ગાંધીજીની અખૂટ ઊર્જાનું રહસ્ય હતું દઢ મનોબળ

પહેલી વખત ગાંધીજીનો મેડિકલ રિપોર્ટ જાહેર થયો

Wednesday 27th March 2019 06:40 EDT
 
 

ધરમશાલાઃ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની દેશવિદેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ‘Gandhi and health@150’ નામના પુસ્તકનું ધરમશાલા ખાતે ધર્મગુરુ દલાઇ લામાના હસ્તે વિમોચન થયું છે. આ પુસ્તકમાં સૌપ્રથમ વખત ગાંધીજીના તબીબી રિપોર્ટની વિગતોનો સમાવેશ કરાયો છે.
અત્યાર સુધી લોકો માનતા રહ્યા છે કે મહાત્મા ગાંધી તેમના આહાર-વિહારના ચુસ્ત નિયમોને લીધે જ આ હદે માનસિક અને શારીરિક શ્રમનું ઉદાહરણ બની શક્યા હતા. જોકે તેમનો તબીબી રિપોર્ટ અને રેકોર્ડ કંઇક અલગ જ વાત કરે છે. આ રિપોર્ટ જોતાં એમ કહી શકાય કે તેમના સિદ્ધાંતો અને ધ્યેયને કોઇ પણ ભોગે પાર પાડવા માટેનું તેમનું દૃઢ મનોબળ જ તેમની અખૂટ ઉર્જાનું રહસ્ય હતું. બાકી તેમના તબીબી રિપોર્ટ જોઇએ તો તે વખતે તેમને ડોકટરોએ ‘લાંબો સમય આરામ કરો અને ખોરાકની માત્રા સાથે વજન વધારો’ તેવી જ સલાહ આપી હતી.
૧૯૩૯ના રેકોર્ડ પ્રમાણે ગાંધીજીનું વજન માત્ર ૪૬.૭ કિલો અને ઊંચાઇ ૫ ફૂટ ૫ ઈંચ હતી. તેમનો બોડી માસ ઈન્ડેક્સ - ૧૭.૧ હતો, જે તેમને કુપોષણના વર્ગમાં મૂકી શકાય તેવો હતો.
ગાંધીજીને એક કરતા વધુ બીમારી હતી અને તેમની કુપોષણ જેવી કૃશ સ્થિતિ હોવાથી રોગપ્રતિકારક શક્તિ ચિંતાજનક હદે ઓછી હતી.

આથી તેમને ૧૯૨૫, ૧૯૩૬ અને ૧૯૪૪માં એમ ત્રણ વખત મેલેરિયા થયો હતો. અત્યાર સુધી ગાંધીજીના સિદ્ધાંતો, મૂલ્યો અને અહિંસા સાથે આઝાદીના સંગ્રામ સંદર્ભે વિક્રમજનક સાહિત્ય સર્જાયું છે, પણ તેમના જીવનભર કથળેલા સ્વાસ્થ્ય અને પીડા-બીમારીનો સત્તાવાર રેકોર્ડ સૌપ્રથમ વખત બહાર આવ્યો છે.
આ રેકોર્ડ અનુસાર, ગાંધીજીને ૧૯૧૯માં હરસ (પાઇલ્સ) અને ૧૯૨૪માં આંતરડાનું ઓપરેશન કરાવવું પડયું હતું. ગાંધીજી લંડનમાં હતા ત્યારે ફેફસાં અને છાતીને જોડતા ટિસ્યુનો તેમને ચેપ લાગ્યો હતો. તેઓ આહાર-વિહારના પ્રયોગ કરતા હતા અને લાંબા અરસાના ઉપવાસોની હારમાળાને લીધે તેમના આરોગ્યને બહુ સહન કરવું પડયું હતું. ઘણી વખત તેઓ મૃત્યુના મુખ નજીક સરકી જવા જેવી હાલતમાંથી ઉગર્યા હતા.
૧૯૩૭થી ૧૯૪૦ દરમિયાનના તેમના ઈસીજી-કાર્ડિયોગ્રામના રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. જેનો અભ્યાસ કરતા જોવા મળ્યું છે કે તેમનું હૃદય સામાન્ય રીતે કાર્યરત હતું, પણ અમુક સમયાંતરે તેમના કાર્ડિયોગ્રામમાં લયબદ્ધતા જોવા નહતી મળતી. તબીબી પરિભાષામાં આને ‘સ્લાઇટ માયોકાર્ડિટિસ‘ કહેવાય, જે તેમની વય જોતા ચિંતાજનક નહોતું.
તબીબોના મતે સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે છેક ૧૯૨૭થી તેમને હાઇ બ્લડ પ્રેશરની બીમારી હતી. ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૦ના રોજ તેમનું બ્લડપ્રેશર માપતાં તે ૨૨૦/૧૧૦ આવ્યું હતું. આવી સ્થિતિમાં વ્યક્તિને સીધી જ હોસ્પિટલમાં દાખલ કરવી પડતી હોય છે. ગાંધીજી આટલા વર્ષોથી બ્લડપ્રેશર છતાં કઇ રીતે અસાધારણ શારીરિક શ્રમ, તનાવને નજીક ફરકવા દીધા સિવાય મનની આ હદે સ્વસ્થ અને શાંત ચિત્ત કેળવી શકતા હતા તેને તબીબી કોયડો જ ગણી શકાય.
ગાંધીજીએ ૧૯૪૦માં તેમના ડોક્ટર સુશીલ નાયરને (કે જેઓ આગળ જતા આઝાદ ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન બન્યા હતા તેમને) એક પત્રમાં લખ્યું હતું કે ‘મારું બ્લડપ્રેશર સતત ઊંચું જ રહે છે તેથી હું સર્પગંધાના ત્રણ ટીપા લઉં છું.’
આવા ચિંતાજનક આરોગ્ય છતાં ગાંધીજી રોજ ૧૮ કિલોમીટર ચાલી શકતા હતા. ૧૯૧૩થી ૧૯૪૮ દરમિયાન તેઓ કુલ ૭૯,૦૦૦ કિલોમીટર જેટલું ચાલ્યા હતા, જે અંતર પૃથ્વીની બે વખત પ્રદક્ષિણા કરવા જેટલું થાય છે.
ગાંધીજી બકરીનું દૂધ જ પીતા હતા. તેઓ એલોપેથી દવા કે એલોપેથી ડોકટરોથી હંમેશા અંતર રાખતા હતા. કુદરતી ઉપચાર, આયુર્વેદના પ્રયોગ તેમના દેહ પર જ કરતા અને પાણી અને માટીનું જ સ્નાન કરતા હતા.
ગાંધીજીના તબીબી રિપોર્ટ જાણ્યા પછી તેમના માટે કહેવાયેલું વાક્ય એકદમ યથાર્થ જણાય છેઃ ‘આગામી વિશ્વ માની નહીં શકે કે એક મુઠ્ઠીભર હાડકા અને સુકલકડી કાયા ધરાવતો માનવી આ હદે ન ભૂતો ન ભવિષ્ય મહામાનવ બનીને પૃથ્વી પર વિરાટ પ્રદાન આપીને જીવી ગયો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter