ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ

બે તબક્કામાં - ૯ અને ૧૪ ડિસેમ્બરે મતદાનઃ ૧૮મીએ પરિણામ

Tuesday 31st October 2017 16:27 EDT
 
 

નવી દિલ્હીઃ ભારે વિવાદોના વંટોળ વચ્ચે આખરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે ૧૮ ડિસેમ્બરના રોજ થશે. ચીફ ઇલેક્શન કમિશનર એ. કે. જોતિએ ખીચોખીચ ભરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તારીખ જાહેર કરતાં કહ્યું હતું કે આ સાથે જ ગુજરાતમાં આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને આ આચારસંહિતા લાગુ પડશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજ્યમાં ૧૪ નવેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટે જાહેરનામું બહાર પડશે અને તે સાથે જ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે. તે દિવસથી ઉમેદવારીપત્ર નોંધાવી શકાશે.
ગુજરાતમાં આ વખતનો ચૂંટણી જંગ બહુ જ રસપ્રદ બની રહેશે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્ય પ્રધાન છોડીને વડા પ્રધાન પદ સંભાળ્યું તે પછી રાજ્યમાં પહેલી વખત ચૂંટણી યોજાઇ રહી છે. તો વિપક્ષ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું સુકાન પહેલી વખત રાહુલ ગાંધીએ સંભાળ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસના પ્રચારનો દોર પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીના હાથમાં રહેતો હતો.
વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક પર ૯ ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં બાકીની ૯૩ બેઠકો માટે ૧૪ ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્ર નોંધાવવાની અંતિમ તારીખ ૨૧ નવેમ્બર છે. ૨૪ નવેમ્બર સુધીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. બીજા તબક્કામાં ૨૭ નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર નોંધાવી શકાશે અને ૩૦ નવેમ્બર સુધીમાં પાછું ખેંચી શકાશે.
ગુજરાતમાં આ વખતે મતદાન માટે ૫૦,૧૨૮ મતદાન મથક બનાવાયા છે. ગોવા અને હિમચાલ બાદ ગુજરાત ત્રીજું એવું રાજ્ય બનશે જ્યાં સંપૂર્ણ મતદાન દરમિયાન વીવીપેટ મશીનનો ઉપયોગ થશે.
વીવીપેટ એટલે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ મશીન. તેને ઈવીએમ સાથે જોડાય છે. મતદાર ઈવીએમમાં મત આપે ત્યારે વીવીપેટમાં મતદાનની વિગતો દેખાય છે. તેની પ્રિન્ટ પણ નીકળે છે. આ રીતે મતદારને ખાતરી થશે કે, તેણે આપેલો મત યોગ્ય વ્યક્તિને મળ્યો છે. તેમાં ઉમેદવારનું નામ, પ્રતીક દેખાય છે. મતદાન દરમિયાન મતદાર વીવીપેટમાંથી મળતી પ્રિન્ટમાં અલગ વ્યક્તિનું નામ આવ્યાની ફરિયાદ કરે તો તેની ચકાસણી થાય છે.
ચૂંટણી કમિશનર જોતીએ જણાવ્યું કે, સંપૂર્ણ રીતે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે પ્રયાસ હાથ ધરાયા છે. ચૂંટણી પ્રક્રિયા ઉપર સતત વોચ રાખવા સાથે પેમેન્ટ સિસ્ટમ અને આઈટીના ઉપયોગ ઉપર પણ વોચ રાખવામાં આવશે. લોકોની સુવિધા માટે પણ ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે.
ચૂંટણીના સમયમાં રાજ્યમાં દારૂ-નાણાંની રેલમછેલ રોકવા સરહદી ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. તો રાજ્યભરમાં ચૂંટણી પંચ, પોલીસ અને ખર્ચ માટેના નિરીક્ષકો તહેનાત થઇ ગયા છે. દરેક મતદાન કેન્દ્ર પર મતદારને સહાય કરવા માટે એક કાઉન્ટર રહેશે. જોતિએ કહ્યું હતું કે ગુજરાતમાં હંમેશા ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે અને એ જ મુજબ આ ચૂંટણી પણ સંપન્ન થાય તે માટે જરૂરી પગલાં લેવાયા છે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેરાત થઈ તેની સાથે ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર ન થઈ તેને વિપક્ષોએ મુદ્દો બનાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ રાજ્ય માટે વિવિધ પેકેજ અને યોજનાઓ જાહેર કરી શકે તે માટે જ તારીખ મોડી જાહેર કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી

ગુજરાતનો કારભાર ચલાવવા ૪.૩૦ કરોડ મતદારોને ૧૮૨ પ્રતિનિધિ પસંદ કરવા ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. વીવીપેડ, મોબાઈલ એપ્સ, સીસીટીવી જેવા અનેક પ્રયોગોની વિશેષતાઓ વચ્ચે નરેન્દ્ર મોદી વગરના ગુજરાતમાં અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં પહેલીવાર ૫૧ દિવસનો ચૂંટણી જંગ જામશે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ નરેન્દ્ર મોદી સવા ત્રણ વર્ષથી ગુજરાતમાં નથી. અત્યાર સુધી મોટા ભાગની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પ્રચારની કમાન પ્રમુખ સોનિયા ગાંધીએ સંભાળી છે. આથી, આ ચૂંટણી ઉપર દેશભરની નજર છે!
૨૦૧૪માં મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ ગુજરાતની ભાજપ સરકારમાં ભારે ઉથલપાથલો થઈ છે, મુખ્ય પ્રધાન અને પ્રધાનો બદલવા પડયા છે. બીજી તરફ પાટીદાર આંદોલન પછી ૨૦૧૫માં પાલિકા – પંચાયતોને રસ્તે કોંગ્રેસને જીવતદાન છે. આથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું ગુજરાત મોડેલ દાવ ઉપર છે તો ભારતમાં પોતાના અસ્તિત્વ માટે ઝઝુમતી કોંગ્રેસ ગુજરાતમાં ઉજળી તકો શોધી રહી છે. આથી, ૨૫ ઓક્ટોબરે ચૂંટણી જાહેરાતથી છેલ્લા તબક્કે ૧૪મી ડિસેમ્બરના મતદાનના સુધીના ૫૧ દિવસ દેશ-દુનિયામાં ગુજરાત પર સૌનું ફોકસમાં રહેશે તે નિશ્ચિત છે.
લાભપાંચમે ૧૪મી વિધાનસભાની રચના માટે જાહેર થયેલી ચૂંટણીનું પરિણામ ૧૮ ડિસેમ્બરે આવશે. જોગાનુજોગ આ દિવસે ગુજરાતી મહિના અનુસાર અમાસ છે. આથી, માગસરી અમાસ કોનું રાજકીય ભવિષ્ય અજવાળે છે તે મતગણતરીના દિવસે આપોઆપ સ્પષ્ટ થઈ જશે.

આંદોલનો, બળવો અને ‘લે-વેચ’

પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલનોને કારણે ભાજપને પોતાની જ સરકારમાં સત્તાપલટો કરવો પડયો છે. ચૂંટણી પહેલા સામાજિક આંદોલનોથી ઉભરેલા યુવા નેતાઓના સમર્થનથી આગળ વધી રહેલી કોંગ્રેસે પણ રાજ્યસભા ચૂંટણી પુર્વે બળવાનો સામનો કર્યો છે. ઓગસ્ટ ૨૦૧૬માં ભાજપ અને ઓગસ્ટ ૨૦૧૭માં કોંગ્રેસમાં સર્જાયેલા કકળાટ બાદ વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પાટીદાર આંદોલનકારીઓની ‘લે-વેચ’ અને રાહુલ ગાંધી સાથે મુલાકાત મુદ્દે બંન્ને રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે જાહેર થયેલી ચૂંટણી ખરેખર જનસમાન્યના પ્રશ્નો કે વિકાસના નામે લડાશે કે કેમ એ તો આવનારો સમય નક્કી કરશે.

ચૂંટણી ખર્ચથી માંડીને દારૂબંધીઃ દરેક ક્ષેત્રે નજર

ગુજરાત ડ્રાય સ્ટેટ છે. રાજ્યમાં કાયદેસર રીતે દારૂ બનતો અને વેચાતો પણ નથી. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ એક્સાઈઝ વિભાગને તાકીદ કરી દેવાઈ છે. ઉમેદવારી નોંધાવવાથી માંડીને પરિણામો આવવા સુધી ચૂંટણીની તમામ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાવાશે. રિટર્નિંગ અધિકારીને તેની જવાબદારી આપવામાં આવી છે. તે માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે.
આ ઉપરાંત પેઇડ ન્યૂઝ પર નજર રખાશે. આવા ન્યૂઝ રોકવા માટે થ્રી-ટિયર મિકેનિઝમ કાર્યરત કરાયું છે. જિલ્લા, રાજ્ય અને સેન્ટ્રલ લેવલ પર ટીવી, સિનેમા, રેડિયો આદિ માધ્યમો પર નજર રખાશે. તેના માટે સંબંધિત પક્ષો અને એડમિનિસ્ટ્રેશનને ગાઈડલાઈન્સ આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત છે ચૂંટણી ખર્ચ. કોઈ પણ ઉમેદવાર પોતાના પ્રચાર કે અન્ય ચૂંટણી સંબંધિત કામ માટે ૨૮ લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરી શકશે નહીં. ચૂંટણી ખર્ચ
ઉપર નજર રાખવા માટે ફ્લાઈંગ સ્ક્વોડની પણ નિમણૂક કરાઇ છે.
મતદારોને મદદરૂપ થવા અને ફરિયાદ કરવા માટે વિશેષ એપ બનાવાઇ છે. તેના દ્વારા તરત જ ફરિયાદ થઈ શકશે. આ ઉપરાંત ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે પણ એક એપ બનાવવામાં આવી છે. તે ઉપરાંત ચૂંટણી દરમિયાન ઈ-એટલાસ જારી કરાશે જેના ઉપર રિયલટાઈમ અપડેટ્સ મળશે. તે સિવાય ૨૪ કલાક હેલ્પલાઈન શરૂ કરાશે. તેના ઉપર કોઈ પણ વ્યક્તિ ફોન કરીને મદદ, માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે.

ક્યા જિલ્લામાં ક્યારે મતદાન થશે?

પ્રથમ તબક્કોઃ ૯ ડિસેમ્બર
૧૯ જિલ્લા - ૮૯ બેઠક - ૨.૦૧ કરોડ મતદાતા
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
બીજો તબક્કોઃ ૧૪ ડિસેમ્બર
૧૪ જિલ્લા - ૯૩ બેઠકો - ૨.૨૧ કરોડ મતદાતા
અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter