અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ ધારાસભ્યોએ માત્ર પક્ષમાંથી જ નહીં, વિધાનસભાના સભ્યપદેથી પણ રાજીનામા આપી દીધા છે. આના માઠા પરિણામ કોંગ્રેસને આવતા સપ્તાહે ૮ ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીમાં ભોગવવા પડશે.
રાજીનામા આપનારા ધારાસભ્યોમાં બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), ડો. તેજશ્રીબહેન પટેલ (વિરમગામ), પ્રહલાદ પટેલ (વિજાપુર), માનસિંહ ચૌહાણ (બાલાસિનોર), છનાભાઇ ચૌધરી (નવસારી) અને રામસિંહ પરમાર (ઠાસરા)નો સમાવેશ થાય છે.
એક જ સપ્તાહમાં ટોચના નેતાઓએ પક્ષ છોડતાં મોવડી મંડળના નેતાઓ દોડતા થઇ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી પૂર્વે હજુ વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે તેવી આશંકાથી પ્રદેશ કોંગ્રેસ તેના તમામ ૪૦ ધારાસભ્યોને બેંગ્લૂરુ લઇ ગઇ છે. આ તમામ ધારાસભ્યોને પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓની સીધી નજર હેઠળ એક લક્ઝરી રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીની આગલી સાંજે - સાતમી ઓગસ્ટે ગાંધીનગર લાવવામાં આવશે. જોકે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની આ મરણિયા પ્રયાસો છતાં કોંગ્રેસી ધારાસભ્યો મતદાન વેળા ક્રોસ વોટિંગ નહીં જ કરે તેની તો કોઇ ખાતરી છે જ નહીં.
રાજ્ય વિધાનસભા ગૃહમાં સભ્યસંખ્યાને જોવામાં આવે તો ત્રણમાંથી બે બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત મનાય છે. જ્યારે ત્રીજી બેઠક કોંગ્રેસના ફાળે જાય તેમ હતી. ભાજપ તરફથી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી નોંધાવી છે. તો કોંગ્રેસ તરફથી પક્ષના વરિષ્ઠ નેતા અને પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુ અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.
ગયા સપ્તાહે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને છેલ્લા લાંબા સમયથી પક્ષના હાઇકમાન્ડની નીતિરીતિથી નારાજ શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને જાહેર સંમેલન યોજીને પક્ષને રામ રામ કર્યા હતા. બાપુ ભાજપ સાથે જોડાઇ શકે છે તેવી પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની આશંકાથી વિપરિત વાઘેલાએ તે સમયે ખાતરી આપી હતી કે તેઓ ભાજપ સાથે તો નથી જ જોડાવાના. કોંગ્રેસ હાઇ કમાન્ડે હજુ તો માંડ રાહતનો શ્વાસ લીધો હતો ત્યાં જ ત્રણ ધારાસભ્યો કોંગ્રેસના દંડક તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, વિરમગામનાં ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલ અને વિજાપુરના ધારાસભ્ય પ્રહલાદ પટેલે પક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી.
શંકરસિંહ વાઘેલાની વિદાય બાદ ત્રણ સભ્યોએ પક્ષ છોડતાં કોંગ્રેસની પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય નેતાગીરી ઊંઘતી ઝડપાઇ હતી. હજુ તો તેમને આ આંચકાની કળ વળે ત્યાં તો બીજા દિવસે વધુ ત્રણ ધારાસભ્યો માનસિંહ ચૌહાણ, રામસિંહ પરમાર અને છનાભાઇ ચૌધરીએ પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. આ પછી પક્ષના મોવડીઓ દોડતા થઇ ગયા હતા. તમામ ધારાસભ્યોને રાતોરાત ભેગા કરવામાં આવ્યા હતા અને વિમાન માર્ગે બેંગ્લૂરુના રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. કર્ણાટક કોંગ્રેસના જ એક નેતાની માલિકીના રિસોર્ટમાં તેમને રાખવામાં આવ્યા છે, અને તેમના મોબાઇલ ફોન સહિત તમામ પ્રવૃત્તિઓ પર સીધી નજર રખાઇ રહી છે.
વરસાદી માહોલમાં રાજકીય ગરમી
વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને આ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં વરસાદના ઠંડા માહોલમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. ચુસ્ત કોંગ્રેસી ગણાતાં બળવંતસિંહે રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું કોંગ્રેસ સાથે છેલ્લા ૩૫ વર્ષથી જોડાયો હતો. પરંતુ કેટલાક વર્ષથી પક્ષમાં અનેક શંકા-કુશંકા હતી એટલે હું કોંગ્રેસ પક્ષ છોડી રહ્યો છું. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આગેવાનો પર પ્રજાને વિશ્વાસ રહ્યો ન હતો.
વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના આંતરિક ડખાના કારણે હું પક્ષ છોડી રહી છું. પાટીદારોના પ્રશ્ને અનેક રજૂઆત છતાં કોંગ્રેસ પક્ષે પગલાં ભર્યા ન હતાં. રાજીનામું આપતાં હું ઘણી દુઃખી છું. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે, કોંગ્રેસમાં ચોક્કસ લોકોને હરાવવા માટે સોપારી લેવાય છે. થોડા સમય પહેલાં અલ્પેશ ઠાકોરે મારી સાથેના ભોજા ગામના કાર્યક્રમમાં કહ્યું હતું કે, વિરમગામની ટિકિટ કોંગ્રેસ કહેશે તેને નહિ બલ્કે હું કહીશ તેને મળશે. અલ્પેશના પિતાને ટિકિટ આપવાની કોંગ્રેસની વેતરણના કારણે આખરે કંટાળીને રાજીનામું આપ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય પ્રહલાદ પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં હવે કંઈ રહ્યું નથી, મારા કામો થતાં ન હતાં. એટલે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.
ભાજપમાં ૧૦ કરોડ મળશે: પુના ગામિત
વ્યારાના કોંગી ધારાસભ્ય પુના ગામિતે દાવો કર્યો કે, ભાજપમાં જોડાવાની સાથે ૧૦ કરોડની ઓફર લઈને આઈપીએસ એન. કે. અમીન આવ્યા હતા, તેમણે મને કહ્યું કે, તમારા બદલે તુષાર ચૌધરી ચૂંટણી લડવાના છે, તમે શું કરશો, ભાજપમાં આવી જાવ. ૧૦ કરોડ પણ તમને મળી રહેશે. સારો મોકો છે. જોકે હું ગભરાઈને સુરત જતો રહ્યો હતો અને ધારાસભ્ય આનંદ ચૌધરી સાથે ગાડીમાં અમદાવાદ આવ્યો હતો. આ મામલે સંસદમા પણ કોંગ્રેસના સભ્યોએ ઉહાપોહ કર્યો હતો. એન્કાઉન્ટર કેસના આરોપીનો ભાજપ ઉપયોગ કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ થયો હતો.
શંકરસિંહ સાથે વાત કરાવી: ગાવિત
ડાંગના કોંગી ધારાસભ્ય મંગળ ગાવિતે દાવો કર્યો કે, ખુમાનસિંહ સહિતના ૭ લોકો ભાજપમાં જોડાવાની ઓફર લઈને મારી પાસે આવ્યા હતા. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. શંકરસિંહ વાઘેલા બોલ્યા કે, ગભરાતા નહિ, બધું ગોઠવાઈ જશે. ખુમાનસિંહે કહ્યું કે, તમને ભાજપની ટિકિટ અને ચૂંટણી ખર્ચ પૂરો પડાશે. જે માગ હોય તે પૂરી કરાશે.
કોંગ્રેસને ખતમ કરવાની યોજના હતી
રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો સિલસિલો રોકવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને બેંગ્લૂરુ મોકલ્યા છે. રવિવારે બેંગ્લૂરુમાં કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપને અમારા ૨૨ ધારાસભ્યોને પક્ષપલ્ટો કરાવી, રાજ્યસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને ખતમ કરવાની યોજના હતી.
શક્તિસિંહે કહ્યું કે, ભાજપ અમારા ઓઈલના વેપારી એવા બળવંતસિંહને પોતાના પક્ષમાં લઈ ગયો, જેમનું ઓઈલ આર્મી અને નેવીમાં સપ્લાય થાય છે. પત્રકાર પરિષદમાં એક તબક્કે ગોહિલ ગળગળા થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસી ધારાસભ્યોએ સુર પુરાવ્યો કે, અમે બેંગ્લૂરુ જબરદસ્તી નથી આવ્યા, મોજ-મસ્તી કરવા નથી આવ્યા પણ સલામતીના કારણસર અહીં આવ્યા છે. કોઈ ધારાસભ્ય બેંગ્લૂરુના ઈગલટન રિસોર્ટમાં મોજમસ્તી માટે આવ્યા નથી, બલ્કે સલામતી, જનમત અને લોકશાહી બચાવવા માટે આવ્યા છે.
ખજૂરાહોકાંડની યાદ તાજી
આ ઘટનાક્રમે સપ્ટેમ્બર ૧૯૯૫માં શંકરસિંહ વાઘેલાએ જે ખજુરાહોકાંડ સર્જ્યો હતો તેની યાદ અપાવી છે. અલબત્ત, કોંગ્રેસે શંકરસિંહનું ખજુરાહોકાંડનું શસ્ત્ર તેમની સામે જ ઉગામ્યું છે. બે દિવસમાં છ ધારાસભ્યોનાં રાજીનામાં પડતાં હવે કોંગ્રેસ પાસે ૫૧ ધારાસભ્યો રહ્યા છે. જોકે ખુદ કોંગ્રેસને ૫૧ પૈકી ૪૪ જેટલા ધારાસભ્યો પર ભરોસો રહ્યો નથી. આથી ૪૪માંથી પણ છેલ્લી ઘડીએ કોઈ ફરી ન જાય, ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ન જાય તે માટેની ડેમેજ કંટ્રોલ કવાયતના ભાગરૂપે રાતોરાત ઈન્ડિગોની ફલાઈટ મારફત બેંગ્લૂરુ મોકલી દેવાયા છે. કોંગ્રેસે ચાર અલગ અલગ જગ્યાએ પોતાના ધારાસભ્યોને ભેગા કર્યા હતા. રાજકોટમાં ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના બંગલે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રખાયા હતા. આણંદ ખાતે ફાર્મહાઉસ પર સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં કેટલાક ધારાસભ્યોને રખાયા હતા, એ જ રીતે સુરતમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને એક ફાર્મહાઉસમાં રખાયા હતા.
દેશના રાજકારણ માટે સૂચક
ગુજરાત અને દેશના રાજકારણ પર નજર કરીએ તો પહેલાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી, પછી નીતીશે ગઠબંધન તોડી ભાજપ સાથે સરકાર બનાવી અને હવે ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યો પક્ષને અલવિદા કરી રહ્યા છે. હવે આ સિલસિલો આગળ વધવાનો વર્તારો છે જે ખૂબ જ સૂચક મનાઈ રહ્યો છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ નવસર્જનની વાતો કરે છે પરંતુ પક્ષ પોતે જ વિસર્જનના માર્ગે જઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.