ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે હોદ્દા પરથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. આનંદીબહેને સોમવારે સોમવારે હાઈકમાન્ડને પત્ર પાઠવીને રાજ્યના નેતૃત્વની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા અનુરોધ કર્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે આગામી નવેમ્બરમાં પોતે ૭૫ વર્ષ પૂરાં કરી રહ્યાં હોવાથી મુખ્ય પ્રધાન પદની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી છે. મુખ્ય પ્રધાને હાઈકમાન્ડને લખેલો આ પત્ર સોશિયલ મીડિયામાં પણ શેર કરતાં જ રાજકીય ગરમી આવી ગઈ હતી.
પત્રમાં આનંદીબહેને જણાવ્યું હતું કે ૭૫ વર્ષની ઉંમરે પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થવાની પક્ષે આગવી પરંપરા ઊભી કરી છે જે બધા માટે અનુકરણીય છે. નવેમ્બરમાં મારાં ૭૫ વર્ષ પૂરાં થાય છે, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત અને વિધાનસભાની ચૂંટણી પહેલાં નવા મુખ્ય પ્રધાનને કામ કરવા પૂરતો સમય મળી રહે તે માટે હું વહેલાં મુખ્ય પ્રધાન પદ છોડવા માંગું છું. બે માસ પહેલાં મેં પક્ષના વરિષ્ઠ નેતાઓેને પત્ર લખીને આ પ્રમાણે જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી, એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતુંઃ સંગઠનથી માંડીને સરકાર સુધી મને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે જે માટે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું.
આનંદીબહેનના પત્ર અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે આનંદીબહેનનો પત્ર તેમને મળ્યો છે અને ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ પત્ર અંગે નિર્ણય લેવાશે. બાદમાં અમિત શાહે દિલ્હીમાં બેઠક યોજીને ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા સાથે નવી સ્થિતિની સમીક્ષા કરી હતી. અમિત શાહ ચાર કે પાંચ તારીખે ગુજરાત આવે એવી પણ શક્યતા છે. પક્ષનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્લામેન્ટરી બોર્ડમાં આનંદીબહેનની વિનંતીને માન આપી તેમનું રાજીનામું ગૌરવભેર સ્વીકારી લેવામાં આવે તેવી શક્યતા છે.
વ્યક્તિગત નિર્ણયઃ વિજય રૂપાણી
પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીએ આ નિર્ણયને આનંદીબહેનના વ્યક્તિગત નિર્ણય સાથે સરખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘માતાતુલ્ય પ્રથમ મહિલા મુખ્ય પ્રધાને પોતે જ પક્ષના ૭૫ વર્ષે નિવૃત્તિના નિયમને સ્વીકારી નિવૃત્તિની ઇચ્છા વ્યક્ત કરી છે. નિર્ણય રાષ્ટ્રીય હાઈકમાન્ડ કરશે. આ અંગે અમારે કંઇ કરવાનું રહેતું નથી.
આનંદીબહેને રાજ્યમાં શાસન સંભાળવામાં નિષ્ફળ રહ્યા હોવાથી એમને પોતાના પદભારમાંથી મુક્ત થવાની ફરજ પડી છે એવા આરોપોને ફગાવી દેતાં રૂપાણીએ કહ્યું કે, ‘આનંદીબહેન પટેલને કોઇએ ફરજ પાડી નથી. મુખ્ય પ્રધાન પદેથી મુક્ત થવાનો એમનો વ્યક્તિગત અને સ્વૈચ્છિક તેમજ ઓચિંતો નિર્ણય છે.’
સોશિયલ મીડિયા મારફતે રાજીનામું જાહેર કર્યા પછી તરત જ રૂપાણી આનંદીબહેનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બાદમાં રૂપાણીએ કહ્યું કે, તેમણે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે સુંદર અને પ્રજાલક્ષી અનેક નિર્ણયો લીધા છે. એક સંવેદનશીલ મુખ્ય પ્રધાન તરીકે ખરા અર્થમાં મા તરીકેની પ્રતિષ્ઠા છે અને ભાજપ માટે પણ એક એસેટ બની રહ્યા છે. પ્રધાનમંડળના સભ્યો કે પક્ષના આગેવાનો સાથે પરામર્શ કેમ ન કર્યો? એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘આ એમનો અંગત નિર્ણય હોવાથી પરામર્શ કરવાનું યોગ્ય ન જણાયું હોય.’
બે મહિનાથી વિદાયની વાતો
આમ તો છેલ્લા બે મહિનાથી મુખ્ય પ્રધાન પદેથી આનંદીબહેનની વિદાય નિશ્ચિત હોવાના સંકેતો મળી રહ્યા હતા. પક્ષ તેમના પદ અને ગરિમાને છાજે એવી રીતે વિદાય આપવા ઇચ્છતો હતો. જોકે તેમણે નવેમ્બરમાં પોતાના ૭૫ વર્ષ પૂરા થવાની રાહ જોયા વગર જ સોમવારે મુખ્ય પ્રધાન પદેથી ખસી જવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર અધ્યક્ષ અમિત શાહને મોકલી આપ્યો હતો. હવે નવી દિલ્હી સ્થિત હાઈકમાન્ડ રાષ્ટ્રીય નિરીક્ષકો મોકલશે અને ઔપચારિક વિધિ પછી નવા નેતાની ઘોષણા થશે.
ચોમેરથી ઘેરાયા હતા
પાટીદાર આંદોલન, ભ્રષ્ટાચાર, સંગઠન સાથે સંકલનનો અભાવ તેમજ સાથીદારોને વિશ્વાસમાં લીધા વગર જ મહત્વના નિર્ણયોથી વકરેલી સ્થિતિમાં દલિત અત્યાચારનો પડકાર ઊભો થયો હતો. આ જ અરસામાં અમદાવાદ નજીકની જમીનના ઝોન-ફેરમાં ભ્રષ્ટાચારની વાતથી આનંદીબહેનને રાજીનામું આપી દેવાની સ્થિતિ સર્જાઇ છે. મે ૨૦૧૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનનો પદભાર સંભાળતા પહેલાં પોતાના અનુગામી તરીકે આનંદીબહેન પટેલનું નામ જાહેર કર્યું ત્યારથી જ એમની સામે પક્ષ તથા વહીવટી તંત્રને કાબૂમાં રાખવાનો મોટો પડકાર સર્જાઇ ચૂક્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે તેમના મતભેદો હોવાના અહેવાલો પણ સમયાંતરે અખબારોમાં ચમકતા રહ્યા છે.
હવે ગવર્નર પદ સામે જોખમ?
અહેવાલ અનુસાર, આનંદીબહેન ૧૫મી ઓગસ્ટ સુધીમાં રાજીનામું આપવાના હતાં, પરંતુ તેમણે એ પહેલાં જ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. વડા પ્રધાન મોદી અને અધ્યક્ષ અમિત શાહને પણ જણાવ્યા વિના ફેસબુક પર રાજીનામું આપીને તેમણે અમિત શાહના પ્રયાસોને આંચકો આપ્યો છે. બહેનના આ પગલાંના કારણે પંજાબના ગવર્નર પદે તેમની નિમણૂક કરવા માટે અગાઉથી નક્કી થયેલી યોજના જોખમમાં મુકાઈ શકે છે.
નેતાઓ સીએમ હાઉસ દોડયા
આનંદીબહેને સોમવારે સાંજે ૫-૦૫ મિનિટે ફેસબૂક ઉપર પોતાને મુખ્ય પ્રધાન પદેથી મુક્તિ આપવા હાઈ કમાન્ડને અનુરોધ કરતો પત્ર જાહેર કર્યો તેની ગણતરીની મિનિટોમાં જ ગાંધીનગરમાં દોડધામ મચી ગઈ હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીથી લઈને સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાથી અને વરિષ્ઠ પ્રધાન નીતિન પટેલ સહિતના મોટા ભાગના પ્રધાનો સચિવાલયથી સીએમ હાઉસ તરીકે જાણીતા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને દોડી ગયા હતા. મુખ્ય પ્રધાન આનંદીબહેન સોમવારે સ્વર્ણિમ સંકુલ સ્થિત કાર્યાલયે આવ્યા જ નહોતા.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ તો આનંદીબહેન સાથે બંધબારણે ૪૫ મીનિટ સુધી વાતચીત કરી હતી. બંન્ને વચ્ચે શું વાત થઈ તે અંગે કંઈ જ જાણવા મળ્યુ નથી. દલસાણિયા સંગઠન પર પકડ ધરાવે છે અને મુખ્ય પ્રધાન પદ માટે તેમનુ નામ ચર્ચાતું રહ્યું છે.
સિનિયર પ્રધાન રમણલાલ વોરા, મંગુભાઈ પટેલ, બાબુભાઈ બોખીરિયા, ગૃહ રાજ્યપ્રધાન રજનીકાંત પટેલ, શિક્ષણ પ્રધાન વસુબહેન પટેલ, મહિલા આયોગના ચેરપર્સન લીલાબહેન અંકોલિયા, પૂર્વ મેયર મિનાક્ષીબહેન પટેલ, આઈ. કે. જાડેજાથી માંડીને તેમના મતવિસ્તાર ઘાટલોડિયાથી સેંકડો કાર્યકરો, ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો અને તેમના પરિવારજનો મળવા પહોંચ્યા હતા.
રાજકીય ગણિતના આધારે ફેંસલો
સોશ્યલ મીડિયામાં રાજીનામાની જાહેરાત કરનાર આનંદીબહેનને ૨૧મી નવેમ્બર ૨૦૧૬ સુધી મુખ્ય પ્રધાન પદે યથાવત્ રાખવા કે કેમ? એ સવાલનો જવાબ શોધવા દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના પૂર્વ પ્રભારી ઓમ માથુર સહિતના આગેવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા. જોકે આ મુદ્દે પંજાબ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજનારી ચૂંટણીઓમાં ભાજપના લાભનો સરવાળો કરીને લેવાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી!
સોમવારે મોડી સાંજ સુધી વડા પ્રધાન નિવાસસ્થાને ગુજરાત ભાજપ અને સરકારમાં રાજકીય ભૂકંપ સંદર્ભે નિર્ણય લઈ શકાયો નહોતો. જોકે, અમિત શાહે મંગળવારે દિલ્હમાં સંસદીય દળની બેઠકમાં યોજી હતી. જેમાં આનંદીબહેનને ૭૫મા જન્મદિવસ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે યથાવત્ રાખવા કે પછી તે પહેલા તેમનું રાજીનામુ સ્વીકારીને ગુજરાતને નવા મુખ્ય પ્રધાન આપવા? ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૭માં જાહેર કરી દેવી કે પછી તેના પહેલા કે પછી યોજવી વગેરે અંગે ચર્ચા કરાઇ હતી. બુધવારે ફરી સંસદીય પક્ષની બેઠક યોજવા નિર્ણય લેવાયો છે.
સરકાર, સંગઠનમાં ફેરફારની વકી
આનંદીબહેનની ઈચ્છાનો હાઈ કમાન્ડ સત્તાવાર સ્વીકાર કરશે તે પછી તેઓ રાજ્યપાલને વિધિસર રાજીનામું સોંપશે. આ પછી નવી સરકારની રચના થશે. બુધવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ બે દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જોકે આની સાથે જ ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમાં મોટા પાયે ફેરફાર આવશે.
સંગઠનના સૂત્રોએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન બદલાશે તો ચોક્કસથી સંગઠનમાં પણ ધરમૂળથી ફેરફારો આવશે. બીજી તરફ, મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)ના સૂત્રોના કહેવા પ્રમાણે આનંદીબહેન પટેલે મંગળવારે અગાઉથી નિર્ધારિત શિડયુલ યથાવત્ રાખ્યો હતો. બુધવારની કેબિનેટની બેઠક માટે સામાન્ય રીતે સોમવારે સર્ક્યુલર તૈયાર થતો હોય છે. બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ બુધવારે કેબિનેટ યથાવત્ હોવાનું જણાવ્યું છે.
ફેસબુક પર આનંદીબહેન પટેલની મન કી બાત...
છેલ્લા ૩૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખૂબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે, જેને હું મારું સદભાગ્ય માનું છું.
મહિલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્ય મંત્રી પદ સુધીના પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂક્યો તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ઘદૃષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલાં સંગઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપૂર્વક મારું ઘડતર થતું રહ્યું. છેલ્લા ૧૮ વર્ષથી ગુજરાત સરકારનાં ખૂબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરિણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. મે - ૨૦૧૪માં ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરિષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહિલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ૧૨ વર્ષથી વધુ સમય સુધી રહ્યા અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિદ્ધાંતો અને શિસ્તબદ્ધતાથી પ્રેરાઈને હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાની સ્વીકારી આગવી પરંપરા ઊભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે, પરંતુ ૨૦૧૭ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્ત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી ૨૦૧૭માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્ય મંત્રીને પૂરતો સમય મળી રહે તે માટે બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્ય મંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરું છું.
ગુજરાતની ગૌરવશાળી પ્રજાની સેવા કરવાની મને તક મળી અને છેવાડાના માનવી સુધી સેવાઓનો લાભ પહોંચાડવા માટે મેં શક્ય તમામ પ્રયત્નો કર્યાં છે. રાજ્યરૂપી પરિવારનું નેતૃત્વ કરતા મને જે અપાર પ્રેમ, સ્નેહ અને કામ કરતાં રહેવાની સતત પ્રેરણા મળી છે તે માટે હું મારી હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરું છું.
આનંદીબહેનની રાજકીય સફર
• આનંદીબહેન પટેલ ૨૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૭૫ વર્ષ પૂરા કરશે. તેઓ ૧૯૯૮માં પ્રથમ વાર અમદાવાદના માંડલ વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર થઈને ચૂટણી જીત્યાં બાદ કેશુભાઈ પટેલની સરકારમાં પ્રથમવાર શિક્ષણ, મહિલા-બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ કક્ષાના પ્રધાન થયા હતા. • વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૭માં પણ તેઓ પાટણથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન થયા બાદ તેઓ મહેસૂલ, માર્ગ-મકાન, શહેરી વિકાસ જેવા મહત્વના વિભાગોના પ્રધાન થયા હતા.
• ૨૦૧૨માં તેમણે અમદાવાદના ઘાટલોડિયામાંથી ચૂંટણી લડી હતી. તેઓ પ્રધાન રહ્યાં તે ગાળામાં તેમણે ૧૪૨ જેટલી ટાઉન પ્લાનિંગની યોજનાઓને મંજૂરી આપી હતી. ૨૦ જેટલા શહેરોના માસ્ટર પ્લાનમાં સુધારા કરાવ્યા હતા. ૧૫૯ નગરોમાં ભૂગર્ભ ગટર યોજનાઓ અમલમાં મૂકી હતી.
• વર્ષ ૨૦૨૨ સુધીમાં ગુજરાતને ઝૂંપડપટ્ટીમુક્ત બનાવવાની દિશામાં ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. મે ૨૦૧૪માં રાજ્યના મુખ્ય પ્રધાન થયા બાદ તેમણે સૌ પ્રથમવાર ‘ગતિશીલ ગુજરાત’નું નવું જ સૂત્ર આપીને તેના ચાર તબક્કા પૂરા કર્યા છે. જેમાં તેમણે અંદાજે ૧૩૨ ટકા લક્ષ્યાંક સિદ્ધિ નોંધાવી છે.