ગુજરાતના ઓદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકાર અને કંપનીઓના ચીન સાથે વિવિધ કરાર

Tuesday 19th May 2015 11:45 EDT
 
 

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ અને ગુજરાતના ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધિમંડળ ચીનની છ દિવસની મુલાકાતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાતના પ્રતિનિધિમંડળનો પણ ચીનનો પ્રવાસ ગોઠવાયો હતો. આ મુલાકાત દરમિયાન ચીન અને ગુજરાત સરકાર વચ્ચે વિવિધ વિકાસલક્ષી સમજૂતી કરાર થયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રિમિયર લી ફેક્વીઆંગની ઉપસ્થિતિમાં બીજિંગ ખાતે બંને દેશો વચ્ચે ૧૦ બિલિયન ડોલરના ૨૪ જેટલા સમજૂતી કરાર થયા હતા. જેમાંથી ગુજરાતને સ્પર્શતા અમદાવાદ-ગાંધીનગરના બે મહત્ત્વના કરારો થયા છે. જેમાં અમદાવાદ-ગાંધીનગરમાં મહાત્મા ગાંધી નેશનલ ઈન્સ્ટિટયુટ ફોર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપની સ્થાપના માટેના એક્શન પ્લાન ભારત અને ચીન દ્વારા વિકસાવવાનો કરાર ભવિષ્યના વિકાસની ઈંટ સાબિત થશે, તેમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે કહ્યું હતું.

ગુજરાતના ગિફ્ટ સિટી અને ચીનના શેનઝેનને પાઇલોટ સ્માર્ટ સિટી તરીકેની ઓળખ આપીને જોઈન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્રોજેક્ટ માટે સ્માર્ટ સિટી વિકસાવવા ભારત-ચીન વચ્ચે સહભાગીતાનો સેતુ સ્થાપવાનો પણ નિર્ધાર થયો હતો. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સ્થાપના પણ કરાશે.

આનંદીબહેન પટેલે બંને દેશોના મુખ્ય પ્રધાનો અને પ્રાંતોના વડાઓના ફોરમમાં ગુજરાતના વૈશ્વિક વિકાસના મોડલનું પ્રેઝન્ટેશન કર્યું હતું. બીજિંગમાં બંને દેશોના પ્રતિનિધીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત અને ગ્વાંગડોંગ બંને વચ્ચે ઘણી સામાન્યતાઓ છે. ગુજરાતમાં મૂડી રોકાણ માટે ચાઇનીઝ રોકાણકર્તાઓને ઈંજન આપતા તેમણે ધોલેરા એસઆઈઆર, ગિફ્ટ સિટી અને ભારતના મહત્ત્વકાંક્ષી દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર તેમજ ભારતના સૌપ્રથમ ફાઇનાન્સીયલ ર્સિવસીસ સેન્ટર, કલ્પસર પ્રોજેક્ટથી ગુજરાતની વિકાસયાત્રાની અહેમિયત સમજાવી હતી.

રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી વિવિધ નીતિઓની રૂપરેખા પણ પોતાના સંબોધનમાં આપી હતી. મુખ્ય પ્રધાનની સાથે ચીનના પ્રવાસે રહેલા અમદાવાદના મેયર મિનાક્ષીબહેન પટેલ, ગુજરાત સરકારના સેક્રેટરીઓ અને વ્યાપાર-ઉદ્યોગ જગતના ડેલિગેટ્સ પણ બીજિંગના ગ્રેટ હોલ ઓફ પીપલમાં યોજાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે ચાઇનિઝ રોકાણકર્તા, ટેકનોક્રેટ પ્રતિનિધીઓ સાથે વન ટુ વન બેઠકો યોજી હતી.

કંપનીઓ વચ્ચે ૧૨ સમજૂતી કરાર

ચીન અને ગુજરાતની કંપનીઓ વચ્ચે ૧૨ સમજૂતી કરારો કરાયા છે. વેપાર જગતના ૧૦૦થી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આનંદીબેન પટેલે ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ માટે પૂરતી તકો રહેલી છે એમ કહીને ગુજરાત આવવા માટે આહ્વાન આપ્યું હતું. ગ્વાંગડોંગ પ્રાંતના ગ્વાંગઝો શહેરમાં ચીનના કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડ અને કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી યોજિત બિઝનેસ મિટ અને રોડ-શોમાં ઉદ્યોગ-વેપાર સાથે જોડાયેલાં અગ્રણીઓએ ગુજરાતમાં ઈજનેરી, કાપડ, રસાયણો, ઈંઘણ સહિતના ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે આમંત્રણ આપ્યું હતું.

ચીનના ઉદ્યોગકારો સમક્ષ પ્રેઝન્ટેશન પણ કરાયું હતું. જેમાં ગુજરાતના ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, દિલ્હી-મુંબઈ કોરિડોર, મુન્દ્રા સેઝ જેવા વિષયો રજૂ કરાયા હતા. આનંદીબેને કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે ધર્મ, સંસ્કૃતિ, વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રોમાં છેલ્લાં ૨,૦૦૦ વર્ષોથી મજબૂત ઈતિહાસ છે. બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક વારસામાં ઘણી સામ્યતા છે. હવે બંને રાષ્ટ્રો શક્તિશાળી અર્થતંત્ર તરીકે વિશ્વમાં આગેકૂચ કરી રહ્યાં છે. બુધ્ધિઝમ આધારિત સાંસ્કૃતિક સબંધો વધુ સંગીન બનાવવા તેમણે આહ્વાન કર્યું હતુ.

ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગે ગુજરાતની મુલાકાત લીધી ત્યારે ગ્વાંગડોંગ શહેર વચ્ચે સિસ્ટર પ્રોવિન્સ તથા અમદાવાદ અને ગ્વાંગઝો વચ્ચે સિસ્ટર સિટીની સ્થાપના માટે સમજૂતી કરાર કરાયાં હતા, તે અંગે મુખ્ય પ્રધાને કહ્યું હતુ કે, બંને પ્રદેશો વચ્ચે અર્થતંત્ર અને વેપાર વાણિજ્ય, શૈક્ષણિક, પર્યાવરણીય તેમ જ સાંસ્કૃતિક બાબતોમાં સહભાગિતા વિકાસના આ કરારને ચીનના તેમના પ્રવાસ દરમિયાન સુગ્રથિત પણે આગળ ધપાવવા તેઓ પ્રતિબધ્ધ છે.

ટીચર્સ એક્સ્ચેન્જ પ્રોગ્રામ શરૂ થશે

ચીનના પ્રવાસ દરમિયાન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પ્રતિનિધિમંડળ સાથે ચીનની વિશ્વવિખ્યાત ઝડપી બુલેટ ટ્રેનની રોમાંચક સફર માણી હતી. ગુજરાતમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. વળી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું કામ પણ શરૂ થયું છે ત્યારે ચીનની અત્યંત આધુનિક ટ્રેનનો અનુભવ અહીં કામ લાગશે. બુલેટ ટ્રેનનમાં પ્રવાસ કરીને મુખ્ય પ્રધાન તાઈન્જીનના એજ્યુકેશન પાર્કની મુલાકાતે ગયા હતા. ૩૭ હજાર ચોરસ કિલો મીટર વિસ્તારમાં નિર્માણ પામી રહેલાં શૈક્ષણિક પાર્કમાં ૫૩ હજાર વિદ્યાર્થીઓ અને ૪૦ હજાર નિવાસી વિદ્યાર્થીને અહીં ઉચ્ચ અભ્યાસ માટે સગવડો અપાશે. વાઈસ મેયરે મુખ્ય પ્રધાનને કેમ્પસ બતાવીને માહિતગાર કર્યા હતા. કુશળ માનવબળ પૂરું પાડવા માટે ચીન અને ગુજરાત વચ્ચે ટીચર્સ એક્સ્ચેન્જ પ્રોગ્રામ શરૂ કરાશે. તેનાથી બંને દેશ વચ્ચે માનવ કૌશલ્ય નિર્માણ થશે. તાઈન્જીનના વાઈસ મેયર કાઓ જિઆઓંહોગોએ ગુજરાત સાથે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સહભાગીતા માટેની તત્પરતા વ્યક્ત કરી હતી. ધોરણ ૯-૧૦ના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે તો તેમને સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમમાં તાલીમ આપીને પગભર બનાવી શકાય તેમ છે. જેનાથી કુશળ કારીગરો પેદા કરી શકાશે.

ચીનની દીવાલની મુલાકાત

આનંદીબેન પટેલે વિશ્વની સૌથી લાંબી ગ્રેટ વોલ ઓફ ચાઈનાની મુલાકાત લીધી હતી. ચાઈનાએ પોતાની સુરક્ષા માટે બનાવેલી ઐતિહાસિક દીવાલની મુલાકાત વેળાએ મુખ્ય પ્રધાને ઈતિહાસની ભવ્યતા અન પ્રતિબધ્ધતાથી આનંદ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચીનની આ પ્રખ્યાત દીવાલ આકાશમાંથી સારી રીતે જોઈ શકાય છે. દીવાલને બનાવતાં વર્ષો લાગી ગયા હતા. આ દીવાલના કારણે ચીન સદીઓ સુધી વિશ્વથી વિખૂટું પડી ગયું હતું પણ ચીન ઉપર થતાં બહારના હુમલા અટકાવી શકાયા હતા.

સ્માર્ટ સિટી માટે કરાર

ચીનના બીજિંગમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઇન્ડેક્ષ-બી અને ચીનની વિવિધ કંપનીઓ વચ્ચે ચાર સમજૂતી કરાર થયા હતા. જેમાં ઇન્ડેક્ષ-બી અને ચાઈના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચે ગુજરાતમાં સ્માર્ટ સિટીની સ્થાપના અંગે રૂ. ૧૯ હજાર કરોડના મૂડી રોકાણ માટેના સમજૂતી કરાર થયા હતા. આ કરાર અંતર્ગત ગુજરાતમાં ૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સ્માર્ટ સિટીનું નિર્માણ કરાશે અને તેમાં ચાઇના સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ ૧૯ હજાર કરોડનું મૂડી રોકાણ કરશે. ગુજરાતના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ અને ચાઇના એસો. ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસના ડેપ્યુટી સેક્રેટરી જનરલ ગ્યુઓ ઝીશીન વચ્ચે આ સમજૂતી કરારની આપ-લે કરવામાં આવી હતી.

ઇન્ડેક્ષ-બી અને હોંગકોંગ ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ વચ્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ માટેના કરાર થયા હતા. જ્યારે ઇન્ડેક્સ-બી અને ગ્વાંગડોંગ રિચવૂડ ગ્રૂપ વચ્ચે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરાર થયા હતા. આનંદીબહેન અને રિચવૂડ ગ્રૂપના ચેરમેન ડોંગઝુને હોસ્પિટાલિટી અને ટુરિઝમ પ્રોજેક્ટ વિષે ચર્ચા કરી હતી. આ અંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ચાયના એસો. ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને ગુજરાત વચ્ચે થયેલા આ કરાર રાજ્યમાં રોજગાર નિર્માણના અવસરો પૂરા પાડશે.

આ ઉપરાંત ઇન્ડેક્સ-બી અને સીનોફોન ગ્રૂપ વચ્ચે ગુજરાતમાં બાયો વેસ્ટ અને સિટી વેસ્ટ આધારિત વીજ પ્રોજેક્ટ સ્થાપવા માટેના કરાર પણ અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ અને સીનોફોન ગ્રૂપના ચેરમેન લી કુન જુઓને કર્યા હતા. આ કરારથી ક્લીન એન્ડ ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળવા સાથે કચરાના યોગ્ય નિકાલની પણ વ્યવસ્થા ગોઠવી શકાશે. આ ઉપરાંત ગુજરાતની સાંઘી ઇન્ડસ્ટ્રિઝ અને ચાઇનીઝ કંપની વચ્ચે સિમેન્ટ પ્લાન્ટના વેસ્ટ ગેસમાંથી વીજળી ઉત્પન્ન કરવા અંગેના કરાર થયા હતા.

અદાણી-વેલસ્પનના પણ કરાર

વડા પ્રધાનની શાંઘાઈની મુલાકાત દરમિયાન ગત શનિવારે ચીનની કંપનીઓ સાથે જે વિવિધ કરારો પણ હસ્તાક્ષર થયા તેમાં ગુજરાતમાં શરૂ થનારી યોજના માટે ઇન્ડેક્સ-બી દ્વારા થયેલા કરાર ઉપરાંત ગુજરાતના અદાણી જૂથ અને વેલસ્પન ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના એમઓયુનો પણ સમાવેશ થાય છે. જેમાં મુદ્રા પાવર માટે અદાણી અને ચાઇના ડેવલપમેન્ટ બેંક, મુન્દ્રા એસઇઝેડમાં પીવી ઔદ્યોગિક પાર્ક માટે ગોલ્ડન કોન્કોર્ડ હોલ્ડિંગ્સ વચ્ચેના કરારો મુખ્ય છે.

ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ઝડપી જમીન સંપાદન

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની મુલાકાત વખતે વડોદરા અને અમદાવાદમાં ચીનના ઉદ્યોગસાહસિકો માટે જે ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે કરાર થયા હતા તે માટે જમીન સંપાદનના સંદર્ભમાં આનંદીબહેને સરકારમાં જરૂરી સૂચના આપતાં હવે જમીન સંપાદનની કામગીરી અત્યંત ઝડપી બનશે.

મુખ્ય પ્રધાન મંગળવારે ચીનના શેનઝેન શહેરની મુલાકાત લઈને ત્યાંના મેયર સાથે પણ બેઠક યોજશે. તેઓ ક્વીન્હાઈ ફાયનાન્સિયલ ડ્રિસ્ટ્રિક્ટની પણ મુલાકાત લેશે.




to the free, weekly Gujarat Samachar email newsletter