યુનાઈટેડ નેશન્સ સહિત સમગ્ર વિશ્વમાં જેની સતત પ્રશંસા થતી રહી છે તેવા વિકાસના ગુજરાત મોડેલ વિશે ઘણું લખાયું છે અને તેથી વધુ તો બોલાયું પણ છે. જોકે, ભારતમાં મીડિયા વર્ણનો મિશ્ર રહ્યા છે જ્યાં, ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે જ આ મોડેલનું આલેખન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કાંઈ કરતા હોય તે તમામ બાબતોને માત્ર વિરોધના ચશ્માથી નિહાળનારા લોકો દ્વારા મુખ્યત્વે તેનો અપપ્રચાર જ થઈ રહ્યો છે.
જોકે, જમીન સાથે જોડાયેલાં તળિયાના લોકોએ ગુજરાત મોડેલને વિધેયાત્મક પ્રતિસાદ આપ્યો છે અને તેનું સમગ્ર ભારતમાં પુનરાવર્તન કરવાના વચનથી પ્રેરાઈ ૨૦૧૪માં મોદીને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો ત્યારે ભારતના વર્ચસ ધરાવતા તથાકથિત ‘બૌદ્ધિકવર્ગ’ દ્વારા તેના સમર્થકોની હાંસી ઉડાવાઈ હતી.
તેમના વૃતાન્તો અનુસાર તો ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા હતી, જેની વ્યાખ્યા તેઓ લઘુમતીઓને બીજા વર્ગના નાગરિકો ગણવામાં આવે છે તેવા હિન્દુ બહુમતવાદ પર આધારિત સંકીર્ણ વિચારધારા તરીકે જ કરે છે. તેમણે તો ગુજરાત મોડેલને રાજકીય-કોર્પોરેટ ધનિકવર્ગના એક પ્રકાર તરીકે ચીતરવાનો પ્રયાસ પણ કર્યો હતો જ્યાં, લઘુમતીઓ, ગરીબો અને હાંસિયામાં ધકેલી દેવાયેલાં લોકોનાં અધિકારો તરફ બેપરવા રહીને થોડાં વિશાળ ઔદ્યોગિક ગૃહોને વિશેષાધિકારો અપાય છે.
આ બેહુદી કલ્પના કે તરંગો સિવાય કશું જ નથી.
હકીકત એ છે કે ગુજરાત એક પ્રયોગશાળા અવશ્ય છે પરંતુ, સ્વદેશી વિકાસ મોડેલની અનોખી પ્રયોગશાળા છે. ચીનના ડેંગ શીઓપિંગે ચીનની ભૂમિગત વાસ્તવિકતાઓને નજરમાં રાખીને નવા વિકાસ મોડલનું આલેખન કર્યું હતું, જેના થકી તે નગણ્ય ગણાતો દેશ વિશ્વના નેતાની હરોળમાં આવી ઉભો છે, તે જ રીતે મોદીના ગુજરાત મોડલે ભારત માટે આવી જ હરણફાળ ભરવાનું વચન આપ્યું છે. જોકે, સૌથી મોટો તફાવત એ છે કે મોદીના વિકાસ એજન્ડામાં લોકશાહીના મૂળિયાં છે, જેના પરિણામે તેઓ દરેક સમયે મતદારોને ઉત્તરદાયી બની રહે છે.
મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરી દરેક વિકસિત દેશ પાસેથી રોકાણો આકર્ષીને ગુજરાતને ભારતના ઔદ્યોગિક પાવરહાઉસમાં રૂપાંતરિત કર્યું છે. આમ, સમગ્ર વૈશ્વિક સંપર્ક ગુજરાત મોડેલનો અવિભાજ્ય હિસ્સો બની રહેલ છે. વિશ્વમાં યુએસથી માંડી યુરોપના ઘણા દેશો વિદેશી કંપનીઓ, વિદેશી પ્રોફેશનલ્સ અને વિદેશી મૂડીને જાકારો આપવાની હાકલ કરી રહ્યા હતા તેવાં સમયે ભારત વિશ્વને આવકારવા સક્રિય બન્યું છે. ભારતે ગયા વર્ષે ૫૩ બિલિયન ડોલરનું વિક્રમી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) હાંસલ કરી વિશ્વમાં સૌથી મોટા પ્રમાણમાં આ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ મેળવનાર દેશ બન્યો છે તેમાં કોઈ આશ્ચર્ય નથી.
સરકારના મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, તમામ માટે પેન્શન, તમામ માટે વીમો, તમામ માટે આવાસ, ૧૦૦ GW સોલાર પાવરથી ભારતને ઝગમગતું કરવાની મહત્ત્વાકાંક્ષી પહેલ સહિત મુખ્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોના બીજ મોદી તેમના વતનના રાજ્યમાં મુખ્ય પ્રધાન હતા તેની મુદતમાં જ વવાયાં હતાં.
સરખામણી કરીશું તો આશ્ચર્યજનક સામ્ય જોવાં મળે છે. મોદીએ ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શાસનધુરા સંભાળી ત્યારે રાજ્ય વિનાશક ધરતીકંપની પાછોતરી અસરનો સામનો કરી રહ્યું હતું. દુકાળ, વાવાઝોડાં અને પૂરથી સર્જાયેલો વિનાશ ઓછો ન હતો. લોકો કહેતા હતા કે ગુજરાતને ફરી પગભર થતાં વર્ષો લાગી જશે.
પરંતુ, ત્રણ કરતા પણ ઓછાં વર્ષમાં ગુજરાત વિકાસના મોટા ભાગના માપદંડોમાં ભારતના અગ્રણી રાજ્ય તરીકે બહાર આવ્યું હતું.
મોદીએ આ ચમત્કાર કેવી રીતે કર્યો?
ગુજરાતના વિકાસ મોડેલનું સૌથી મહત્ત્વનું પાસુ એ હતું (અને છે) કે તે આઝાદી પછીના વર્ષોમાં અનુસરાયેલું અવિશ્વસનીય અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોડલ ન હતું. આના બદલે, તેનાથી જે લોકોને અસર થવાની હતી તેવાં લોકોનાં મતને ધ્યાનમાં લેવાના નવતર આદર્શનો આરંભ કરાયો હતો. આ મોડેલ વિકાસની પ્રક્રિયામાં લોકોને સક્રિય હિસ્સેદાર અને સહભાગી બનાવવા સાથે અત્યાર સુધી નોકરશાહી અને ટેકનિકલ નિષ્ણાતોના જ પ્રભાવના ક્ષેત્રો ગણાયેલી સરકારી યોજનાઓ પરત્વે માલિકીની ભાવના વિકસાવી શક્યું હતું.
હવે આપણે થોડું વિષયાંતર કરીએ અને અને રૂ. ૧,૦૦૦ અને રૂ.૫૦૦ના ઊંચા મૂલ્યની ચલણી નોટ્સના વિમુદ્રાકરણ -ડિમોનેટાઈઝ કરવાના હિંમતપૂર્ણ પગલા વિશે વિચારીએ. એ વાત સાચી છે કે આ પગલાથી ભારે મુશ્કેલી સર્જાઈ અને ખાસ કરીને ગરીબોને આવી મુશ્કેલી સહન કરવી પડી છે. આમ બધા છતાં અને લગભગ સમગ્ર વિરોધ પક્ષોના શ્રેષ્ઠ સંયુક્ત પ્રયાસો છતાં, સામાન્ય ભારતીય માનવીએ હસતા મુખે આ દુઃખ સહન કર્યું છે કારણકે તેમને વિશ્વાસ હતો કે તેમનું આ કામચલાઉ દુઃખ નજીકના ભવિષ્યમાં સારા સમય તરફ દોરી જશે.
મોદીએ આ કાર્ય કેવી રીતે પાર પાડ્યુ? તમારી ધારણા સાચી છે. વિકાસનું ગુજરાત મોડેલ! ભ્રષ્ટાચાર સામેની પોતાની લડાઈમાં દરેક ભારતીયને એક સૈનિક બનાવીને મોદીએ તેમને સહભાગી બનાવ્યા એવી યોજનામાં જે સમાંતર-છાયા અર્થતંત્રને નાબૂદ કરવાની અથવા ઓછામાં ઓછું તેના પર નોંધપાત્ર અંકુશ લાવવાની ખાતરી આપે છે.
હા, ગુજરાત એક પ્રયોગશાળા છે પરંતુ, આર્થિક ઉદારીકરણ અને વેલ્ફેર ઈકોનોમિક્સ પ્રત્યે સંતુલિત અભિગમ ધરાવે છે. મોદી સરકારે સહુને પોસાય તેવી મેડિકલ, લાઈફ ઈન્સ્યોરન્સ અને પેન્શનની ત્રણ યોજનાઓ અમલી બનાવી છે જેને, લાંબા સમયથી દુઃખ ઝેલતા સામાન્ય ભારતીયોએ આવકાર આપ્યો છે. આ પહેલા તો ભારત સામાજિક સુરક્ષા વ્યાપ નહિ ધરાવતો દેશ હતો.
ગુજરાતમાં મોદીની વાર્ષિક કૃષિ મહોત્સવની પહેલ હેઠળ ખેડૂતોને ઉત્પાદકતામાં વૃદ્ધિ વિશે માર્ગદર્શન આપતા સોઈલ હેલ્થ કાર્ડ્સ મળ્યાં હતાં. આ તેમજ અન્ય વિવિધ કાર્યક્રમો ગુજરાતમાં અગાઉ કદી ન હતી તેવી ગ્રામીણ સમૃદ્ધિ તરફ દોરી ગયા હતા.
વડા પ્રધાન તરીકે મોદીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (Crop Insurance Scheme) દાખલ કરી છે, જે અન્વયે ખેડૂતોએ તેમનો પાક નિષ્ફળ જાય તેની સામે વીમો મેળવવા ૧.૫થી ૨ ટકા પ્રીમિયમ ચુકવવાનું થાય છે. આ યોજના બે-ત્રણ વર્ષની અંદર તમામ ખેડૂતોના ૫૦ ટકાને આવરી લેશે.
આ પછી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ તેમનું ધર્મયુદ્ધ અને દિલ્હીમાં સત્તાની ગલિયારીઓમાં ઊંચા સ્તરે ભ્રષ્ટાચાને નાબૂદ કરવામાં તેમની સિદ્ધિ તેમજ સરકારના છેક નીચલા સ્તરે પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ટેકનોલોજીનો ઉપયોગ, આ બધું જ તેમના ગુજરાતના અનુભવ અને ગુજરાતના વિકાસ મોડેલ પર જ આધારિત છે.
આ મોડેલના બે મહત્ત્વપૂર્ણ માપદંડ ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટેની અંત્યોદય યોજના છે અને આ બન્ને વિચાર આ મોડેલના સીમાસ્તંભ બની રહ્યા છે.
આ તો પ્રયોગશાળા ગુજરાતના માત્ર થોડા ઉદાહરણ જ છે. જોકે, મહત્ત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ગુજરાતમાં સારા પરિણામ આપનારું આ મોડેલનું પુનરાવર્તન સમગ્ર ભારતમાં કરી શકાય?
ખરેખર, ભારતનું ફલક વધુ વ્યાપક છે અને તેની જટિલતાઓ પણ અકલ્પનીય છે. જોકે, જન ધન યોજના (નાણાકીય સમાવર્તી કાર્યક્રમ જેના હેઠળ ભારતમાં બેન્કખાતા નહિ ધરાવતાં ૨૬૦ મિલિયન લોકોને બેન્કખાતા ખોલી અપાયાં હતાં)ની સફળતા અને ઓછી જરૂરિયાતવાળા લોકોને રાંધણગેસના સિલિન્ડર છોડી દેવા પ્રોત્સાહિત કરવા સાથે ગરીબોને રાંધણગેસ સિલિન્ડર આપવા જેવી અન્ય યોજનાઓની પ્રારંભિક સફળતાને ધ્યાનમાં લઈએ તો, ગુજરાતની પ્રયોગશાળામાં તીક્ષ્ણ ધાર સજાવાઈ હતી તેવા ગુજરાત મોડેલને સમગ્ર દેશમાં સફળતાપૂર્વક અમલી ન બનાવી શકાય તેમ માનવાને કોઈ જ કારણ નથી.
(મનોજ લાડવા India Inc.ના સ્થાપક તેમજ MLS Chase Group ના ચીફ એક્ઝિક્યુટિવ છે.)