ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત વિજય હાંસલ કરીને ૨૨ વર્ષના શાસન પછી પણ સત્તા જાળવી છે. અલબત્ત, વર્ષ ૨૦૧૨ની (૧૧૫ બેઠકોની) સરખામણીએ આ વખતે પક્ષની બેઠકોમાં ઘટાડો જરૂર થયો છે, પણ તેણે ૧૮૨ બેઠકોના ગૃહમાં ૯૯ બેઠકો મેળવતાં રાજ્યમાં ફરી એક વાર ભાજપની જ સરકાર રચાશે તે નક્કી થઈ ગયું છે. પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન, દલિત આંદોલન, જીએસટી અને નોટબંધીના કારણે તીવ્ર અસંતોષ પ્રવર્તતો હોવા છતાં ભાજપે શાસનધુરા જાળવી છે તે ઉલ્લેખનીય છે.
૧૯૯૫માં ભાજપે રાજ્યમાં સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય કોંગ્રેસને ૬૧થી વધુ બેઠકો મળી નહોતી. આ વખતે પ્રથમવાર કોંગ્રેસ અને તેના સમર્થકોએ ૮૦ જેટલી બેઠકો જીતી છે, જે બહુમતી માટે જરૂરી બેઠકો કરતાં ૧૨ ઓછી છે. આનો સીધો અર્થ એ થયો કે, આ વખતની વિધાનસભામાં રાજ્યને મજબૂત વિરોધ પક્ષ મળશે અને ભાજપે પણ તેના માટે તૈયાર રહેવું પડશે.
વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૧૧૫, કોંગ્રેસને ૬૧, અન્યોને ૬ બેઠકો મળી હતી તેની સામે આ વખતે ૨૦૧૭માં ભાજપને ૯૯, કોંગ્રેસને ૭૭ અને અન્યોને ૬ બેઠકો મળી છે. કોંગ્રેસને આ વખતે ભલે સત્તા મળી ન હોય, પરંતુ તેના દેખાવમાં નોંધાયેલો સુધારો શાસક ભાજપ માટે ચેતવણીસૂચક તો છે જ.
જોકે, આ વખતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસરની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. શહેરી વિસ્તારોમાં પાટીદારો ભલે ભાજપની સાથે રહ્યાં પણ ગ્રામ્ય વિસ્તારની બેઠકોમાં પાટીદારોની અસરને કારણે કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. ભાજપના ધુરંધરોમાંથી વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા જીત્યા જરૂર છે પરંતુ શંકરભાઈ ચૌધરી, જશાભાઈ બારડ, કેશાજી ઠાકોર, આત્મારામ પરમાર જેવા સરકારના પ્રધાનો અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાનો પરાજ્ય
થયો છે.
૨૦૦૨ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં પ્રથમવાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડાઈ છે જેમાં અનેક પડકારો છતાં ભાજપને કુલ ૧૮૨માંથી ૯૯ બેઠક પર જીત મળી છે. જેના કારણે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે તો કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો છે. મીઠાઈઓ વહેંચાઈ છે. ઢોલ-નગારા વાગ્યા છે, ફટાકડા ફૂટ્યાં છે પણ તેમાં સત્તા જાળવી રાખવાની ખુશીની સાથોસાથ ઓછી બેઠકો મેળવવાનો અજંપો પણ છે.
મુખ્ય પ્રધાનપદે રૂપાણી?
ગુજરાત વિધાનસભા ચૂંટણીના સોમવારે જાહેર થયેલા પરિણામો પછી સૌના મનમાં હવે એ પ્રશ્ન ઘુમરાઇ રહ્યો છે કે મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી યથાવત રહેશે કે બદલાશે? ખુદ રૂપાણીએ સોમવારે આ વાતને સ્પષ્ટ કરી છે કે વિધાનસભાની ચૂંટણી મારા નેતૃત્વમાં લડાઇ હતી. હવે ભાજપની નીતિ પ્રમાણે આગામી પાંચ વર્ષની બાગડોર કયા નેતૃત્વને સોંપવામાં આવશે તેનો વિધિવત્ નિર્ણય ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં લેવાશે. સરકારમાં ફરીથી નાયબ મુખ્ય પ્રધાન પદ યથાવત્ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે. હાલ નીતિનભાઇ પટેલ આ પદ સંભાળી રહ્યા છે.
કેન્દ્રમાંથી નાણા પ્રધાન અરુણ જેટલી અને સરોજ પાંડે નિરીક્ષક તરીકે ગુજરાત આવી રહ્યાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન પદે કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રુપાલાના નામ ચર્ચાવા લાગ્યા હતાં, પણ પાર્ટી પ્રવક્તાએ આવી કોઈ વિચારણા ચાલી રહી નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની નવી દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં ગુજરાતના પરિણામો વિશે ચર્ચા થયાનું મનાય છે.
ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપને સત્તા મળી છે. ૨૨ વર્ષના એકધાર્યા શાસન વચ્ચે જનતાએ ૯૯ બેઠકો સાથે ભાજપને સત્તા સોંપી છે. ભાજપને ૧૬ બેઠકોનું સીધું નુકશાન થયું છે. આ બધાનું વિશ્લેષણ પણ આ બેઠકમાં થયું હોવાના અહેવાલ છે.
કોંગ્રેસે ૨૦ બેઠકો ગુમાવી
ચૂંટણીમાં કોંગ્રેસ ૨૦૦૦થી ઓછા મતે ૨૦ બેઠકો પર હારી છે. ધોળકા બેઠક ભાજપે ૩૨૭ મતોની પાતળી સરસાઈથી જીતી છે. આ ઉપરંત ગોધરા બેઠક પર કોંગ્રેસ ૧૬૭ મતોની પાતળી સરસાઈથી હારી છે. બોટાદ બેઠક પર કશ્મકશ બાદ કોંગ્રેસ ૯૦૬ મતોથી હારી ગઈ છે. અહીં પૂર્વ પ્રધાન સૌરભ પટેલ જીતી ગયા છે. અહીં ભાજપના રમણ પટેલ વિજેતા થયા છે. હિંમતનગર બેઠક પણ ૧૭૧૨ મતોથી કોંગ્રેસ હાર્યો છે. ગારિયાધાર બેઠક કોંગ્રેસે ૧૮૭૬ મતોથી ગુમાવી છે. અહીં ભાજપના ઉમેદવાર કેશુભાઇ નાકરાણી વિજેતા થયા છે. ઉમરેઠ બેઠક એનસીપીએ ગુમાવી છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમાર ૧૮૮૩ મતો જીત્યા છે. આમ આવી કુલ ૨૦ બેઠકો કોંગ્રેસ બે હજાર કે તેથી ઓછા મતે હારી છે.
જનતાનો આભારઃ કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જનતાના ચુકાદાને માન્ય રાખી આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની બેઠકો વધી છે અને ભાજપના ૧૫૧ બેઠકો જીતવાના દાવો નિષ્ફળ ગયો છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસના ૪ ટકા મત વધારે આપ્યા છે. ગત ચૂંટણી કરતાં કોંગ્રેસ વધારે બેઠકો હાંસલ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપે ચૂંટણીમાં અઢળક નાણાં ખર્ચ્યા હતા. સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો હતો. મોદી વડા પ્રધાન બન્યા તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં કોઈ વધારો થયો નથી. ભાજપ પાંચ પ્રધાન અને એક સ્પીકર હારી ગયા છે.
ગુજરાતની જનતા પણ માને છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે, જનતા હવે પૂછી રહી છે કે, ભાજપ સરકારે ઇવીએમમાં ગોટાળા કરીને તો વિજય નથી મેળવ્યોને? કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને આ મામલે ફરિયાદ પણ કરી હતી અને અમને ચૂંટણી પંચ પર વિશ્વાસ છે કે આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપશે. જનતાની તકલીફ દૂર કરવા પ્રયાસ કરશે અને જનતાનો પ્રેમ મેળવીશું તેમણે કહ્યું કે, ગુજરાતમાં રાહુલ ગાંધીએ પ્રચાર કરીને લોકોનાં દિલ જીત્યાં છે.
શેરબજાર જેવી વધઘટ
સોમવારે મતગણતરી શરૂ થયા બાદ પ્રથમ બે કલાકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતનાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓની બેઠકો પર શેરબજારની જેમ ભારે ચઢાવ-ઉતાર થયો હતો.
જોકે ભારે આશ્ચર્ય વચ્ચે પાછળ રહેલા ઉમેદવારો અંતે આગળ નીકળીને જીતી પણ ગયા હતા. રાજ્યનાં વિવિધ ૩૭ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાઇ હતી.
એક્ઝિટ પોલ મુજબ ભાજપને બહુમતી મળવાની વાત હતી. જોકે શરૂઆતમાં ઉમેદવારોનો જે ટ્રેન્ડ શરૂ થયો તે વિચિત્ર હતો. જેમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, કેટલાક પ્રધાનો તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ‘પાછળ’ બતાવતા સન્નાટો ફેલાઇ ગયો હતો. આ જ સમયે કુલ ૧૮૨માંથી ભાજપ ૯૦થી ૯૨ અને કોંગ્રેસ ૮૮ જેટલી બેઠકો પર આગળ હોવાનાં ટ્રેન્ડ મળતા હતા. જેને લઇને ભાજપ અને ટોચના નેતાઓ ચૂંટણી હારી જશે એવી દહેશત ઊભી થઇ હતી.