટૂકડો જંગલમાં રઝળતો મૂકી દે છે.... આ ધ્રુજાવી દેનારી સત્યઘટના છે દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસની...
મુંબઈમાં રહેતી 26 વર્ષની યુવતી શ્રદ્ધા વોકર અને 28 વર્ષના આફતાબ અમીન પુનાવાલા મુંબઈના એક કોલ સેન્ટરમાં સાથે કામ કરતાં હતાં. બંને વચ્ચે થોડાં પરિચય પછી દોસ્તી થઈ અને દોસ્તી પછી પ્રેમ પણ થયો. શ્રદ્ધાના પ્રેમમાં આફતાબનો ધર્મ વચ્ચે ન આવ્યો. એણે દિલ ખોલીને આફતાબને પ્રેમ કર્યો હતો. એટલું જ નહીં, પ્રેમની જાણ પરિવારને પણ કરી દીધી.
પ્રેમી માટે પરિવાર છોડ્યો પણ...
શ્રદ્ધાના પરિવારે આફતાબનો ધર્મ અલગ હોવાથી સંબંધનો વિરોધ કર્યો. પરિવારના વિરોધ વચ્ચે આફતાબે શ્રદ્ધાને લગ્નનો વાયદો આપ્યો અને દિલ્હી જઈને રહેવા મનાવી લીધી. મુંબઈ છોડીને બંને દિલ્હી આવી ગયા. થોડાં દિવસ દિલ્હીની હોટેલોમાં રહ્યા બાદ આખરે બંનેએ ફ્લેટ ભાડે લીધો અને લિવ ઈનમાં રહેવા લાગ્યાં. શ્રદ્ધાને તેના પ્રેમમાં શ્રદ્ધા હતી. આફતાબે તેને થોડા સમયમાં બધી વ્યવસ્થા થઈ જાય પછી લગ્ન કરી લેવાનો વાયદો કર્યો હતો.
થોડા મહિના વીત્યા પછી પણ આફતાબ લગ્ન માટે તૈયાર ન થયો. એ મુદ્દે બંને વચ્ચે દલીલો થવા માંડી.
પહેલાં જીવ લીધો, પછી 35 ટુકડાં કર્યાં
18મી મે 2022ના દિવસે શ્રદ્ધા-આફતાબ વચ્ચે લગ્નને લઈને ઉગ્ર દલીલો થઈ. આફતાબે મોકો જોઈને શ્રદ્ધાનું ગળું ઘોંટી દીધું. બેડમાં તરફડિયા મારીને શ્રદ્ધાએ દમ તોડી દીધો પછી ઠંડા કલેજે આફતાબે શ્રદ્ધાની લાશના નિકાલની વ્યવસ્થા કરવા માંડી. પહેલાં તો આ નરાધમે આરીથી શ્રદ્ધાની લાશના ટૂકડાં કરવાનું શરૂ કર્યું. લાશના કુલ ૩૫ ટૂકડા કરી નાખ્યાં. આખો ફ્લેટ અગરબત્તી અને રૂમ ફ્રેશનરથી મહેકાવી દીધો. પાડોશીઓને મૃતદેહની દૂર્ગંધ ન આવે એની વ્યવસ્થા કર્યા બાદ તેણે લોકલ માર્કેટમાંથી 25 હજાર રૂપિયાનું ફ્રિજ ખરીદ્યું અને એમાં મૃતદેહના બધા જ ટૂકડા મૂકી દીધા.
દરરોજ લાશના એક - એક ટુકડાનો નિકાલ
એ પછી મૃતદેહને ઠેકાણે પાડવાનો બીજો તબક્કો શરૂ કર્યો. આફતાબ દરરોજ ખૂબ જ સંભાળપૂર્વક એક ટૂકડો સાચવીને બેગમાં મૂકતો અને મધરાતે ચૂપકીદીથી મહરોલીના જંગલમાં ફેંકી દેતો. આવું લગભગ 15-17 દિવસ સુધી ચાલ્યું. દિલ્હીના અલગ અલગ સ્થળોમાં આ નરાધમે શ્રદ્ધાની લાશના ટૂકડાં વેરી દીધા. એને પાક્કો ભરોસો હતો કે કોઈ આ હત્યાકાંડની વિગતો મેળવી શકશે નહીં. દરરોજ આ નરાધમ એ જ રૂમમાં સૂતો હતો જ્યાં તેણે શ્રદ્ધાનું મર્ડર કર્યું હતું અને તેની લાશના ટૂકડા કર્યા હતા. બહાર તેની તમામ વર્તણૂંક એકદમ સાધારણ હતી કે કોઈને તેના પર શંકા પડે એવી શક્યતા જ ન હતી.
શ્રદ્ધાના પિતાને અજૂગતું બન્યાની શંકા ગઇ
બીજી તરફ શ્રદ્ધાનો પરિવાર તેના સંપર્કમાં ન હતો, પરંતુ તેના પિતા શ્રદ્ધાના સોશિયલ મીડિયાના માધ્યમથી તેની ભાળ રાખતા હતા. છએક મહિના સુધી શ્રદ્ધાના કોઈ અપડેટ ન જણાતા એ દિલ્હી આવ્યાં. તેના પિતા શ્રદ્ધાના દોસ્તો પાસેથી વિગતો મેળવીને શ્રદ્ધા જ્યાં છેલ્લે રહેતી હતી ત્યાં સુધી આવ્યા, પણ ફ્લેટ બંધ હતો. શ્રદ્ધાની કોઈ ભાળ મળી નહીં. ફ્રેન્ડસર્કલમાંથી પણ કોઈને જાણ ન હતી. પિતાએ પોલીસમાં શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ કરી. ફરિયાદના આધારે પોલીસે તેને આખરે તેને દબોચી લીધો.
આફતાબે કબૂલ્યુંઃ યસ, આ કિલ્ડ હર...
પોલીસની આગવી આકરી પૂછપરછમાં આફતાબે ઠંડા કલેજે કબૂલ્યું: યસ, આઈ કિલ્ડ હર. પોલીસે તેની કબૂલાતના આધારે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ નરાધમે જે સ્થળે શ્રદ્ધાની લાશના ટૂકડાં ફેંક્યા હતા ત્યાંથી પોલીસને કેટલાક હાડકાના પુરાવા મળ્યા છે. મર્ડરમાં વપરાયેલા હથિયાર, બેગ સહિતના પુરાવા એકઠાં કરવાની કવાયત પોલીસે આદરી છે.
વેબસીરિઝ જોઈને મૃતદેહના નિકાલનો પ્લાન
શ્રદ્ધાના મૃતદેહનો નિકાલ કરવા માટે આફતાબે આયોજન કર્યું હતું. એ ‘ડેક્સટર’ નામની વેબસીરિઝ જોતો હતો. એમાં હત્યા પછી મૃતદેહના નિકાલની જે તરકીબ કરાઈ હતી એમાંથી શીખીને તેણે શ્રદ્ધાની હત્યાનું ષડયંત્ર ઘડી કાઢ્યું. વેબસીરીઝમાં બતાવ્યા પ્રમાણે એણે પહેલા શ્રદ્ધાની હત્યા કરી હતી અને પછી ટૂકડા કરીને ફ્રીજમાં સાચવ્યા બાદ એક પછી એક ટૂકડાં જંગલમાં ફેંક્યા હતા.
'તો આજે દીકરી જીવતી હોત': પિતાનો વલોપાત
બોયફ્રેન્ડની લગ્નની લાલચમાં આવી ગયેલી શ્રદ્ધાને માતા-પિતાએ સમજાવવા પ્રયાસ કર્યો તો તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: 'હું મારા નિર્ણયો જાતે લઈ શકું છું. હું સ્વતંત્ર છું અને મારે તમારા ઓપિનિયનની જરૂર નથી'. શ્રદ્ધાના પિતાના કહેવા પ્રમાણે એ 2019થી આફતાફના પ્રેમમાં હતી. એ બંનેના 18 મહિનાના સંબંધો પછી ઘરમાં એની જાણ થઈ હતી. એ આફતાબ સાથે લગ્ન કરવા મક્કમ હતી. ઘરમાંથી જતી હતી ત્યારે એણે કહ્યું હતું: આજથી હું તમારી દીકરી નથી. મારો સંપર્ક કરવાની કોશિશ ન કરતાં. જોકે, થોડાં સમય પછી શ્રદ્ધા તેની મમ્મી સાથે સંપર્કમાં આવી હતી. આફતાબ સાથે ઝઘડા થતા હોવાનું પણ કહેતી હતી ને આફતાબ મારપીટ કરે છે એવું કહેતી હતી, પરંતુ એ વાત પિતાને કહેવાની મનાઈ કરતી હતી.