ગુજરાતમાં ચૂંટણીનો પ્રથમ તબક્કોઃ ૬૭ ટકા મતદાન

Wednesday 13th December 2017 05:12 EST
 
 

અમદાવાદઃ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ૮૯ વિધાનસભા બેઠકો પર કુલ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. કેટલાંક સ્થળોએ ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન) અને વીવીપેટ (વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ)માં ટેક્નિકલ ખામીઓ સર્જાઈ હોવાથી ખોટકાઈ જવાના અને તેને બદલવાના બનાવો સિવાય કોઈ મોટી ફરિયાદો નોંધાઈ નથી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, તેમની સરકારના ૭ પ્રધાનો ઉપરાંત વિપક્ષના બે પૂર્વ નેતા શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા સહિતના કુલ ૯૭૭ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો ઈવીએમમાં સીલ થઈ ગયો છે. પાટીદાર પ્રભાવિત સૌરાષ્ટ્ર અને સુરતની બેઠકો પર પાટીદાર મતદારોની સવારથી મોટી કતાર જોવા મળી હતી.
બંને પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા છે, પરંતુ ગત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી કરતાં ૪ ટકા મતદાન ઓછું થયું હોવાથી કોને લાભ થશે? કોને નુકશાન થશે? એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજા તબકકામાં ૯૩ બેઠકો માટેનું મતદાન ગુરુવાર ૧૪મીના રોજ યોજાશે. જ્યારે તમામ બેઠકોની મતગણતરી ૧૮મીએ હાથ ધરાશે.
પ્રથમ તબક્કામાં નવસારી અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ૭૫.૭૫ ટકા અને સૌથી ઓછું ૬૦ ટકા પોરબંદર,
૬૨ ટકા ભાવનગરમાં થયું છે. જ્યારે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ગીર-સોમનાથ, મોરબી જેવા ૯ જિલ્લામાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે.
એમાં પણ મોટા ભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લા અને આદિવાસી પટ્ટામાં વધુ મતદાન થયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી, સોમનાથને બાદ કરતાં બાકીના જિલ્લાઓ અને કચ્છમાં ઓછું મતદાન થયું છે.
પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧,૧૧,૦૫,૯૩૩ પુરુષ, ૧,૦૧,૨૫,૪૭૨ મહિલા સહિત કુલ ૨,૧૨,૩૧,૬૫૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા પરંતુ ૬૭ ટકા જેટલું મતદાન થયું છે. ગત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ સરેરાશ ૭૨.૦૨ ટકા મતદાન થયું હતું.

૩૩ બેઠકો પર માત્ર ૫૦થી ૬૦ ટકા મતદાન

રાજ્યના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાનના આખરી આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યાં છે. જે મુજબ સરેરાશ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે સૌથી વધુ ૭૯.૧૫ ટકા મતદાન નર્મદા જિલ્લા, બીજા નંબરે ૭૮.૫૬ ટકા તાપી જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું ૫૯.૩૯ ટકા મતદાન દ્વારકા જિલ્લામાં થયું છે. બેઠક પ્રમાણે સૌથી વધુ ૮૪.૬૩ ટકા મતદાન અનુસૂચિત જનજાતિ માટેની અનામત એવી ઓલપાડ બેઠક પર થયું છે. ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક સૌથી ઓછું ૫૫.૩૧ ટકા મતદાન થયું છે.
નોંધનીય છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આદિવાસી બાહુલ્યવાળા વિસ્તારોમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઊંચી ગઈ છે અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જ્યાં ગત ચૂંટણીમાં ભાજપની બેઠકો વધુ હતી ત્યાં મતદાનની ટકાવારી નીચી રહી છે. આ બાબત ભાજપ માટે ચિંતાનો મોટો વિષય છે.

સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારો નિર્ણાયક

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ત્રણ અને ગ્રામ્યની એક એમ કુલ ચાર બેઠકમાં ર લાખ પાટીદાર મતો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની પાંચ, અમરેલીની પાંચ, ગીર સોમનાથની ચાર અને જામજોધપુરની અર્ધાથી વધુ બેઠકો અને રાજકોટ જિલ્લામાં પાટીદારોનો દબદબો છે. અહીં પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસને પંચાયત-પાલિકાની ચૂંટણીમાં જંગી લાભ થયેલો પરંતુ આ વખતે હાર્દિકની વીડિયો સીડી અને કોંગ્રેસને તેના સમર્થન પછી હવે પાટીદારોના મનમાં શું છે તે કળવા સૌ નેતાઓ મથી રહ્યા છે. પાટીદારોને રિઝવવા રાજકોટમાં બે બેઠક ઉપર બંને પક્ષે પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે.

૧૭ ઉમેદવાર અભણ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૭૬ ઉમેદવારો એવાં હતા કે જે માત્ર વાંચી-લખી શકે તેટલું જ ભણ્યા છે જ્યારે ૧૭ ઉમેદવારો તો અભણ છે. વાયબ્રન્ટ ગુજરાતના ભાવિ ધારાસભ્યોને ગુજરાતના મતદારોને વિધાનસભામાં મોકલશે. ચૂંટણીઓમાં શિક્ષિત કરતાં અશિક્ષિત ઉમેદવારો વધુ ઊભા રહ્યાં છે. ૫૮૦ ઉમેદવારો તો ધો. ૫થી ૧૨મું જ ભણ્યાં છે. ૨૧૭ ઉમેદવારો શિક્ષિત છે તેઓ ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ અભ્યાસ કર્યો છે. યુવા ઉમેદવારોની સંખ્યા ઓછી છે. ૨૫થી ૪૦ વર્ષના ઉમેદવારોની સંખ્યા ૪૭૩ રહી છે. ઘરડાં ગાડા વાળે તે ઉક્તિ પણ સાચી ઠરી છે. પ્રથમ તબક્કામાં ૮૨ ઉમેદવારો તો ૬૧થી ૮૦ વર્ષના છે. નારી સશક્તિકરણ, મહિલા પ્રતિનિધિત્વની વાતો કરતાં ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો સહિત માત્ર ૬ ટકા એટલે કે ૫૭ મહિલા ચૂંટણી મેદાને ઉતારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter